Translate to...

માસ્ક વિના 10 મિનિટ કોરોના સંક્રમિત પાસે રહો તો ચેપ લાગી શકે: ડૉ. તેજસ પટેલ

માસ્ક વિના 10 મિનિટ કોરોના સંક્રમિત પાસે રહો તો ચેપ લાગી શકે: ડૉ. તેજસ પટેલ
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે કોરોના અંગેના લોકોમાં રહેલા ડરના જવાબ આપતા જણાવ્યું હતું કે, દવાઓના રીસ્પોન્સના લીધે કેટલાક શહેરોમાં વાઇરસ મંદ પડ્યો છે, દેશમાં ચોક્કસ વિસ્તારોમાં હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત થઈ છે. સીધા સૂર્યપ્રકાશમાં 30 ડિગ્રીથી વધુ તાપમાને વાઇરસ 5 મિનિટ જ જીવી શકે ફાઇનલ ટ્રીટમેન્ટ આવશે નહીં ત્યાં સુધી દવાઓ બદલાતી રહેશે.

સવાલ: હું કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યો છું તો મને કોરોના થશે જ. જવાબ: કોરોનાને લગતી ‘ક્લોઝ કોન્ટેક્ટ’ને લગતી વ્યાખ્યાનો લોકોને ખ્યાલ જ નથી. જેથી તેેઓ ડરે છે. કોરોનાગ્રસ્ત લોકોનાં સંપર્ક આવો એટલે કોરોના થશે એ સાચું નથી. સ્ટડી પ્રમાણે જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ સાથે છ ફૂટનું અંતર ન જાળવો અને માસ્ક પહેર્યા વગર 10 મિનિટથી વધુ સંપર્કમાં રહો તો તમને કોરોનાનો ચેપ લાગી શકે છે.

સવાલ: કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ અનેક લોકોને કોરોના ફેલાવે છે એવી માન્યતા કેટલે અંશે સાચી છે?જવાબ: કોરોનાના દરેક દર્દીમાં વાઇરસનો લોડ સરખો નથી હોતો. દર્દીનો ચેપ બીજી વ્યક્તિને લાગવાની સંભાવના વાઇરસના લોડ મુજબ હોય છે. કોરોના વાઇરસનો માઇલ્ડ, મોડરેટ અને સિવિયર લોડ હોય છે. 84 % લોકોને તો માઇલ્ડ કે મંદ વાઇરલ લોડ હોય છે. આવા લોકો સરેરાશ 0.8 વ્યક્તિને જ ચેપ લગાડી શકે. જ્યારે મોડરેટ-સિવિયર લોડ ધરાવતાં લોકોનું પ્રમાણ 8-8 % હોય છે. સિવિયર લોડ ધરાવનાર 6-7ને ચેપ લગાવે છે. જોકે તે કુલ સંક્રમિત થયેલા લોકોના માત્ર 8 % જ હોય છે. માટે પેનિકની જરૂર નથી.

સવાલ: શું વરસાદી ભેજવાળા વાતાવરણમાં કોરોના વાઇરસ વધારે વકરે છે એવી વ્યાપક માન્યતા સાચી છે?જવાબ: ના.ભેજમાં હવા ભારે થાય છે જેથી વાઇરસની વહનક્ષમતા ઓછી થાય છે. આથી હવામાં દૂર સુધી જઈ શકતો નથી પરિણામે સંક્રમણ શક્તિ ઘટે છે. અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટીટ્યુટનો અભ્યાસ એવું કહે છે કે સીધા સૂર્યપ્રકાશમાં 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં વાઇરસ 5 મિનિટ જ જીવી શકે છે.

સવાલ: કોરોના મહામારીનો હજુ વધુ એક રાઉન્ડ આવશે. હર્ડ ઇમ્યુનિટીની અસરો પણ ક્યાંય દેખાતી નથી. જવાબ: પોલિયો અને શીતળા સિવાય ક્યારેય કોઇ વાઇરસ પર સંપૂર્ણ કાબૂ નથી મેળવાયો. તે આપણી સાથે જ હોય છે. મારા મતે અમદાવાદમાં કોરોના મંદ પડ્યો છે. કોટ વિસ્તારમાં હાલમાં કેસો ઓછા છે. ત્યાં હર્ડ ઇમ્યુનિટી દેખાઇ રહી છે. ભારતમાં એરિયા સ્પેસિફિક હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત થઇ છે. જે શહેરોમાં કોરોનાની બૂમો હતી ત્યાં હવે નથી રહી. 100માંથી 65 લોકો સંક્રમિત હોય તો હર્ડ ઇમ્યુનિટી આવે છે.

સવાલ: વાઇરસ મંદ નથી પડી રહ્યો. એટલે કોરોનાની દવાઓ સતત બદલવામાં આવી રહી છે.જવાબ: દવાઓનો રિસ્પોન્સ વધ્યો એટલે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં વાઇરસ મંદ પડ્યો. વાઇરસ નવો હોવાથી દુનિયાભરનાં ડોક્ટર્સ-સાયન્ટિસ્ટ્સ સારવાર સ્ટાન્ડર્ડાઇઝમાં લાગ્યા છે. દર્દીઓનાં ડેટા આધારે દવા નક્કી થાય છે. પહેલા હાઇડ્રોક્લોરોક્વીનની સફળતા વિશે સવાલો થયા. હાલમાં ટોસીલીઝુમાબ, રેમડેસીવીર અને સ્ટીરોઇડ અપાય છે. જે વાજબી છે. ટોસીલીઝુમાબ ટાર્ગેટ સ્પેસિફિક સારવાર માટે છે. રેમડેસીવીરથી સારવારનાં કિસ્સામાં USમાં અભ્યાસ મુજબ પેશન્ટનો હોસ્પિટલાઇઝેશન ગાળો ઘટ્યો. ફાઇનલ ટ્રીટમેન્ટ આવે નહીં ત્યાં સુધી દવાઓ બદલાતી રહેશે.

સવાલ: હાર્ટના દર્દીઓને એવો ભય હોય છે કે અન્ય લોકો કરતા તેમને કોરોના થવાની શક્યતા વધુ છે. જવાબ: ના. હાર્ટ, બ્લડ કે ડાયાબિટીસના દર્દીને કોરોનાનું રિસ્ક સામાન્ય વ્યક્તિ જેટલું જ હોય છે. લાઇફ શિસ્તબદ્ધ હોવી જોઇએ. યોગ્ય આહાર, કસરત, પૂરતી ઊંઘ હોય તો આ દર્દીઓએ ચિંતા કરવાનું કારણ નથી.

સવાલ: હજુ પણ બહાર નીકળવું હિતાવહ નથી. ઘરમાં જ બેસી રહો નહીંતર કોરોનાનો ચેપ લાગી શકે છે.જવાબ: ના. ઘરમાં ભરાઇ રહેવાથી કોઇ અર્થ નથી. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો નિયમ પાળો. હા, ઓવર કોન્ફીડન્સમાં ટોળા ન કરો કે થૂંકો નહીં.

સવાલ: કોરોના અત્યાર સુધીનો સૌથી ઘાતક વાઇરસ છેજવાબ: ના. ના. કોરોના કરતાં પણ ઘાતક વાઇરસ ઇબોલા, સાર્સ, ઝીકા, સ્પેનિસ ફ્લુ ઇતિહાસમાં જોવા મળ્યા જ છે. મારા મતે કોરોના સ્વાઇન ફ્લુ કક્ષાનો વાઇરસ છે. બસ, તેમાં સાવચેતી રાખવાની છે. ડર નહીં.

સવાલ: પશુ-પંખીઓના કારણે જ વાઇરસ ફેલાયો છે.જવાબ: હું સ્પષ્ટ માનું છું કે આપણે પશુ-પંખીને સંક્રમિત કરી રહ્યા છીએ તેમના ગ્રીન કવરમાં દબાણ કરીને. કોરોના સામે કોઇ યુદ્ધ નથી. કેમ કે યુદ્ધ તો વ્યૂહ ધરાવતા દુશ્મન સામે લડાય. કોરોનાનાં કેસમાં એક વાત છે કે તેના રસ્તામાં ન આવો.કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલ.