રાજ્યમાં 8 બેઠકની પેટાચૂંટણી માટે જુલાઈના અંતમાં જાહેરનામું બહાર પાડવા તૈયારી, ચૂંટણીપંચે રાજ્યનો કોરોના રિપોર્ટ માંગ્યો

રાજ્યમાં 8 બેઠકની પેટાચૂંટણી માટે જુલાઈના અંતમાં જાહેરનામું બહાર પાડવા તૈયારી, ચૂંટણીપંચે રાજ્યનો કોરોના રિપોર્ટ માંગ્યો



ગુજરાત વિધાનસભાની તાજેતરમાં ખાલી થયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટે જુલાઇમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈના અંતમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે, જો કે કોરોનાને કારણે મતદાન બૂથ બમણા કરીને ડિસ્ટન્સિગ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. જેને પગલે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતના આરોગ્ય વિભાગ પાસેથી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

બે તબક્કામાં ખાલી પડેલી 8 બેઠકની ચૂંટણી એક સાથે યોજાઈ શકે
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડીના ધારાસભ્યો પ્રધુમનસહિં, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. આ પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડાના જીતુ ચૌધરી અને મોરબીના બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ, આઠ બેઠક બે તબક્કામાં ખાલી થઇ છે. પરંતુ આ બેઠકોની ચૂંટણીઓ એક સાથે યોજવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એક અંદાજ મુજબ સપ્ટેમ્બર મહિનામાં આ ચૂંટણી યોજાઇ શકે છે.

બૂથ વધારવા જરૂર પડ્યે ખાનગી સ્કૂલોના બિલ્ડિંગ્સ કે હોસ્ટેલનો પણ ઉપયોગ થઈ શકે
મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતની મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ફેબ્રુઆરી 2020માં પૂરો થયો છે એટલે નવી મતદાર યાદી તૈયાર છે અને એ મુજબ આ આઠેય વિધાનસભામાં 2017ની સરખામણીએ બૂથમાં વધારો થશે એ ઉપરાંત કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડે તેમ હોવાથી સરેરાશ 230થી 250 બૂથ સામે સરેરાશ 500થી વધુ બૂથ પ્રત્યેક વિધાનસભમાં ઊભા કરવા પડશે. આ માટે સામાન્ય રીતે સરકારી સ્કૂલો, મકાનોનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ આ વખતે જરૂર પડે અર્ધ સરકારી સાથે ખાનગી સ્કૂલો, વાડીઓ કે હોસ્ટેલ જેવા બિલ્ડિંગ્સનો પણ ઉપયોગ થઇ શકે છે.

હોસ્પિ.માં કે કન્ટેન્ટમેન ઝોનમાં હોય તેવા મતદાર માટે બેલેટ પેપરનો ઉપયોગ
આ ઉપરાંત આઠ મતવિસ્તારોમાં મતદાન સમયે મતદાર કન્ટેન્ટમેન્ટ ઝોન કે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં રહેતા હોય અથવા હોસ્પિટલમાં દાખલ હશે તો તેઓ પોતાનો મતાધિકાર ઉપયોગમાં લઇ શકે એ માટે બેલેટ પેપરથી મતદાન કરી શકે એની પણ જોગવાઇ કરાશે. 2002ના કોમી તોફાનો વખતે અમદાવાદ સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં રાહત કેમ્પમાં રહેતા લોકો માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એ જ પેટર્ન ઉપર આ મતદાન થઇ શકશે.









preparing to issue notification of gujarats 8 assembly seats by poll in late July