ચીનને તેના સાથી દેશ રશિયાએ મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ ચીનને આપવાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અટકાવી દીધી છે. ચીને આ નિર્ણય દબાણમાં લીધો હોવાનું કહ્યું છે. જો કે,ચીને કોઈ દેશનું નામ નથી લીધું. પરંતુ તેનો ઈશારો સ્પષ્ટ રીતે ભારત અને અમેરિકા તરફ છે. S-400 દુનિયાની સૌથી શ્રેષ્ઠ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા ઉપરાંત માત્ર ચીન પાસે તેના થોડા યુનિટ છે. ભારતને તેનો પહેલો જથ્થો વર્ષના અંત સુધી મળી જશે.
તો પછી ક્યારે થશે ડિલિવરી રશિયાએ માત્ર S-400 ની ડિલિવરી જ નથી અટકાવી પણ ચીનને એ પણ જાણ નથી કરી કે આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેને હવે પછી ક્યારે આપશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ વખત રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચીનને S-400 મિસાઈલની ડિલિવરી કરવાનું અટકાવી રહ્યો છે. ચીનના એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, આ પગલાથી સ્પષ્ટ થઈ જાય છે કે માત્ર હથિયાર ખરીદીની સમજૂતી કરવાથી કંઈ નથી થતું. જરૂરી એ છે કે માત્ર બિલ નહીં એ હથિયાર પણ તમને મળે.
દબાણમાં આ નિર્ણય લેવાયો છે આ રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે ચીન માને છે કે રશિયાએ દબાણમાં S-400ની ડિલિવરી અટકાવી છે. ચીને તો તેના સૈનિકોને પણ આ મિસાઈલની ટ્રેનિંગ માટે રશિયા મોકલી દીધા હતા. રશિયાથી પણ ટેક્નિકલ એક્પર્ટ્સ આવવાના હતા. હવે એવું નહીં થાય. જિનપિંગ સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રશિયાએ દબાણમાં નિર્ણય કર્યો છે. ચીનના એક અધિકારીએ કહ્યું કે, રશિયાને લાગે છે કે મહામારીના સમયે જો S-400 ની ડિલિવરી ચીનને આપવામાં આવી તો આનાથી મુશ્કેલી વધશે.
ચીને ભારત પહેલા આ મિસાઈલ સિસ્ટમને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પહેલો જથ્થો તેને 2018માં મળી પણ ચુક્યો છે. ભારતને આ વર્ષના અંત સુધી આ સિસ્ટમ મળી જશે. ખાસ વાત તો એ છે કે રશિયાએ ચીનની ડિલિવરી અટકાવી દીધી છે પણ બીજી બાજુ ભારતને સમયસર મિસાઈલ આપવાનો વાયદો કર્યો છે.
રશિયાના આ પગલાનું એક કારણ આ પણ હોઈ શકે આમ તો રશિયા અને ચીન વચ્ચે સારા સંબંધ છે. પણ હવે બન્નેના સંબંધમાં તણાવ જોવા મળી રહ્યો છે. જોકે, રશિયાએ થોડા દિવસો પહેલા જ સેન્ટ પીટર્સબર્ગ આર્કિટક સોશિયલ સાઈન્સ એકેડમીના પ્રેસિડેન્ટ વેરેરી મિટકોની ધરપકડ કરી હતી. વેલેરી પર ગુપ્તચર એજન્સીઓ ઘણા સમયથી નજર રાખી રહી હતી. તેની પર આરોપ છે કે તેમણે ચીનને ઘણી સંવેદનશીલ માહિતી આપી છે અને બદલામાં પૈસા લીધા છે. વેલેરીના વધુ ત્રણ સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે ચીની નાગરિક છે. ત્યારપછી બન્નેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.
S-400 મિસાઈલ સિસ્ટમ, S-300નું અપડેટ વર્જન છે. જે 400 કિમીના વિસ્તારમાં આવતી મિસાઈલ અને પાંચમી પેઢીના ફાઈટર પ્લેનને પણ ખતમ કરી દેશે(ફાઈલ તસવીર )