વડોદરામાં વધુ 96 પોઝિટવ, કુલ કેસઃ4572, આજે 5 દર્દીના મોત, ભરૂચમાં નવા 28 કેસ અને નર્મદામાં 16 કેસ

વડોદરામાં વધુ 96 પોઝિટવ, કુલ કેસઃ4572, આજે 5 દર્દીના મોત, ભરૂચમાં નવા 28 કેસ અને નર્મદામાં 16 કેસવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4572 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 31 દર્દીને હોસ્પિટલમાંથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3456 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 3 દર્દીના મૃત્યુ જાહેર કરવામાં આવતા સત્તાવાર મૃત્યુઆંક 87 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 1029 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 ઓક્સિજન ઉપર અને 50 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 836 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કેસ નોંધાયા શહેરઃ આજવા રોડ, ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, સમા, વાઘોડિયા રોડ, તાંદલજા, કારેલીબાગ, વારસીયા રોડ, અટલાદરા, તરસાલી, સુભાનપુરા, છાણી, નવાયાર્ડ, ફતેગંજ, ફતેપુરા, અકોટા, દિવાળીપુરા, ગોત્રી, વાડી, મકરપુરા ગ્રામ્યઃ ડભોઇ, કરજણ, પાદરા, કલાલી, સોખડા, નંદેસરી, ફર્ટીલાઇઝરનગર

વડોદરામાં આજે 5 દર્દીના મોત વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતીનો પણ સમાવેશ થાય છે. તમામ દર્દીઓની સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવનાર છે. વડોદરા શહેરના વોર્ડ નં-11 ના ભાજપના કાઉન્સિલર ભાવનાબેન કિશનભાઇ શેઠનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકની ઉંમર અને વિસ્તારના નામ -ગોત્રી વિસ્તારની 26 વર્ષીય યુવતીનું મોત -અંકલેશ્વરના 38 વર્ષીય યુવકનું મોત -આજવા રોડના 79 વર્ષીય વૃદ્ધનું મોત -સેવાસીની 52 વર્ષીય મહિલાનું મોત -સાવલી તાલુકાના 65 વર્ષીય વૃદ્ધનું મોત

4થી 8 ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વેક્ષણનો ત્રીજો રાઉન્ડ કોવિડ સામે હાલ ચાલી રહેલી લડાઇમાં ઓગસ્ટ મહિનો ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે, જેને અનુલક્ષીને આજે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં કોવિડના પડકાર સામેની લડતમાં વડોદરા મહાનગરપાલિકાની શાખાઓ અને ક્ષેત્રીય અધિકારીઓને સામેલ કરવાની વ્યૂહ રચના હેઠળ 4 ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરો, 4 મદદનીશ કમિશનરો, 4 ઝોનલ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી ભાવિ આયોજનનો પરામર્શ કર્યો હતો. જેમાં કોવિડ નિયંત્રણ માટે 4થી 8 ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વેક્ષણનો ત્રીજો રાઉન્ડ વિચારવામાં આવ્યો છે. તેના અનુસંધાને ડો.રાવે પ્રત્યેક ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરોને આ આરોગ્ય સર્વેનું તેમના ઝોનનું ઝીણવટભર્યું આયોજન તૈયાર કરી તેનું રેખાચિત્ર શુક્રવારે રજૂ કરવા સૂચના આપી હતી.

ભરૂચમાં વધુ 28 કેસ નોંધાયા ભરૂચમાં કોરોના વાઈરસનો કહેર ખુબ જ વધી ગયો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસનો કુલ આંક 917 ઉપર પહોંચી ગયો છે.

નર્મદા જિલ્લામાં આજે 16 કેસ નોંધાયા નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા શહેરમાં 15 કેસ સામે આવ્યા છે. રાજપીપળાના ભટવાડામાં 2 કેસ, કાછીયાવાડમાં 4 કેસ, હાઉસિંગ બોર્ડમાં 1 કેસ, નવા ફળિયામાં 3 કેસ, લીમડા ચોકમાં 1 કેસ, રાજપૂત ફળિયામાં 1 કેસ, ટીમ્બા ખડકીમાં 1 કેસ, લાલ ટાવર વિસ્તારમાં 1 કેસ, ચંદ્રવિલા સોસાયટીમાં 1 કેસ અને 1 કેસ વડિયા ગામમાં નોંધાયો છે. આમ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 311 ઉપર પહોંચી ગઇ છે.પ્રતિકાત્મક તસવીર