વનવિભાગે કહ્યું- હિંમતનગર-ઇડર તાલુકાના જંગલોમાં વાઘ દેખાયાનો વાઈરલ વિડીયો ફેક
હિંમતનગર અને ઇડર તાલુકાના જંગલ વિસ્તારમાં વાઘ અને બચ્ચું દેખાયાની ચર્ચાઓ વચ્ચે બે સપ્તાહથી વાયરલ વાઘના વિડીયો સંદર્ભે વનવિભાગ દ્વારા વાઘની હાજરી અને વીડિયોની સત્યાર્થતા બંને દિશામાં તપાસ હાથ ધરાઇ છે અને વિડીયો ખોટો છે. વીડિયો શેર કરનાર પાંચ વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરાઈ છે. છેલ્લા પાંચેક દાયકાથી સાબરકાંઠા જિલ્લામાં વાઘનું અસ્તિત્વ જ નથી એવી સ્થિતિમાં બે સપ્તાહથી હિંમતનગર અને ઇડર તાલુકામાં વાઘણ અને બચ્ચું દેખાયા ના વિડીયો તથા ફોટા વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે અને વનવિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ઇડરના વસાઈ ઝુમસર અને હિંમતનગરના હુંજ તથા રાયગઢ પંથકમાં વાઘ દેખાયાની ચર્ચાથી ખળભળાટ મચ્યો છે.

વાઘના નિશાન કે વાઘ જોવા મળ્યો નથી ઇડર આરએફઓ ગોપાલભાઈ પટેલના જણાવ્યાનુસાર બનાસકાંઠા જિલ્લામાંથી નાઇટ વિઝન કેમેરા લાવી રોજ રાત્રે કથિત જગ્યાએ લગાવી વોચ રખાઈ રહી છે. પરંતુ વાઘના નિશાન કે વાઘ જોવા મળ્યો નથી.

વિડીયો એડિટેડ જણાય છે એ. સી.એફ. યોગેશ દેસાઇએ જણાવ્યું કે વીડિયોમાં હુંજ લખેલું આવે છે ઓડિયો પણ એડિટેડ હોય તેવું જણાય છે. પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઇ છે તથા વનવિભાગ દ્વારા વાઘની સંભવિત હાજરીના પૂરાવા શોધવા પણ તપાસ થઇ રહી છે. કમલેશ પટેલ નામના વ્યક્તિની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે મે માસમાં વાઘ જેવું કંઇક જોયું હતું. તેમણે ઉમેર્યું કે આટલા સમયથી વાઘ જેવું પ્રાણી રહેતું હોય તો પ્રતિદિન મારણના અવશેષો મળે જે અત્યાર સુધી બન્યું નથી તથા વિડીયો એડિટેડ, ફેક પૂરવાર થશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

હજુ સુધી કંઈ મળ્યું નથી રાયગઢ રેન્જ આર.એફ.ઓ અનિરુદ્ધસિંહે જણાવ્યું કે વાઘ દેખાયાની ચર્ચા કરનારાઓની પૂછપરછ કરાઇ છે તેમના કહ્યા મુજબના વિસ્તારોમાં ફૂટ પ્રિન્ટસ, મળ વગેરે જેવા પૂરાવા મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી તથા આગામી સમયમાં કેમેરા લગાવી વોચ રાખવા તજવીજ હાથ ધરાઇ છે.વાઘ અને બચ્ચું દેખાયાની ચર્ચાઓ