Translate to...

રાજ્યમાં ગુમ થતાં બાળકોની સંખ્યા ઓછી કરી હ્યુમન ટ્રાફિકિંગ અટકાવીશું, ગાંજો, ડ્રગ્ઝ અને હેરોઇન હેરાફેરીની ચેઇન તોડીશું: DGP
રાજ્યના નવનિયુક્ત પોલીસ વડા આશિષ ભાટિયાએ મૃગાંક પટેલને લો એન્ડ ઓર્ડર, હ્યુમન ટ્રાફિકિંગ, આતંકવાદ, મહિલા સલામતી, સાઇબર ક્રાઇમ જેવા મુદ્દા પર પોતાની ભાવિ રણનીતિ વિશે જણાવ્યું...

સવાલઃ મે ડીજી બન્યા છો ત્યારે હવે એવું નક્કી કરેલું કયું કામ છે, જે તમે પૂરું કરશો? જવાબઃ અત્યારે ચાલી રહેલાં તમામ કામો આગળ વધારીશું, પરંતુ સૌથી મહત્ત્વનું કામ ગુમ થયેલાં બાળકોને પાછાં લાવવાનું છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા ઓછી કરવાના સક્રિય પગલાં લેવાશે. હ્યુમન ટ્રાફિકિંગ મામલે અમે હવે કડક પગલાં લેવાનું શરૂ કરીશું.

સવાલઃ ગાંજો, ચરસ, હેરોઇનની વધતી હેરાફેરી બંધ કરવા કોઈ એક્શન પ્લાન છે? જવાબઃ ગુજરાતમાં ગાંજો ઓરિસ્સાથી આવે છે. એમડી ડ્રગ્સ મુંબઈથી આવે છે અને હેરોઇનની હેરાફેરી દરિયાઈ સીમાઓથી થાય છે. આ ત્રણેય ચેનલને તોડી પાડવા પર સખત ભાર મૂકવામાં આવશે. હેરાફેરી કરનારા મુખ્ય સૂત્રધારોને શોધીને રાજ્યમાં સ્થાનિક સ્તર પર થતી હેરાફેરી બંધ કરાવાશે.

સવાલઃ દરેક અધિકારીની એક પોતાની યુએસપી હોય છે, તમારી શું છે? જવાબઃ હું આખી પોલીસ ફોર્સને સાથે લઈને કામ કરવા માગું છું. કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સુધીના તમામ લોકો એન્કરેજ કેવી રીતે થાય અને લો એન્ડ ઓર્ડરનું સારામાં સારું કામ કેવી રીતે થાય તેની પર મારું ફોકસ રહેશે. નાનામાં નાના કર્મચારીને તેની સારી કામગીરી બદલ પ્રોત્સાહક ઇનામ મળી રહેવું જોઈએ.

સવાલઃ ગુજરાત એક બોર્ડર સ્ટેટ છે, તેને આતંકી હુમલાની ભીતિ રહે છે, આતંકવાદના મુદ્દે તમારી ભૂમિકા અને કામગીરી કેવી રહેશે? જવાબઃ આતંકવાદનો મુદ્દો પણ પ્રાયોરિટીમાં જ રહેશે અને આ પ્રવૃત્તિઓ સામે પ્રો-એક્ટિવ થઈને કામ કરાશે. આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઘણા બધા આરોપીઓ પકડવાના બાકી છે. તેમની ધરપકડની પ્રક્રિયા પણ ઝડપી બનાવાશે.

સવાલઃ તોફાનો કરતાં વધુ પોલીસ કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામ્યાં છે, આ ચેલેન્જને એક વડા તરીકે તમે કેવી રીતે જુઓ છો? જવાબઃ અત્યારની પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને તેમાં પણ મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓના વેલફેરનું સતત ધ્યાન રાખવું એ પણ એક વડા તરીકે પ્રાયોરિટી છે. બીજી બાજુ વધુ પોલીસ કર્મચારીઓ સંક્રમિત ન થાય તે માટે પ્રીએન્ટિવ પગલાં લેવા પણ આવશ્યક છે અને એટલે જ અમદાવાદમાં સતત બીજી વખત 10 હજાર જેટલી ઇમ્યુનિટી વધારનારી ટેબ્લેટ આપવામાં આવી છે. અગાઉ પણ આ ટેબ્લેટ અપાઈ હતી. અત્યારે પોલીસ કર્મચારીઓની ચિંતા અમારી ફરજ છે.

સવાલઃ સાઇબર ક્રાઇમ, મહિલાઓની સલામતી, કન્વિક્શન રેટ વધારવા શું કરશો? જવાબઃ સાઇબર ક્રાઇમને રોકવા તથા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનારા લોકોના પૈસાની રિકવરી કેવી રીતે વધારી શકાય તે માટે પ્રયાસ કરીશું તેમ જ આ ક્રાઇમ ઇન્ટરસ્ટેટ ખાસ કરીને બિહાર, મુંબઈ અને દિલ્હી સાથે સંકળાયેલું હોવાને કારણે ત્યાંની પોલીસ સાથે સંકલન કરી મુખ્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી ઝડપી કરાશે. રાજ્ય સરકાર દ્વારા કન્વિક્શન રેટ વધારવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ આગળ વધારાશે અને મહિલાઓ રાત્રે ઘર બહાર જતાં ડરે નહિ અને સુરક્ષિત રહે તે માટે અમદાવાદની જેમ અન્ય શહેરોમાં પણ અભ્યાસ કરીને ‘શી’ ટીમ કાર્યરત કરાશે.

સવાલઃ પોલીસ કર્મચારીઓમાં તણાવ ઓછો કરવા માટે તેમની કેવી રીતે મદદ કરશો? જવાબઃ સતત સ્ટ્રેટ રિલિફિંગના કાર્યક્રમો ઉપરાંત ગુનાખોરી ઉકેલવા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. નવી મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવાશે. વધુ ભરતીઓ પણ કરાશે.આશિષ ભાટિયા, રાજ્યના નવનિયુક્ત પોલીસ વડા - ફાઇલ તસવીર