છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાનમાં રાજકારણ ગરમાયુ છે. ત્યારે રાજસ્થાન ભાજપના એક ડઝન જેટલા ધારાસભ્યોને ગુજરાત લાવવાનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને ખાસ પ્લેન મારફતે જયપુરથી રવાના કરવામાં આવ્યા છે. જે ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ પર ઉતરે તેવી શક્યતા છે. જ્યાંથી તેઓ સાસણ, સોમનાથ અથવા જુનાગઢમાં રોકાણ કરે તેવી શક્યતા છે. એક માહિતી મુજબ સોમનાથમાં 6 રૂમ બુક કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્યો સાસણમાં રોકાણ કરે તેવી શક્યતાસોમનાથમાં સાગર દર્શન ગેસ્ટહાઉસમાં 6 રૂમ બુક કરાયા:સૂત્રો સૂત્રો અનુસાર રાજસ્થાનના 14 ધારાસભ્યોને સોમનાથ દર્શન કરવા માટે લઈ જવામાં આવશે. સોમનાથમાં સાગર દર્શન ગેસ્ટહાઉસમાં ધારાસભ્યો માટે 6 રૂમ બુક કરવામાં આવ્યા છે. જો કે ભાજપના સૂત્રો અનુસાર ધારાસભ્યો ક્યારે આવવાના છે તે નક્કી નથી તેમ છતાં સૂચના મળશે તો તાત્કાલિક રૂમ બુક કરવામાં આવશે. આ ધારાસભ્યો ગુજરાતમાં 6 દિવસ પસાર કરશે. 14 ઓગસ્ટથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. આ તમામને 14 તારીખે સવારે જ રાજસ્થાન લઈ જવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત મોકલવાનું કારણ શું છે? પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ 11 ઓગસ્ટના રોજ બસપા ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવાને લઈને હાઈકોર્ટનો નિર્ણય આવવાનું અનુમાન છે. આવામાં ભાજપ એલર્ટ મોડ પર છે. તે અંતર્ગત હાઈ કમાન્ડના નિર્દેશથી 12 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરાઈ રહ્યા છે. અલગ-અલગ જિલ્લામાં નેતાઓને જવાબદારી સોપાઈ છે.
ગુજરાત અને ઉદયપુર વચ્ચે અંતર ઓછું હોવાથી તે સંભાગના ધારાસભ્યોને ગુજરાત મોકલવામા આવ્યા છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા આ ધારાસભ્યોના સંપર્કમાં છે. બીજી ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસના અમુક નેતાઓ ભાજપના ધારાસભ્યો સાથે સંપર્કમાં હોવાની ફરિયાદ બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે.
12 ઓગસ્ટે બધાને જયપુર બોલાવવાની ચર્ચા બાકીના ધારાસભ્યોને પણ 14 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહેલ વિધાનસભા સત્રના 2-3 દિવસ પહેલા ટ્રેનિંગના નામે વાડાબંધી કરવાની સૂચના છે. ગુજરાત ગયેલા ધારાસભ્યો પણ જયપુર શિફ્ટ થશે. અહીં ધારાસભ્યોને ટ્રેનિંગ અપાશે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દિલ્હીમાં થયેલી મુલાકાતને પણ આની સાથે જોડાવામાં આવે છે. ઓમ માથુર પણ સતત જયપુરનો પ્રવાસ કરી રહ્યા છે.
નડ્ડા સાથે મુલાકાત કરીને વસુંધરાએ નારાજગી જાહેર કરી વસુંધરાએ જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા અંગે વાતચીત કરી હતી. તેમણે તેમની વિરુદ્ધ થયેલા નિવેદનો અંગે નારાજગી જાહેર કરી હતી. છેલ્લા અમુક દિવસોથી નેતાઓએ વસુંધરા અને ગેહલોત વચ્ચે સાંઠગાઠ હોવાના આરોપ લગાવ્યા હતા. પાર્ટીમાં અલગ જૂથ બનવાની વાત પર નારાજગી જાહેર કરીને રાજેએ કહ્યું કે તેમણે સંગઠનને પરિવારથી પણ વધુ મહત્વ આપ્યું છે. પાર્ટી હાઇકમાન્ડે રાજેને દિલ્હી બોલાવ્યા હતાં જેથી પ્રદેશમાં કામ પૂર્ણ કરવા માટે તેમનો સહયોગ મળતો રહે. કેન્દ્ર રાજેને પ્રદેશમાં સક્રિય જોવા માગે છે. વસુંધરા એક બે દિવસમાં જયપુર પરત આવી શકે છે.
સોમનાથની હોટલમાં રોકાણ કરે તેવી શકયતા