મોરબીના ઉદ્યોગકારોએ સેમસંગ, ફિલિપ્સ, LG, હિટાચી સહિત 35 કંપનીઓને કમ્પોનેન્ટ બનાવી આપવાની ઓફર કરી

મોરબીના ઉદ્યોગકારોએ સેમસંગ, ફિલિપ્સ, LG, હિટાચી સહિત 35 કંપનીઓને કમ્પોનેન્ટ બનાવી આપવાની ઓફર કરીઘડિયાળ, કેલ્ક્યુલેટર અને સિરામિક પ્રોડક્શનમાં ગુજરાતનું મોરબી ઘણા લાંબા સમયથી ચીન સાથે સ્પર્ધા કરતું આવ્યું છે. ચીન સાથે બોર્ડર વિવાદ વધતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનો કોલ આવ્યા બાદ, ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થવામાં મોરબીના ઉદ્યોગકારો ફરી એક વાર આગળ આવ્યા છે. દેશના જાણીતા અજંતા ઓરેવા ગ્રુપની આગેવાનીમાં શહેરના 150થી વધુ ઉદ્યોગકારોએ દેશ અને વિદેશની જાણીતી ઇલેક્ટ્રોનિક્સ અને રમકડા બનાવતી કંપનીઓને સંપર્ક કર્યો છે અને તેઓને ચીનના બદલે તેવા જ પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ ભારતમાં બનાવી આપવાની ઓફર કરી છે. ઉદ્યોગકારોએ સેમસંગ, ફિલિપ્સ, LG, હિટાચી સહિત 35 કંપનીઓને તેમની જરૂરિયાત મુજબના પાર્ટ્સ બનાવી આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત રમકડા બનાવતી કંપનીઓ ફિશર પ્રાઈસ, લિઓ અને મેટલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

મોરબીમાં 35000થી વધુ સ્કિલ્ડ મેનપાવર છેઅજંતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સના ઘણા એવા પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ છે જે આપણે દેશમાં જ બનાવી શકીએ છીએ. મોરબી કલોક મેન્યુફેક્ચરિંગનું હબ છે અને ચીનને વૈશ્વિક લેવલે પાછળ રાખી દીધેલું છે. અહી 350થી વધુ યુનિટ્સમાં 35000થી વધુ સ્કિલ્ડ મેનપાવર છે જે ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સમાં વાપરતા પાર્ટ્સ બનાવવાનો અનુભવ ધરાવે છે. જો કંપનીઓ અમને તેની જરૂરિયાત કહેશે તો અમે તે મુજબ ઉત્પાદન કરવા માટે સક્ષમ છીએ. રમકડા અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે મોરબીમાં પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટ પાર્ટ્સ બનાવી શકાય છે, ચીનથી આયાત કરવાની જરૂર નથી.

લોકડાઉન દરમિયાન રિસર્ચ કર્યુંલોકડાઉન દરમિયાન જયસુખ પટેલ અને તેની ટીમે 2 મહિના સુધી એક રિસર્ચ કર્યું હતું. જેમાં ચીનમાં બનતી વસ્તુઓ અને તેની આયાત કઈ રીતે ઓછી કરી શકાય છે અને તેનું ભારતમાં ઉત્પાદન શક્ય છે કે કેમ? તે અંગે જાણકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે પોતાના આ વિચાર અને અભ્યાસને મોરબીના અન્ય ઉદ્યોગકારો સાથે શેર કર્યા અને એક સંગઠન બનાવવાનો વિચાર રજુ કર્યો. ચીનથી ઈમ્પોર્ટ ઘટાડવાની આ ચળવળમાં 150થી વધુ ઉદ્યોગકારો જોડાયા છે અને કંપનીઓની જરૂરિયાત મુજબ માલ બનાવી આપવાની તૈયારી પણ બતાવી છે.

મોરબીના ઉદ્યોગકારો રોકાણ કરવા તૈયારજયસુખ પટેલે જણાવ્યું કે, હાલમાં અમે 30-35 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ સાથે વાત શરુ કરી છે. અમે તેઓને લેટર લખીને તેમની જરૂરિયાત મુજબ માલ બનાવી આપવાની તૈયારી બતાવી છે. સંગઠન સાથે જોડાયેલા તમામ ઉદ્યોગકારો જરૂર મુજબનું રોકાણ કરવા માટે તૈયાર છે. મોરબીની કંપનીઓ તેના ઉત્પાદન એકમમાં જરૂર મુજબના ફેરફાર કરવા પણ તૈયાર છે. અમારી પાસે અનુભવી માણસોની કમી નથી એટલે જો કામ આવે તો પણ તેનો અમલ ઝડપથી થઇ શકે તેમ છે.

ચીન કરતાં પણ સારી વસ્તુ મોરબી બનાવી શકે છેજયસુખ પટેલે જણાવ્યું કે, અમે મોટી કંપનીઓને અપીલ કરીએ છે કે તેઓ ફિનિશ્ડ ગૂડ્સ ચીનથી લાવવાના બદલે મોરબીમાં બનાવવા માટે આપે. અમે ચીન કરતા પણ સારી ગુણવત્તાનો માલ બનાવી આપવા સક્ષમ છીએ. મોરબીમાં પ્લાસ્ટિક, ઈલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સને લાગતો સમાન બનાવવાનો 50 વર્ષથી વધુનો અનુભવ છે. પ્રોડક્ટ્સ ડીઝાઇનથી લઇને પ્રોડક્શન અને પેકેજીંગ સહિતની સુવિધા મોરબીમાં છે. આપણે ચીનથી ઘણી વસ્તુઓની આયાત ઘટાડી શકીએ છીએ અને તેનાથી દેશને આર્થિક ફાયદો તો થશે જ સાથે સાથે રોજગારીનું સર્જન પણ થશે.

અભિયાન માટે વડાપ્રધાન અને સરકારનો સહયોગ માંગ્યોઅજંતા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આ અભિયાનને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને MSME મંત્રી નીતિન ગડકરીનો સહયોગ પણ માંગ્યો છે અને તેઓને આ સંગઠન અંગે વિસ્તારથી પત્ર લખ્યો છે. કંપનીએ પત્ર લખી સરકારને ઇલેક્ટ્રોનિક ટોય્સ, ગીફ્ટ આર્ટિકલ, હોમ એપ્લાયન્સ સહિત ઇલેક્ટ્રિક સમાન બનાવતી મોટી કંપનીઓને મોરબીના ઉદ્યોગો સાથે જોડાણ માટે ભલામણ કરવા માટે કહ્યું છે.Morbi industrialists offer parts manufacturing to 35 companies, including Samsung, Philips, LG, Hitachi