Translate to...

રાજ્ય સરકારે ‘મેઘ ગર્જના અને વીજળીના ચમકારા પહેલાં અને પછી શું કરવું? તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી, વાંચો કઈ-કઈ વાતનું ધ્યાન રાખશો

રાજ્ય સરકારે ‘મેઘ ગર્જના અને વીજળીના ચમકારા પહેલાં અને પછી શું કરવું? તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી, વાંચો કઈ-કઈ વાતનું ધ્યાન રાખશો
છેલ્લા કેટલાક સમયથી બિહાર-ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા જ વીજળી પડવાને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકારે મેઘ ગર્જના અને વીજળીના ચમકારા પહેલા અને પછી શું કરવું અને શું ન કરવું તે અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે.

મેઘ ગર્જના તેમજ વીજળીના ચમકારા પહેલાઃમેઘ ગર્જના જેવી ઘટનાથી સાચવણી માટે તમે આટલું કરો

યાદ રાખો કે, વિવિધ અને વારંવાર થતા વીજ-ચમકારા તીવ્ર મેઘ ગર્જનાની સંભાવના સૂચવે છે. તેના સામનાની તૈયારીઓના ભાગ સ્વરૂપે એક કટોકટી સમયની કીટ બનાવો અને અને પરીવારના સભ્યો સાથે સંદેશા વ્યવહાર થઈ શકે તેવું આયોજન કરો. મૃત અથવા ભયજનક રીતે ઝૂલતા ઝાડ અને તેની ડાળીઓ કે જે તીવ્ર મેઘ ગર્જનામાં પડી શકે અને ગંભીર ઈજા અને નુકસાન કરી શકે તેને દૂર કરો. ઘર બહાર કરવામાં આવતી પ્રવૃત્તિઓ ટાળો ૩૦/૩૦ વીજળીના ચમકારાથી સુરક્ષાના નિયમો યાદ કરો. ઘરમાં જાવ અને 1થી 30 સુધી ગણવાનું ચાલું કરો. જો 30 સુધીની ગણતરી પહેલાં જ તમને મેઘ ગર્જના સંભળાય તો, છેલ્લે સંભળાયેલ મેઘ ગર્જનાની બીજી 30 મિનિટ સુધી ઘર બહાર નીકળવાનું ટાળો. બહારની વસ્તુઓ કે જે ઊડીને ઘરમાં આવીને નુકસાન પહોંચાડી શકે તેનાથી સાવચેત રહો. ઘર,ઈમારત કે મજબૂત છત ધરાવતી ગાડીમાં જાઓ. જો કે ગાડી ઊપર પણ વીજળી પડી શકે છે અને તમને ઈજા પહોંચી શકે છે,પણ તમે બહાર કરતાં વાહનની અંદર વધુ સલામત છો. યાદ રાખો કે, રબરના સોલ વાળા જૂતા અને રબરના ટાયર વીજ-ચમકારાથી તમારૂ રક્ષણ કરશે નહીં, પણ સ્ટીલની મજબૂત છતવાળું વાહન જો તમે ધાતુને નહી અડો, તો તમારું રક્ષણ થશે. બારી અને બારણા બંધ રાખો. વીજળીના ઊપકરણોને તોફાન આવ્યા પહેલાં જ બંધ કરી દો.

મેઘ ગર્જના અને વીજ ચમકારાની ઘટના દરમિયાન શું કરવું જોઇએ?

જો તમારા વિસ્તારમાં મેઘ ગર્જના અને વીજ ચમકારા થઈ રહ્યા હોય તો તમે વીજ વાયર સાથે જોડાયેલા ફોન અને ઊપકરણનો સંપર્ક ટાળો. દિવાલ સાથે જોડાયેલા વાયરલેસ ફોનનો ઉપયોગ કરી શકાય. વીજ સંચાલિત સાધનો કે વીજ વાયરને અડવાનું ટાળો. કોમ્પ્યુટર કે તેના જેવા બીજા ઊપકરણોને વીજ પ્લગમાંથી દૂર કરો. એર કંડિશનરને પણ બંધ રાખો. વીજળીના ચમકારામાંથી વીજ પ્રવાહ નીચે ઊતરી ગંભીર નુકશાન પહોંચાડી શકે. પર્વતની ટોચ, ખુલ્લા મેદાન, સમુદ્ર કિનારા કે પાણીમાં રહેલ બોટમાં જવાનું ટાળો. સ્થિર અને મજબૂત મકાનમાં આશરો લેવો. ખુલ્લા વિસ્તાર કે છાપરાં કે નાના બાંધકામમાં આશરો ન લેવો. મોટર સાયકલ, ટ્રેક્ટર, કૃષિ વિષયક સામાન વગેરેના સંપર્કમાં ન આવવું. જો તમે વાહન ચલાવતા હોય તો સડકની કિનારે સલામત રીતે વાહન પાર્ક કરો અને જ્યાં સુધી ભારે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી વાહનની બહાર ન નીકળો. ધાતુની સપાટી તેમજ અન્ય સપાટી કે જે વીજ વાહક હોય તેને અડશો નહીં. જો તમને કે તમારી પરિચિત કોઇ વ્યક્તિ પર વીજળી પડી હોય તો જેટલું શક્ય હોય એટલું જલ્દી તબીબી સારવાર માટે ફોન કરો.

ભોગ બનનાર વ્યક્તિ ને પ્રાથમિક સારવાર આપવા દરમિયાન નિમ્ન લિખીત વસ્તુનું ધ્યાન રાખો.

શ્વાસ સંબંધિત તકલીફઃજો શ્વાસ બંધ હોય તેવું જણાય તો મુખ દ્વારા કુત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનું શરૂ કરો. હ્રદયની ધડકન સંબંધિત તકલીફઃજો હ્રદય બંધ પડેલ જણાય તો સી.પી.આર આપવાનુ શરૂ કરો. નાડી સંબંધિત તકલીફઃજો ભોગ બનેલ વ્યક્તિની નાડી અને શ્વાસ ચાલુ હોય તો બીજી કોઇક ઇજાઓની શક્યતાઓ તપાસો. વીજળી શરીરમાં જે જગ્યાએ પ્રવેશી હોય અને જે જગ્યાએથી બહાર નિકળી હોય ત્યાં દાઝ્યો છે કે નહી તે તપાસો. જ્ઞાનતંતુ પ્રણાલી, અસ્થિભંગ કે શ્રવણશક્તિ કે દૃષ્ટિની સમસ્યા તો નથી થઈ ને તે તપાસો.

તોફાન પસાર થઈ ગયા પછી આ વસ્તુઓનું ધ્યાન રાખો

પાણી ભરાયેલ માર્ગ પર મુસાફરી ન કરો. પાણી ભરાયેલું હોય તો પાછા વળો, ડૂબી ન જાવ તેનું ધ્યાન રાખો. સ્વયંને તોફાનગ્રસ્ત વિસ્તારથી દૂર રાખો. સ્થાનિક રેડિયો કે ટેલીવિઝન પર પ્રસારીત માહિતી કે સૂચનાઓથી સ્વયંને માહિતગાર રાખો. કદાચ કોઇ માર્ગ કે કોઇ વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો હોય. નાના બાળકો, વૃદ્ધો કે જેમને તમારી વિશેષ સેવાની જરૂર હોય તેમને મદદ કરો. વીજળીની ખોરવાયેલી લાઈનથી દૂર રહો અને તેના સમારકામ માટે જણાવો. પાલતું પ્રાણીઓનું નિરીક્ષણ કરો અને તેમને તમારા નિયંત્રણમાં રાખો.

ફાઇલ તસવીર