વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છેવડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મળીને કરે છે. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઇ મન્સુરીને કૈલાશબેન રણજીતભાઇ પરમાર રાખડી બાંધતા હતા. જોકે શબ્બીરભાઇના મૃત્યુ બાદ કૈલાશબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી છે. કાજલ નાનપણથી જ શબ્બીરભાઇના બે પુત્ર તોસિફ(ઉ.30) અને સેઝલ(ઉ.25)ને રાખડી બાંધે છે. આમ બે પરિવારોએ વડોદરામાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે.

કૈલાશબેન અમારા પિતાને રાખડી બાંધતા, તેમની દીકરી અમને બે ભાઇઓને રાખડી બાંધે છે તોસિફ શબ્બીરભાઇ મન્સુરીએ જણાવ્યું હતું કે, પહેલા અમે હુજરત પાગા વિસ્તારમાં રહેતા હતા. ત્યાં અમારા બે પરિવારનો સંબંધ બંધાયો હતો. કૈલાશબેન મારા પિતાને રાખડી બાંધતા હતા અને કૈલાશબેનની દીકરી કાજલ અમને બંને ભાઇઓને રાખડી બાંધે છે. હાલ અમે સરદાર એસ્ટેટ વિસ્તારમાં રહીએ છીએ, પરંતુ, આજે પણ બહેન કાજલ અમને રાખડી બાંધવા માટે જરૂરથી આવે છે.

બહેન કાજલ અમને રાખડી બાંધવા આવે તે અમને ખુબ જ ગમે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હુજરત પાગા વિસ્તારમાં આવેલી ચાલીમાં હિન્દુઓ વચ્ચે અમારો એક જ મુસ્લિમ પરિવાર રહેતો હતો, પરંતુ, અમે નવરાત્રી સહિતના તહેવારો સાથે મળીને ઉજવતા હતા અને ત્યારથી જ અમારો બે પરિવાર વચ્ચેનો ગાઢ સંબંધ બંધાયો હતો. બહેન કાજલ અમને રાખડી બાંધવા આવે તે અમને ખુબ જ ગમે છે.

તમામ તહેવારો પણ સાથે મળીને જ ઉજવવા જોઇએ તોસિફ શબ્બીરભાઇ મન્સુરીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારી સામે આપણે બધાએ સાથે મળીને લડવુ જોઇએ. તો જ કોરોના વાઈરસને હરાવી શકીશું અને તમામ તહેવારો પણ સાથે મળીને જ ઉજવવા જોઇએ, તો આપણો ભાઇચારો પણ બની રહેશે.

હું વર્ષોથી તોસિફભાઇ અને સેઝલભાઇને રાખડી બાંધુ છું કાજલ પરમારે જણાવ્યું હતું કે, વર્ષોથી અમારા પરિવારો કોમી એખલાસથી જીવતા આવ્યા છે અને હું પણ વર્ષોથી તોસિફભાઇ અને સેઝલભાઇને રાખડી બાંધુ છું.2 મુસ્લિમ ભાઇઓને રાખડી બાંધી રહેલી હિન્દુ બહેન