Translate to...

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે આરોપ લગાવ્યો કે રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ભાજપ અને કોંગ્રેસના અમુક નેતાઓ સામેલ છે.

ગેહલોતે પત્રમાં લખ્યું-‘‘હું તમારું ધ્યાન રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને લોકતાંત્રિક મર્યાદાઓથી વિપરિત હોર્સ ટ્રેડિંગ દ્વારા તોડી પાડવા માટે થઇ રહેલા પ્રયત્નો તરફ આકર્ષિત કરવા માગુ છું. આપણા બંધારણમાં બહુપક્ષીય વ્યવસ્થાના કારણે રાજ્યો અને કેન્દ્રમાં અલગ અલગ પાર્ટીઓની સરકાર ચૂંટાય છે. આપણા લોકતંત્રની એ સુંદરતા છે કે આ સરકારોએ પક્ષીય રાજકારણથી ઉપર રહીને લોકહિતને કેન્દ્રમાં રાખીને કામ કર્યું. ’’

‘‘પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં બનાવવામાં આવેલો પક્ષ પલટા વિરોધી કાયદો તેમજ અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા કરવામા આવેલા સંશોધનની ભાવનાઓને નેવે મુકીને છેલ્લા અમુક સમયથી લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયેલી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. તે જનમતનું ઘોર અપમાન છે. કર્ણાટક અને મધ્યપ્રદેશ તેના ઉદાહરણ છે. ’’

‘‘કોરોના મહામારીના સમયમાં જીવનની રક્ષા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવા સમયે રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ કૃત્યમાં કેન્દ્રીય ગજેન્દ્રસિંહ શેખાવત, ભાજપના અન્ય નેતા અને અમારી પાર્ટીના અમુક મહાત્વાકાંક્ષી નેતાઓ સામેલ છે. તેમાંથી એક ભંવરલાલ શર્મા જેવા વરિષ્ઠ નેતા છે જેમણે ભાજપના નેતા હોવા છતા ભૈરોસિંહ શેખાવતની સરકારને હોર્સ ટ્રેડિંગથી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે મેં અને તત્કાલિન રાજ્યપાલ બલિરામ ભગત અને વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે મળીને તેમનો વિરોધ કર્યો હતો. ’’

ગેહલોતે લખ્યું-‘‘મને અફસોસ રહેશે કે જ્યાં એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર જીવન અને રોજગારી બચાવવાની જવાબદારી છે ત્યાં કેન્દ્રનો સત્તાપક્ષ કેવી રીતે કોરોના સામેની લડાઇ છોડીને કોંગ્રેસની રાજ્ય સરકારને પાડવાના ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે. મધ્યપ્રદેશની ઘટના સમયે પણ તમારી પાર્ટીની દેશમાં બદનામી થઇ હતી. મને નથી ખબર કે ક્યાં સુધી તમને આ વાતની જાણકારી છે કે પછી તમને ભ્રમિત કરવામા આવી રહ્યા છે. આવા કૃત્યોમાં ભાગીદાર લોકોને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. ’’આ તસવીર 5 જાન્યુઆરી 2019ની છે. ત્યારે અશોક ગેહલોત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી સ્થિત તેમના આવાસ પર મળ્યા હતા.