Translate to...

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સ્કૂલ ખોલવાના દબાણ વચ્ચે 70% શિક્ષકોએ હડતાળની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું- સ્કૂલો બંધ રાખો

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સ્કૂલ ખોલવાના દબાણ વચ્ચે 70% શિક્ષકોએ હડતાળની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું- સ્કૂલો બંધ રાખો
અમેરિકામાં 70 ટકા શિક્ષકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો કોરોના કાળ દરમિયાન સ્કૂલો શરૂ કરવામાં આવે તો તે હડતાળ પર જતા રહેશે. આ તમામ જુદાં જુદાં શિક્ષક સંગઠનોના સભ્યો છે. આ સંગઠનોએ નિવેદન જારી કરી હડતાળની ચેતવણીની પુષ્ટી કરી હતી. આવું ત્યારે થઇ રહ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્કૂલ ખોલવા દબાણ કરી રહ્યા છે.

અમેરિકી ફેડરેશન ઓફ ટીચર્સના અધ્યક્ષ રેન્ડી વેનગાર્ટને કહ્યું કે સ્કૂલોમાં કોરોનાને અટકાવવા માટે પૂરતી વ્યવસ્થા નથી. મોટા ભાગના ક્લાસમાં વેન્ટિલેશન નથી. માસ્ક પણ ઓછા પડી રહ્યા છે. રાજનેતાઓએ પોતાની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે, પણ શિક્ષકોને તેમના હાલ પર જ છોડી દીધા છે. શિક્ષકોની માગ છે કે ઓનલાઈન અભ્યાસ પણ મર્યાદિત કરવો જોઇએ.

બીજી બાજુ એક સંગઠને સ્કૂલ ખોલવાના આદેશ વિરુદ્ધ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટસિસ પર કેસ દાખલ કરી દીધો હતો. જોકે જન શિક્ષણ કેન્દ્રના વડા રોબિન લેકે કહ્યું કે સંપૂર્ણ મામલે બાળકોને મહોરું બનાવાઈ રહ્યા છે. શિક્ષક સંગઠનોની માગ તર્કહીન છે. લાંબા સમય સુધી અભ્યાસ ન કરવાને લીધે વિદ્યાર્થીઓને જ નુકસાન થશે.

સરવે: 60% વાલીઓનું શિક્ષકોને સમર્થન, કહ્યું- ઓનલાઈન અભ્યાસ સફળ નથી ચાલુ મહિને એક સરવેમાં 60% વાલીઓએ શિક્ષકોની માગને ટેકો આપતાં કહ્યું હતું કે હાલ સ્કૂલો શરૂ ન કરવી જોઈએ. ઓનલાઇન અભ્યાસ સફળ થઈ રહ્યો નથી. તેનાથી મોટાભાગના વાલીઓ પોતાના કામ અને બાળકોના અભ્યાસ વચ્ચે તાલમેલ બેસાડી શકી રહ્યાં નથી. કોરોનાને લીધે અનેક વાલીઓ પર રોજગારનું સંકટ તોળાઈ રહ્યું છે. એવામાં તે બાળકોની સ્કૂલ ફીની પણ વ્યવસ્થા કરી શકી રહ્યાં નથી. સ્કૂલોમાં પણ કોરોનાને અટકાવવાની વ્યવસ્થા નથી. એવામાં કઈ રીતે બાળકોને સ્કૂલે મોકલી શકાય.

ઓસ્ટ્રેલિયા : વિક્ટોરિયામાં 723 નવા દર્દી, ઓસ્ટ્રેલિયાના એક દિવસનો સૌથી મોટો આંકડો ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે. અહીં 24 કલાકમાં 723 નવા દર્દી મળ્યાં છે. આ ફક્ત એક રાજ્યનો જ નહીં, પણ ઓસ્ટ્રેલિયાના એક દિવસના દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. વિક્ટોરિયાના મુખ્યમંત્રી ડેનિયલ એન્ડ્રયૂએ તેની પુષ્ટી કરતાં કહ્યું કે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. એવામાં અમારે દરરોજ નવા નવા વિસ્તારોમાં કડક લૉકડાઉન લગાવવું પડી રહ્યું છે. વિક્ટોરિયામાં અત્યાર સુધી 9998 દર્દી મળ્યાં છે, જે દેશના કુલ દર્દીઓના 60 ટકા છે. તેમાં પણ 80 ટકા દર્દી એકલા મેલબોર્નમાં છે. અહીં 35 ઉપનગરોમાં સ્થિતિ દયનીય છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 16,298 દર્દી મળ્યાં છે. જોકે 189 મૃત્યુ પામ્યા છે.

દુનિયા : ઈટાલીમાં 15 ઓક્ટોબર સુધી ઈમરજન્સી વધારાઈ, ઉ.કોરિયામાં 696 લોકો ક્વૉરન્ટીનમાં ઈટાલીએ 15 ઓક્ટોબર સુધી સ્ટેટ ઈમરજન્સી વધારી દીધી છે. સરકારે ગુરુવારે નિવેદન જાહેર કરી આ અંગે પુષ્ટી કરી હતી. ઈટાલી યુરોપના એ દેશોમાં સામેલ છે જ્યાં કોરોના સૌથી ઝડપે ફેલાયો હતો. અહીં 31 જાન્યુઆરીથી સ્ટેટ ઈમરજન્સી લાગુ છે. તે ચાલુ મહિને ખતમ થવાની હતી. ઈટાલીમાં અત્યાર સુધી 2,46,776 દર્દીઓ મળ્યાં છે. જોકે 35,129 મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ ડબ્લ્યૂએચઓએ કહ્યું કે ઉ.કોરિયામાં અત્યાર સુધી 1211 લોકોના ટેસ્ટ કરાયા છે. તેમાંથી કોઈ ચેપગ્રસ્ત નથી. અહીં હાલ 696 નાગરિકોને ક્વૉરન્ટીનમાં રખાયા છે. ડબ્લ્યૂએચઓના ઉ.કોરિયાના પ્રતિનિધિ ડૉ.એડવિ સલ્વાડૉરે આ અંગે પુષ્ટી કરી હતી.તસવીર અમેરિકાના સાલ્ટ લેક સિટીની છે. અહીંની સ્કૂલોમાં દેખાવ થઇ રહ્યાં છે.