રાજ્ય સરકારના બજેટમાં 15 ટકાનો ઘટાડો, અનેક વિભાગોના રૂ.6000 કરોડના બજેટમાં કાપ મુક્યો

રાજ્ય સરકારના બજેટમાં 15 ટકાનો ઘટાડો, અનેક વિભાગોના રૂ.6000 કરોડના બજેટમાં કાપ મુક્યો



કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સામાન્ય નાગરિકોની સાથે ગુજરાત સરકારની આવકમાં પણ ગાબડું પડ્યું છે, ત્યારે ગુજરાત સરકારે પ્રથમ વખત વિવિધ વિભાગોની બજેટ ફાળવણીમાં કાપ મુક્યો છે રાજ્યના જુદા-જુદા ખાતાની બજેટ ફાળવણીમાં 6,305 કરોડનો જંગી કાપ મુકવામાં આવ્યો છે. તેમાં પણ માર્ગ મકાન અને શિક્ષણ વિભાગના બજેટમાં સૌથી વધુ કાપ મુકવામાં આવ્યો છે. જેથી ગુજરાતનો વિકાસ રૂંધાયો છે.

કયા વિભાગના બજેટમાં કેટલો કાપ રાજ્ય સરકારે જે વિભાગોના બજેટમાં કાપ મુક્યો છે, તેમાં માર્ગ અને મકાન વિભાગના બજેટમાં સૌથી વધુ રૂ. 705 કરોડનો ઘટાડો થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં રૂ. 600 કરોડ, ઉદ્યોગમાં રૂ. 542 કરોડ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સમાં 504 કરોડ અને ગૃહ વિભાગની બજેટ ફાળવણીમાં પણ રૂ.500 કરોડનો કાપ મુકાયો હતો. નર્મદા વિભાગમાં રૂ. 500 કરોડ, જળસંપત્તિમાં રૂ.471 કરોડ, પંચાયતમાં રૂ.332 કરોડ તથા સામાજિક ન્યાય વિભાગની બજેટ ફાળવણીમાં રૂ. 200 કરોડનો કાપ મુકાયો છે.

સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપી હતી ગુજરાત સરકાર ની નાણાકીય સ્થિતિ અંગે ની ચર્ચા બાદ રાજ્યના વિકાસ ના કામોમાં બ્રેક લગાડવી પડે તેવી શક્યતા છે તે સંજોગોમાં રાજય સરકારે વિવિધ વિભાગો સાથે બજેટના કામો-ફાળવણી સહિતના મુદાઓ પર ચર્ચા કરી છે અને તેમાં ફાળવણી ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કારણે ટેક્સની આવક બંધ થઇ જતાં અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થયો છે, ત્યારે વિવિધ વિભાગની અંદાજપત્રીય માંગની સમીક્ષા કરીને શક્ય એટલો ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં અવી હતી. તે અંતર્ગત બજેટ ફાળવણીમાં 6305 કરોડનો ઘટાડો કર્યો છે.

સરકારની આવકમાં 15 ટકાના ઘટાડાનો અંદાજ સામાન્ય રીતે બજેટ ફાળવણીની સમીક્ષા ડિસેમ્બર મહીનામાં શરૂ થતી હોય છે અને ફેબ્રુઆરી સુધીમાં અંતિમ સ્વરૂપ અપાય છે. આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ સમીક્ષા થઈ છે. લોકડાઉનના સમયગાળામાં મોટાભાગના વિભાગોએ કોઈ ખર્ચ કર્યો ન હતો એટલે દેખીતી રીતે ખર્ચના અંદાજો ઘટાડી દેવામાં આવ્યા છે. હવે ડિસેમ્બર મહિનામાં નવેસરથી સમીક્ષા દરમ્યાન બજેટ ફાળવણીમાં વધુ ઘટાડો કરવામાં આવશે. સરકારની આવકમાં 15 ટકાનો ઘટાડો અંદાજવામાં આવી રહ્યો છે એટલે બજેટનું કદ પણ 8થી 10 ટકા નીચું આવી શકે છે.







નાણાંમંત્રી નીતિનભાઈ પટેલની ફાઈલ તસવીર