રમત શરૂ કરવામાં જોખમ છે, કેમ કે રેકેટ પર્સનલ હોય છે, પરંતુ શટલનો ઉપયોગ બધા કરે છે: કિદાંબી શ્રીકાંત

રમત શરૂ કરવામાં જોખમ છે, કેમ કે રેકેટ પર્સનલ હોય છે, પરંતુ શટલનો ઉપયોગ બધા કરે છે: કિદાંબી શ્રીકાંત



કોવિડ-19ના કારણે દેશમાં હજુ સુધી સ્પોર્ટ્સ શરૂ થયું નથી. ખેલાડી ફિટનેસ ટ્રેનિંગ પુરતા જ મર્યાદિત છે. જોકે, ગેમ શરૂ કરવા અંગે દરેકના મનમાં ભય છે. દેશના ટોલ શટલર અને રેડબૂલ ખેલાડી કિદાંબી શ્રીકાંત પણ તેમાંનો એક છે. તે કહે છે કે, રમત શરૂ કરવામાં જોખમ છે, કેમ કે બેડમિન્ટનના રેકેટ તો દરેકના પર્સનલ હોય છે, પરંતુ શટલનો ઉપયોગ બધા કરે છે. શ્રીકાંતને ચાલુ વર્ષે દેશના સૌથી મોટા ખેલ સન્માન ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ કરાયો છે. તેની સાથે વાતચીતના અંશ :

સવાલ: આજકાલ ખુદને કેવી રીતે તૈયાર કરી રહ્યો છો અને કેટલા કલાક પ્રેક્ટિસને આપો છો? શ્રીકાંત: વર્તમાન સમય એવો છે, જેનો અગાઉ કોઈએ અનુભવ્યો નહીં હોય. હું તેના માટે રોજ મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરું છું. દરરોજ એક-દોઢ કલાક ટ્રેનિંગ લઈ રહ્યો છું. મારા ઘરે સંપૂર્ણ સેટ-અપ નથી, એટલે હોમ વર્કઆઉટ એક્સરસાઈઝ કરી રહ્યો છું.

સવાલ: બેડમિન્ટનમાં તમે એક-બીજાના સંપર્કમાં આવો છો. ટ્રેનિંગમાં શું ફેરફાર આવશે? શ્રીકાંત: અત્યારે જે થઈ રહ્યું છે એ બધું જ નવું છે. હવે હું ટ્રેનિંગ શરૂ થયા પછીના ફેરફાર અંગે વિચારવાનું શરૂ કરીશ. આશા છે કે, જ્યારે સ્થિતિ સુધરશે તો ટ્રેનિંગ પણ શરૂ થઈ જશે.

સવાલ: દર્શકો વગર મેચની વાત ચાલે છે. ફેન્સ વગર રમવું કેટલું મુશ્કેલ છે? શ્રીકાંત: આ મારા માટે નવો અનુભવ હશે. કોર્ટની આસ-પાસ અનેક લોકો હશે. જેમાં સપોર્ટ સ્ટાફ, કોચ, અમ્પાયર વગેરે. અમને સપોર્ટ કરનારા ક્રાઉડને મિસ કરીશું, પરંતુ તેની દરેકે ટેવ પાડશે.

સવાલ: પ્રીમિયર બેડમિન્ટન લીગથી ઈન્ડિયન બેડમિન્ટનમાં કેટલું પરિવર્તન આવ્યું છે? શ્રીકાંત: પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ)એ યંગ પ્લેયર્સને સીનિયર પ્લેયર્સ સાથે રમવાની તક આપી છે. તેણે યંગસ્ટર્સને મોટું પ્લેટફોર્મ આપ્યું છે. સાચે જ ઉપયોગી છે, કેમ કે તે પ્લેયર્સને એ આપે છે, જેનું તેઓ સ્વપ્ન જૂએ છે.

સવાલ: તમારા ફ્યુચર પ્લાન શું છે, કેમ કે અનેક મહિનાથી શટલર્સે પ્રેક્ટિસ કરી નથી? શ્રીકાંત: છેલ્લા 3 મહિનાથી કોઈ બેડમિન્ટન મેચ રમાઈ નથી. મને ખબર નથી આ ક્યારે શરૂ થશે. સ્થિતિમાં સુધારો આવ્યા પછી અમે પ્રેક્ટિસ શરૂ કરવાનું વિચારી શકીએ છીએ. અત્યારે ટૂર્નામેન્ટ યોજાય તેવું હું માનતો નથી, એટલે ફિટ રહો, સુરક્ષિત રહો. એ જ પ્રાથમિકતા છે.

સવાલ: ચાલુ વર્ષે તમારું નામ ખેલ રત્ન માટે મોકલાયું છે. કેવું લાગે છે? શ્રીકાંત: ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ થતાં મને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. આ દેશના ખેલાડીઓ માટે સૌથી મોટા સન્માનમાંથી એક છે. આ એવોર્ડ જીતવો મારા માટે એક સ્વપ્ન હશે.

સવાલ: શું ટ્રેનિંગ શરૂ કરવા માટે એક ડર છે? કોમન ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો કેટલું ખતરનાક હશે? શ્રીકાંત: કદાચ હા, બૂટ અને રેકેટ હું મારા વાપરું છું, પરંતુ શટલ અને કોર્ટનો ઉપયોગ બધા કરે છે. શટલનો યુઝ તો તમારો વિપક્ષી ખેલાડી પણ કરે છે. તેમાં થોડું જોખમ જરૂર છે.







કિદાંબી શ્રીકાંત.