લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદસૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી મગફળી અને કપાસના પાકને ફાયદો થયો છે. રાજુલામાં એક કલાકમાં 4 ઈંચ અને જાફરાબાદમાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજુલામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.​ સાવરકુંડલાના શેલણા, ભમોદ્રા, ઘોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદના મિતયાળા, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તેમજ ગોંડલમાં પણ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.દ્વારકા અને જામનગર પંથક ઉપર ફરી મેઘરાજા મહેરબાન બન્યા છે. જામકલ્યાણપુરમાં બે કલાકમાં 2 ઇંચ, જામખંભાળિયામાં અઢી ઈંચ, જામનગરના ભાણવડમાં 2 ઇંચ અને લાલપુરમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે

રાજુલા નજીક આંબાના બગીચામાં પાણી ભરાયા

વૃક્ષ ધરાશાયી થતા રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ રાજુલાના આંબરડી નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે બંધ થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી છે. બંને સાઈડ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે.ગારીયાધાર અને મહુવામાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન બન્યા છે. આજે પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ ખેતરો પાણી પાણી થયા છે. દામનગરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાજુલામાં મૂશળધાર વરસાદથી બજારોમાં નદીની જેમ પાણી વહ્યું

મહુવા અને ગારીયાધારમાં ધોધમાર વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને પગલે આજે બીજા દિવસે પણ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગારીયાધારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે બપોરના સમયે મહુવા અને ગારીયાધાર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ વરસી જતા વાતાવરણ ઠંડુ બની ગયું હતું. આજે બપોરે મહુવના મોણપર, બગદાણા, ખારી, કરમદીયા સહિત આજુબાજુના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઢડામાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. ગઢડાના ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી ઘૂસ્યા છે. ઢસા વિસ્તારમાં બપોર બાદ સારો વરસાદ વરસતા ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને પાણીને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું

રાજુલામાં મૂશળધાર વરસાદ

રાજુલા શહેરમાં આજે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરની ધારનાથ સોસાયટી સહિત મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. તેમજ લાઠી તાલુકામાં પણ આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. લાઠીના પાડરસિંગા, હાવતડ, પાંચતલાવડા, ભુરખીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દામનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. પાડરસિંગા ગામે ધોધમાર વરસાદથી પૂરના પાણી ગામમાં ઘૂસી ગયા છે.

રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં

જામનગરમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે જામનગરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં જામનગરમાં પોણો ઈંચ અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

જામનગરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા

મગફળી અને કપાસના પાકને ફાયદો વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે અમરેલી પંથકમાં વરસાદ પડતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે. રાજુલાના છતડીયા, હીંડોરાણા, વડ, ખાખબાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

(જયદેવ વરૂ, અમરેલી/રાજુ બસીયા, બાબરા/ભરત વ્યાસ, ભાવનગર)ભારે વરસાદથી દામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા