Translate to...

રિયા ચક્રવર્તીએ નવ કલાકની પૂછપરછમાં તેના બે ફ્લેટ્સ, આવક અને ખર્ચ વિશેના જવાબ યોગ્ય રીતે ન આપ્યા, ED સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવશે
શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં રિયા ચક્રવર્તીની નવ કલાક પૂછપરછ થઇ હતી. રિયાના ભાઈ શોવિકની શુક્રવારે બે કલાક પૂછપરછ થઇ હતી અને આજે શનિવારે પણ તે ED ઓફિસ પૂછપરછ માટે હાજર છે. મુંબઈમાં ED ઓફિસની પૂછપરછમાં રિયા ઘણા સવાલના જવાબ આપી શકી ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે મુંબઈના વૈભવી વિસ્તારમાં આવેલ તેના બે ફ્લેટ્સની માહિતી આપી નથી. તેમાં એક ફ્લેટ રિયાના નામે અને બીજો તેના પિતા ઇન્દ્રજીતના નામે રજિસ્ટર્ડ છે. આ સિવાય રિયા તેની આવક, ખર્ચ વિશે પણ યોગ્ય જવાબ આપી ન શકી.

રિયાએ એવું પણ કહ્યું કે સુશાંતે તેના પર જે ખર્ચ કર્યો હતો તે એક્ટરે તેની મરજીથી કર્યો હતો. પરંતુ ખુદ જ્યારે પોતાની આવક, ખર્ચ વિશે સવાલ થયા ત્યારે રિયા સરખા જવાબ ન આપી શકી. સોમવારે તેની બીજીવાર પૂછપરછ થઇ શકે છે.

રિયા પાસે છુપાવવા જેવું કઈ નથી: વકીલ સતીશ રિયાના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે તેમણે EDથી કઈ છુપાવ્યું નથી. તે તપાસમાં પૂરો સહકાર આપી રહી છે. પિન્કવીલા સાથેની વાતચીત દરમ્યાન વકીલ સતીશે કહ્યું, રિયાના પિતા અને ભાઈએ તેમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. તેમની પાસે ઇન્કમ ટેક્સ સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ છે. તે પોલીસ અને EDની પૂછપરછમાં હંમેશાં સહકાર આપશે. તેને ફરીવાર બોલાવવામાં આવી છે, નિયત સમયે તે પૂછપરછ માટે હાજર થઇ જશે.

શું રિયાએ તપાસમાં સહકાર ન આપ્યો? રિપોર્ટ્સ મુજબ શરૂઆતમાં રિયાએ તપાસમાં સહકાર ન આપ્યો. ક્યારેક તે બીમારીનું બહાનું બનાવતી તો કોઈવાર અમુક સવાલના જવાબમાં કહેતી તેને કઈ યાદ નથી. તેણે સુશાંતના ખાતામાંથી પૈસા ઉપાડવાની વાતને કલ્પિત અને ખોટી ગણાવી છે. તેના કહેવા મુજબ, તેણે 7 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી તેણે કમાણી કરી છે.

સુશાંતના પરિવારના વકીલે રિયાની ધરપકડનો સંકેત આપ્યો સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે કહ્યું કે જો રિયા સવાલોથી બચવાની ટ્રાય કરે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે. તેમણે કહ્યું, હવે જ્યારે તેમણે પૂછપરછ માટે સામે આવવાનો નિર્ણય લીધો છે તો તેમણે બધા સવાલના સાચા જવાબ આપવાના રહેશે. જો તે એવું કરશે તો તેને ED ઓફિસથી જવા મળશે, પરંતુ જો તે કોઈ જવાબ દેવામાંથી છટકશે તો તેને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

EDએ 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ માગ્યો સૂત્રોના જણાવ્યા મુજબ EDએ રિયાને 5 વર્ષનો ઇન્કમ ટેક્સ રેકોર્ડ બતાવવા માટે કહ્યું છે. બીજા પણ અમુક ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા, જેના માટે રિયાના ભાઈ શોવિકને બે કલાકની પૂછપરછ બાદ ઘર મોકલવામાં આવ્યો હતો. શોવિક ડોક્યુમેન્ટ્સ સાથે પરત આવ્યો અને રિયા સાથે જ રહ્યો. રિયા અને શોવિક સિવાય સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીને પણ ED ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

સુશાંતના પરિવાર પર રિયાનો આરોપ EDની પૂછપરછ દરમ્યાન રિયાએ સુશાંતના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેનો દાવો છે કે સુશાંતના ફેમિલી મેમ્બર્સ તેના ઇન્શ્યોરન્સ અને બાકીની પ્રોપર્ટી હાંસિલ કરવા માટે પ્રેશર કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ એવું પણ કહ્યું કે સુશાંતનો પરિવાર તેના દીકરાને મારાથી અલગ થવા માટે ફોર્સ કરી રહ્યા હતા. સુશાંતના IPS જીજુ ઘણા મહિનાથી એક મોટું ષડયંત્ર ઘડવામાં લાગ્યા હતા. સુશાંતે જે પણ પૈસા ખર્ચ્યા તે તેની મરજીથી કર્યા.

અગાઉ રિયા પૂછપરછથી દૂર ભાગતી હતી EDએ રિયાને 7 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવી હતું પરંતુ તે આનાથી બચવા ઇચ્છતી હતી. તેણે EDને પૂછપરછ ટાળવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં તેની યાચિકા પર નિર્ણય ન આવે ત્યાં સુધી સ્ટેટમેન્ટ લેવામાં ન આવે. જોકે, આ અપીલ રિજેક્ટ થઇ અને રિયાની 9 કલાક પૂછપરછ થઇ. રિયા પર આરોપ છે કે તેણે સુશાંતના ખાતામાંથી 15 કરોડ ઉપાડીને તેની કંપનીમાં ઈન્વેસ્ટ કર્યા.

રિપોર્ટ્સ મુજબ ED રિયાની ત્રણ તબક્કામાં પૂછપરછ કરી રહી છે. તેના માટે 20થી વધુ સવાલ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં તેની અંગત માહિતીની સાથે તેના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, કમાણી, ખર્ચ, કંપની અને બેન્ક ખાતાની ડીટેલ્સ સામેલ છે.

31 જુલાઈએ કેસ ફાઈલ થયો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પટના પોલીસ પાસે રિયા અને તેની ફેમિલી વિરુદ્ધ ફાઈલ થયેલ ફરિયાદની કોપી માગી હતી. તેને સ્ટડી કર્યા પછી EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જ લગાવી 31 જુલાઈએ રિયા અને તેના પરિવાર સહિત 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી.

CBIએ પણ કેસ ફાઈલ કર્યો ગુરુવારે CBIએ સુશાંત કેસમાં 6 આરોપી અને અન્ય વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. તેમાં રિયા ચક્રવર્તી, તેના પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક ચક્રવર્તી, તેના બિઝનેસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, પર્સનલ મેનેજર શ્રુતિ મોદી અને અન્ય સામેલ છે.

25 જુલાઈએ પટનામાં કેસ રજિસ્ટર થયો સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે.

તેમના વિરુદ્ધ IPC ધારા 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ થયો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.રિયાએ સુશાંતના ખાતામાંથી પૈસા ઉપાડવાના આરોપને કલ્પિત અને ખોટા ગણાવ્યા