રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા



હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. 4થી 8 વાગ્યા સુધીમાં ખાંભામાં 2 ઇંચ તો ધારીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ ધીમી ધારે વરસાદ શરૂ છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા તાલુકાના ડુંગર, માંડણ, મોરંગી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.રાજુલા કોસ્ટલ બેલ્ટ પર વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગીરમાં આવેલા માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.

સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસ્યા

ગોંડલ અને જસદણ પંથકમાં ધીમી ધારે વરસાદગોંડલમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના બસસ્ટેન્ડ, જેલ ચોક, માંડવી ચોક, કપુરીયા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ જસદણ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને દીવમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથના ઉપરવાસમાં વરસાદને લઇને સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. સુત્રાપાડાના પ્રાચી તર્થમાં સરસ્વતી નદીમાં પૂર આવવાને કારણે માધવરાય ભગવાન પાણીમાં ગરકાવ થયા છે. માધવરાય મંદિમાં હાલ 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. તેમજ ઉના અને દીવને પાણી પૂરૂ પાડતો રાવલ ડેમ 80 ટકા ભરાયો છે. ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણી આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડેમ કાંઠે આવેલા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બગસરા અને કુંકાવાવના સુડાવડ, લૂંઘીયા સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. માધુપુર, ધાવા, સુરવા, જામ્બુર, જસાધાર, જાશાપુર, અંકોલવાડી સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ શરૂ છે.

ભાવનગર જિલ્લામાં વરસાદભાવનગરમાં સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર અને હળવા ઝાપટા વરસી રહ્યા છે. જિલ્લાના મહુવા, તળાજા, અલંગ, ઘોઘા સહિતના તાલુકા મથકોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરુ થયો છે.મહુવા તાલુકાના મોટાભાગના ગામડામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.

(જયદેવ વરૂ, અમરેલી/દેવાંગ ભોજાણી, ગોંડલ/જયેશ ગોંધિયા, ઉના/કરસન બામટા, આટકોટ/ભરત વ્યાસ, ભાવનગર)







રાજકોટમાં ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા