વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, દરરોજ સરેરાશ 85 કેસ, અઠવાડિયામાં 15ના મોત, અનલોક-2માં કેસ ડબલ

વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, દરરોજ સરેરાશ 85 કેસ, અઠવાડિયામાં 15ના મોત, અનલોક-2માં કેસ ડબલ



ગુજરાત અને દેશભરમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં કોરોનાનો કહેર ખુબ જ વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં રોજ 80થી 90 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. વડોદરામાં 19 જુલાઇ સુધી કોરોનાના કેસની સંખ્યા 3604 હતી. જે 26 જુલાઇ સુધીમાં વધીને 4194 થઇ ગઇ છે. આમ એક અઠવાડિયામાં કોરોનાના વધુ 590 કેસ નોંધાયા છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં એક અઠવાડિયામાં સૌથી વધુ 119 કેસ નોંધાયા
વડોદરામાં અત્યાર સુધીમાં પૂર્વ ઝોનમાં કોરોના વાઈરસના કુલ 827 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી એક અઠવાડિયામાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કુલ 500 કેસ પૈકી એક અઠવાડિયામાં 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં 1281 કેસ પૈકી એક અઠવાડિયામાં 119 કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં કુલ 808 પોઝિટિવ કેસ પૈકી એક અઠવાડિયામાં 110 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં નોંધાયેલા કુલ 752 પોઝિટિવ કેસ પૈકી એક અઠવાડિયામાં 127 કેસ નોંધાયા છે.

છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઈરસના નોંધાયેલા કેસની સંખ્યા
20 જુલાઇ- 78 કેસ
21 જુલાઇ- 75 કેસ
22 જુલાઇ- 80 કેસ
23 જુલાઇ- 82 કેસ
24 જુલાઇ- 91 કેસ
25 જુલાઇ- 92 કેસ
26 જુલાઇ- 92 કેસ

એક અઠવાડિયામાં સત્તાવાર 15 દર્દીના મૃત્યુ જાહેર કરાયા
વડોદરા શહેરમાં 19 જુલાઇ સુધીમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન કુલ 62 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે 26 જુલાઇ સુધીમાં કુલ મૃત્યુઆંક 77 ઉપર પહોંચ્યો છે. આમ છેલ્લા એક અઠવાડિયામાં સત્તાવાર 15 દર્દીના મૃત્યુ થયા છે. જોકે બિન સત્તાવાર મૃત્યુઆંક ખુબ મોટો છે.

અનલોક-2માં કોરોનાના કેસની સંખ્યા ડબલ જેટલી થઇ ગઇ
વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ 20 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન સુધીમાં વડોદરા શહેરમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 1057 હતી. જોકે અનલોક-1ના 30 દિવસમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 2280 ઉપર પહોંચી ગઇ હતી. અને અનલોક-2ના 26 દિવસ સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 4194 જેટલી થઇ ગઇ છે. એટલે કે, અનલોક-2માં વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા ડબલ જેટલી થઇ ગઇ છે.

કોરોનાના 309 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
વડોદરા શહેરમાં હાલ કુલ 854 એક્ટિવ કેસ પૈકી સયાજી હોસ્પિટલમાં 181, ગોત્રી હોસ્પિટલમાં 162, ખાનગી હોસ્પિટલમાં 175, કોવિડ કેર સેન્ટરમાં 27 અને હોમ આઇસોલેશનમાં 309 દર્દી સારવાર લઇ રહ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં 2756 પુરૂષ દર્દી અને 1438 મહિલા દર્દી કોરોનાગ્રસ્ત થયા છે.

વડોદરામાં વય જૂથ પ્રમાણે કોરોનાના કેસની સંખ્યા
0થી 10 વર્ષની વય જૂથમાં 41 કેસ
11થી 20 વર્ષની વય જૂથમાં 144 કેસ
21થી 30 વર્ષની વય જૂથમાં 571 કેસ
31થી 40 વર્ષની વય જૂથના 688 કેસ
41થી 50 વર્ષની વય જૂથમાં 833 કેસ
51થી 60 વર્ષની વય જૂથમાં 917 કેસ
61થી 70 વર્ષની વય જૂથમાં 697 કેસ
71થી 80 વર્ષની વય જૂથમાં 248 કેસ
81થી 90 વર્ષની વય જૂથમાં 52 કેસ
91થી 100 વર્ષની વય જૂથમાં 03 કેસ









Corona infection increased in Vadodara in last week averaging 85 cases per day, 15 deaths, double cases in Unlock-2