માર્કેટ કેપની રીતે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં LIC, જિયો, રિલાયન્સ રિટેલ, HDFC બેંક અને મારુતિનો સમાવેશ થઇ શકે છે

માર્કેટ કેપની રીતે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં LIC, જિયો, રિલાયન્સ રિટેલ, HDFC બેંક અને મારુતિનો સમાવેશ થઇ શકે છેઆવતા સમયમાં દેશની અમુક કંપનીઓનો માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં સમાવેશ થઇ શકે છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) આ યાદીમાં પહેલાથી જ છે. આવનારા દિવસોમાં LIC, રિલાયન્સ જિયો, રિલાયન્સ રિટેલ, HDFC બેંક અને મારુતિ એવી કંપનીઓ છે જે ટોપ 100 માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની યાદીમાં પોતાનું સ્થાન જમાવી શકે છે.

રિલાયન્સની ત્રણેય કંપનીઓને ભેગી કરીએ તો ગ્લોબલી બહુ મોટી કંપની બનશે કે. આર. ચોકસી સિક્યોરિટીઝના MD દેવેન ચોકસીએ જણાવ્યું કે, જે રીતે જિયો વધી રહી છે અને રિટેલમાં રિલાયન્સ રિટેલ ટોપ ગ્લોબલ કંપનીઓમાં ગણાય છે, આનાથી આવતા સમયમાં ટોપ 100 ગ્લોબલ કંપનીઓમાં અમુક ભારતીય કંપનીઓને જોઈ શકીશું. રિલાયન્સ રિટેલ, જિયો અને રિલાયન્સ રિટેલને ભેગી કરવામાં આવે ત્યારે વૈશ્વિક સ્તરે તે એક બહુ મોટી કંપની બની જાય છે. અલગ અલગ જોઈએ તો પણ ગ્લોબલી તેની હાજરી ઘણી મહત્વની છે. રિફાઈનરીમાં ફેરફાર થઇ રહ્યા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો પહેલાથી જ તે ક્ષેત્રમાં દિગ્ગજ છે.

વિશ્વની ટોપ કંપનીઓમાં ભારતનો દબદબો વધશે ચોકસી જણાવે છે કે, આવતા દિવસોમાં મારુતિ સુઝુકી ગ્લોબલ કંપનીઓની યાદીમાં ઉમેરાઈ શકે છે. આ સિવાય LIC પણ તેના માટે પ્રબળ દાવેદાર છે. SMC ગ્લોબલના MD ડી. કે. અગ્રવાલે જણાવ્યું કે, આવનારા સમયમાં ભારતમાં બુસ્ટ આવશે. જયારે રિલાયન્સ રિટેલ, જિયો અને LIC જેવી કંપનીઓ લિસ્ટ થશે ત્યારે નિશ્ચિત રૂપે વિશ્વની ટોપ 100 કંપનીઓમાં ભારતનો દબદબો વધશે અને ભારતની ઓળખ મજબુત બનશે.

ભારતની અર્થવ્યવસ્થા સુધારશે આવનારા સમયમાં આખી દુનિયાની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે, પરંતુ આગામી બે-ત્રણ વર્ષમાં ભારત વધુ વિકસિત થશે. મૂલ્યમાં અનલોકિંગ થશે, પરિસ્થિતિમાં પરિવર્તન આવશે અને કંપનીઓ માટે પોઝિટીવ વાતાવરણ બનશે. હાલમાં રિલાયન્સ અને TCS માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ટોપ 100 કંપનીઓમાં શામેલ છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 13.60 લાખ કરોડ જ્યારે TCSનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડથી ઉપર પહોચ્યું હતું.

આવનારી કંપનીઓનું માર્કેટ કેપ કેટલું થશે? વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિયો જયારે લિસ્ટ થશે ત્યારે તેનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડથી વધારે હશે. જિયોનો 25% હિસ્સો વેચાઈ ચુક્યો છે. રિલાયન્સ રિટેલની હિસ્સેદારી વેચવાનું હવે શરુ થશે. રિલાયન્સ રિટેલ પણ આ માર્કેટ કેપની આસપાસ લિસ્ટ થશે. જિયોનું હાલનું વેલ્યુએશન રૂ. 4.91 લાખ કરોડ છે અને આના આધારે જ રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું છે.

રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન રૂ. 4 લાખ કરોડ રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન રૂ. 4 લાખ કરોડ હોવાનું માનવામાં આવે છે. જોકે, તેમાં આવતા સમયમાં રોકાણ આવશે ત્યારે તેનું યોગ્ય મૂલ્યાંકન જાણી શકાશે. તેવી જ રીતે, આ નાણાકીય વર્ષમાં LICનો IPO આવવાનો છે. SBI પછી તે દેશની સૌથી મોટી એસેટ-હોલ્ડિંગ કંપની છે. બજારમાં લિસ્ટેડ ન હોવા છતાં, તે પ્રભુત્વ ધરાવે છે. LICની 32 લાખ કરોડથી વધુની એસેટ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિસ્ટ થાય ત્યારે તેનું વેલ્યુએશન અથવા માર્કેટ કેપ રૂ. 10 લાખ કરોડથી ઉપર હશે. એટલે કે, તે દેશમાં પ્રથમ અથવા બીજા નંબરનું હોઈ શકે.

મારુતિ અને HDFC બેંક પણ રેસમાં છે દેવેન ચોકસી કહે છે કે આ રેસમાં મારુતિ પણ છે. જોકે, તેનું માર્કેટ કેપ અત્યારે રૂ. 2 લાખ કરોડ છે. મારુતિનો શેર રૂ. 7,755 સુધી ગયો છે. તેના માટે સંભાવનાઓ એટલા માટે છે કે તે ભારતની સૌથો મોટી કાર ઉત્પાદક કંપની છે. બદલાતા માહોલમાં જયારે ખરીદ શક્તિ વધશે ત્યારે સૌથી વધુ ફાયદો મારુતિને થશે. આ સિવાય HDFC બેંક પણ ટોપ 100 લિસ્ટમાં આવવા માટે દાવેદાર છે. તેનું વેલ્યુએશન રૂ. 6.15 લાખ કરોડ છે. તે TCSથી રૂ. 2 લાખ કરોડ પાછળ છે.

ટોપ 100માં અમેરિકાની 56 કંપનીઓ વિશ્વની ટોપ 100 માર્કેટ કેપ કંપનીઓની યાદીમાં અમેરિકાની 56 કંપનીઓ છે. તેમાં મોટે ભાગે ટેક્નોલોજી કંપનીઓ છે. તાજેતરમાં ટોપ 100ની યાદીમાં 14 નવી કંપનીઓ જોડાઈ છે. તેમાંથી 2 કંપનીઓ IPO દ્વારા આવી હતી. નવી 14 કંપનીઓમાંથી 8 અમેરિકાની છે.

સાઉદી અરામકોએ બદલ્યા ટોપ 100માં કંપનીઓના સ્થાન ડિસેમ્બર 2019માં સાઉદી અરામકો વિશ્વનો સૌથી મોટો IPO લાવી હતી. અત્યારે માર્કેટ કેપની રીતે તે પહેલા સ્થાને છે. માર્ચ 2020ની તુલનામાં જૂન ક્વાર્ટરમાં વિશ્વની ટોચની 100 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન 17% વધીને 25 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. માર્ચ 2020ની તુલનામાં જૂન 2020માં અમેરિકન કંપનીઓના માર્કેટ કેપમાં 21%નો વધારો થયો છે. ટોપ 100 કંપનીઓમાંથી 87 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો થયો છે.

માર્ચમાં માર્કેટ કેપ ઘટ્યું પણ જૂનમાં વધી ગયું PWCના રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2019ની તુલનામાં માર્ચ 2020માં ટોપ 100 કંપનીઓના માર્કેટ કેપમાં 15%નો ઘટાડો થયો હતો. તાજેતરમાં દુનિયાની મોટી કંપનીઓના માર્કેટ કેપમાં સુધારો થયો છે. સાથે જ માર્કેટમાં પણ સુધારો થયો છે. આમાં ટેકનોલોજી અને કન્ઝ્યુમર સર્વિસ સેક્ટરની કંપનીઓ મુખ્ય છે. કન્ઝ્યુમર કંપનીઓ ઇન્ડસ્ટ્રી ઇન્ડેક્સ કરતા સારું પ્રદર્શન કરી રહી છે.

સાઉદી અરામકો હજી પણ ટોચ પર છે જૂન ક્વાર્ટરમાં ટોચની 100 મોટી કંપનીઓમાં માર્કેટ કેપના સંદર્ભમાં, સાઉદી અરેબિયાની સાઉદી અરામકો 1,741 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. તે પછી, અમેરિકાની એપલ 1,568 અબજ ડોલર સાથે બીજા, માઈક્રોસોફ્ટ 1,505 અબજ ડોલર સાથે ત્રીજા અને અમેઝોન 1,337 અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે. સાઉદી અરામકોએ ભલે ટોચનું પદ જાળવી રાખ્યું હોય પરંતુ તેલની કિંમતોમાં ઘટાડો તેની અસર દેખાડી રહ્યું છે.

એપલ અને માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ ઝડપથી વધ્યું માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતમાં, એપલ અને માઇક્રોસોફ્ટના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. માર્ચથી જૂન વચ્ચે એપલનું માર્કેટ કેપ 42% વધ્યું જ્યારે માઇક્રોસોફ્ટની માર્કેટ કેપમાં 29%નો વધારો થયો છે. આ રીતે, સાઉદી અરામકો અને આ બંને કંપનીઓ વચ્ચેના માર્કેટ કેપના ગેપમાં ધરખમ ઘટાડો થયો છે.

આઠમા નંબર પર અલિબાબા એ જ રીતે, ચીનનું ટેન્સન્ટ 599 અબજ ડોલર સાથે સાતમાં સ્થાને છે. 577 અબજ ડોલર સાથે અલિબાબા આઠમાં ક્રમે છે. જાપાનની ટોયોટા મોટર 203 અબજ ડોલરની સાથે 32માં ક્રમે છે. તાઇવાનની TCS 274 અબજ ડોલર સાથે 19માં ક્રમે છે. સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે 328 અબજ ડોલર સાથે 13માં અને રોશ 300 અબજ ડોલર સાથે 14માં ક્રમે છે. દક્ષિણ કોરિયાની સેમસંગ 260 અબજ ડોલર સાથે 21માં સ્થાને છે.Indian companies LIC, Jio, Reliance Retail, HDFC Bank and Maruti may take entry in world's top 100 market cap companies club