Translate to...

રિયાનો ભાઈ શોવિક સતત બીજે દિવસે ED ઓફિસ પહોંચ્યો, ગઈકાલે 2 કલાક પૂછપરછ થઇ હતી, આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો છે

રિયાનો ભાઈ શોવિક સતત બીજે દિવસે ED ઓફિસ પહોંચ્યો, ગઈકાલે 2 કલાક પૂછપરછ થઇ હતી, આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો છે
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ કરી રહી છે. શનિવારે રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી સતત બીજે દિવસે ED ઓફિસ પહોંચ્યો છે. ગઈકાલે તેની 2 કલાક પૂછપરછ થઇ હતી. EDએ આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો છે.

શુક્રવારે આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીની લગભગ 9 કલાક પૂછપરછ થઇ. રિયા સાથે તેના ભાઈ શોવિક, સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને CA રિતેશ શાહની પણ પૂછપરછ થઇ. સુશાંતના પરિવારે રિયા અને તેના પરિવાર પર તેના દીકરાના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા તેમની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.

મુંબઈ પોલીસે ત્રણ વાર પૂછપરછ કરી આ બધાના સ્ટેટમેન્ટ પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત ફાઈલ કરવામાં આવી રહ્યા છે. સુશાંતના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હેન્ડલ કરનાર પીઠાણી એક વર્ષથી સુશાંત સાથે રહેતો હતો. સુશાંતને મૃત હાલતમાં સૌથી પહેલા સિદ્ધાર્થે જ જોયો હતો. મુંબઈ પોલીસ દ્વારા રજિસ્ટર્ડ એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટમાં પણ તેણે ત્રણ વાર સ્ટેટમેન્ટ આપ્યું છે.

EDની ટીમે રિયાના ફ્લેટ પર રેડ પાડી શુક્રવારે રિયાની ખાર વિસ્તારની સંપત્તિની તપાસ માટે EDની એક ટીમ તેના ઘરે પહોંચી હતી. ત્યાં રિયાનો 1BHK ફ્લેટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GST સાથે આ ફ્લેટની કિંમત અંદાજે 84 લાખ રૂપિયા છે. આ ફ્લેટ રિયાએ 2018માં બુક કર્યો હતો અને તેના માટે અંદાજે 60 લાખ રૂપિયાની લોન લીધી હતી. ટીમે અમુક ડોક્યુમેન્ટ્સ જમા કર્યા અને પાડોશી સાથે પણ વાતચીત કરી.

EDએ 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ માગ્યો સૂત્રોના જણાવ્યા મુજબ EDએ રિયાને 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ બતાવવા માટે કહ્યું છે. બીજા પણ અમુક ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા, જેના માટે રિયાના ભાઈ શોવિકને બે કલાકની પૂછપરછ બાદ ઘર મોકલવામાં આવ્યો હતો. શોવિક ડોક્યુમેન્ટ્સ સાથે પરત આવ્યો અને રિયા સાથે જ રહ્યો.

રિયાની નવ કલાક અને ભાઈ શોવિકની બે કલાક પૂછપરછ EDએ સુશાંત રાજપૂતના CA સંદીપ શ્રીધર અને તેના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની બે વખત પૂછપરછ કરી લીધી છે. આ કેસમાં રિયાની નવ કલાક અને ભાઈ શોવિકની બે કલાક પૂછપરછ કરી. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢવાની વાતને ખોટી ગણાવી. તેણે જણાવ્યું કે મેં પણ 7 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી કમાણી કરી છે. રિયાએ EDને પૂછપરછ ટાળવાની અપીલ કરી હતી જેને રિજેક્ટ કરી દેવાઈ હતી.

CBIની પટના SIT ટીમ સાથે મીટિંગ CBIની પટના SITના એક મેમ્બર સાથે શુક્રવારે લાંબી મીટિંગ થઇ હતી. SIT એ ભેગા કરેલ ફેક્ટ્સ અને પુરાવાઓને એક-એક કરીને તપાસવામાં આવ્યા અને તપાસ રિપોર્ટનું હોમવર્ક કરવામાં આવ્યું. રિયાએ પટનામાં ફાઈલ થયેલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. સુશાંતના 74 વર્ષીય પિતા કેકે સિંહે 26 જુલાઈએ રિયા અને તેના પરિવાર સહિત 6 લોકો પર ફ્રોડ અને સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

અકાઉન્ટમાંથી નીકળતી રકમને કારણે સુશાંત ચિંતિત હતો પટના પોલીસની ટીમે મુંબઈમાં કરેલ તપાસમાં ઘણા મહત્ત્વના ખુલાસા થયા છે. બિહાર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંત સિંહ તેના અકાઉન્ટમાંથી સતત પૈસા ઊપડી રહ્યા હતા તેને લઈને ચિંતામાં હતો. એક દિવસ રિયા ચક્રવર્તી સુશાંતની સામે બેઠી હતી. ત્યારે તેણે ખાતામાંથી પૈસા ઉપાડવાની વાત કરી હતી. સુશાંતે રિયાને ડિરેક્ટલી કહેવાને બદલે કૂકને કહ્યું કે તમે લોકો ઘણા પૈસા ખર્ચો છો. ઓછા પૈસા વાપરો. આ બધું રિયાએ સાંભળ્યું હતું.

બિહાર પોલીસનો મુંબઈ પોલીસ પર આરોપ બિહાર પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરેલ છે જેમાં કહ્યું કે તેમની ટીમ તપાસ માટે મુંબઈ પણ ગઈ હતી. મુંબઈ પોલીસે બિહાર પોલીસને કોઈ મદદ કરી ન હતી. મુંબઈ પોલીસે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, FSL તપાસ રિપોર્ટ, CCTV ફૂટેજ વગેરે સહિત અન્ય ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા. પટનાથી આવેલ SP વિનય તિવારીને બળજબરીથી ક્વોરન્ટીન કરી દેવાયા હતા. મુંબઈ પોલીસે જે કેસ ફાઈલ કરેલ છે તે માત્ર સુશાંતના મૃત્યુનો છે.

કોર્ટમાં કહ્યું- બિહાર પોલીસ સુશાંત સાથે થયેલ ફ્રોડની તપાસ કરી રહી છે કોર્ટમાં બિહાર પોલીસે જણાવ્યું કે તેઓ સુશાંત સાથે થયેલ ફ્રોડ અને બ્લેકમેલિંગની તપાસ પણ કરી રહી છે. માટે બંને કેસ અલગ છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતના પરિવારના જણાવ્યા મુજબ રિયા સાથે એક ડોક્ટર પણ આ ષડયંત્રમાં સામેલ હતો. તેમને તપાસમાં જાણવા મળ્યું કે સુશાંતના કોટક મહિન્દ્રા બેન્કના અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા જેને રિયા સાથે જોડાયેલ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા કોના ખાતામાં જમા થયા તેની તપાસ થઇ રહી છે.ED ઓફિસમાં શોવિક ચક્રવર્તી. સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર દીકરાના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા તેમની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.