વર્લ્ડ નંબર-1 બાર્ટી અને ફેડરર પછી કિર્ગિયોસે પણ US ઓપનમાંથી નામ પાછું લીધું, કહ્યું- કોરોનાને કારણે જીવ ગુમાવનાર માટે દુખી છું તેથી નહિ રમું

વર્લ્ડ નંબર-1 બાર્ટી અને ફેડરર પછી કિર્ગિયોસે પણ US ઓપનમાંથી નામ પાછું લીધું, કહ્યું- કોરોનાને કારણે જીવ ગુમાવનાર માટે દુખી છું તેથી નહિ રમું



ઓસ્ટ્રેલિયાની વિશ્વની પ્રથમ નંબરની મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી પછી દેશબંધુ નિક કિર્ગિયોસે પણ US ઓપન ટૂર્નામેન્ટમાંથી નામ પાછું લઈ લીધું છે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ પોસ્ટ કરીને આ નિર્ણયની માહિતી આપી હતી.

કિર્ગિયોસે કહ્યું કે હું આ વર્ષે US ઓપનમાં નહીં રમું. વિશ્વના સૌથી મોટા સ્પોર્ટિંગ એરેનામાંના એક આર્થર એશ સ્ટેડિયમમાં રમી ન શકવા પર મને ભારે દુખ છે. પરંતુ હું ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં તે લોકો માટે બહાર બેઠો છું જેમણે કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

વિશ્વના નંબર -40 ટેનિસ ખેલાડીએ વધુમાં કહ્યું કે આપણે ફરીથી સ્પોર્ટ્સ અને ઇકોનોમી ઉભી કરી શકીએ છીએ. પરંતુ આપણે કોરોનાને લીધે જીવ ગુમાવનારને પાછા લાવી શકતા નથી. કિર્ગિયોસે એવા ખેલાડીઓની પણ ટીકા કરી હતી કે જેઓ કોરોના હોવા છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી એગ્ઝીબિશન ટૂર્નામેન્ટ રમી રહ્યા છે. તેણે કહ્યું કે આ ખેલાડીઓ પૈસા માટે રમતા રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ટેનિસ ટૂર્નામેન્ટ્સ યોજાઇ છે. આમાંથી એક વર્લ્ડ નંબર -1 નોવાક જોકોવિચ દ્વારા કરવામાં આવી હતી. ઘણા દેશોમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટની મેચ જોવા માટે દર્શકો પણ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધા પછી જોકોવિચ, ગ્રિગોર દિમિત્રોવ, બોર્ના કોરીક કોરોના સંક્રમિત હતા.

વિશ્વની નંબર -1 મહિલા ખેલાડી એશ્લે બાર્ટી અને વિશ્વના નંબર -4 રોજર ફેડરરે પોતાનું નામ પાછા ખેંચી લીધું છે. બાર્ટીએ કોરોનાને કારણે આવું કર્યું હતું, જ્યારે ફેડરર આ વર્ષે ઈજાને કારણે કોઈ ટૂર્નામેન્ટ નહીં રમે. વર્લ્ડ નંબર -1 નોવાક જોકોવિચ પણ ટૂર્નામેન્ટમાં ન રમવા પર વિચાર કરી રહ્યો છે. આ સિવાય વર્લ્ડ નંબર -2 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે પણ તે રમશે કે નહિ, તે અંગે ખુલાસો કર્યો નથી.







કિર્ગિયોસે ગયા મહિને એગ્ઝીબિશન ટૂર્નામેન્ટ કરાવવા માટે નોવાક જોકોવિચની ટીકા કરી હતી. -ફાઇલ ફોટો