માઇકલ હસીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં રમવું બધા બેટ્સમેનો માટે અઘરું, પરંતુ રોહિત શર્માને વાંધો નહિ આવે, તેની ક્ષમતા બધાથી અલગ

માઇકલ હસીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં રમવું બધા બેટ્સમેનો માટે અઘરું, પરંતુ રોહિત શર્માને વાંધો નહિ આવે, તેની ક્ષમતા બધાથી અલગ



પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ હસીએ કહ્યું કે કોઈપણ બેટ્સમેન માટે ઓસ્ટ્રેલિયમાં ટેસ્ટ રમવી સરળ નથી. પરંતુ, રોહિત શર્માની શૈલી અને રમવાની ક્ષમતા અન્ય લોકોથી તદ્દન અલગ છે. તેને અહીં કોઈ સમસ્યા નહીં થાય. ભારતીય ટીમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાની છે.

શ્રેણીની પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. બીજી ટેસ્ટ 11મીએ એડિલેડમાં, 26મીએ મેલબોર્નમાં બોક્સિંગ-ડે અને 3 જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ રમાશે. આ પછી, વનડે શ્રેણીની પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ યોજાશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોનાના કારણે સ્ટેડિયમમાં 25% દર્શકોને જ મંજૂરી આપી છે.

રોહિતે ગઈ સીરિઝમાં 3 સદી ફટકારી હતી
આ સીરિઝમાં તમામની નજર રોહિત પર રહેશે, કારણ કે તેણે ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ડબલ સદી સહિત કુલ 3 સદી ફટકારી હતી. આ સીરિઝમાં રોહિતે પહેલીવાર ટેસ્ટમાં ઓપનિંગ કરી હતી. જોકે ઇજાના કારણે તે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ શક્યો નહોતો.

રોહિતની ક્ષમતા અંગે કોઈ શંકા નથી
હસીએ કહ્યું, 'મારું માનવું છે કે તેણે ઘણી વનડેમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી છે. તાજેતરમાં જ તેણે ટેસ્ટમાં પણ પોતાને સાબિત કર્યો છે. આનાથી તેને ઘણો વિશ્વાસ મળ્યો હશે. મને તેની ક્ષમતા અંગે કોઈ શંકા નથી. તે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિને એકદમ સારી રીતે સંભાળશે."

ફાસ્ટ બોલર્સને મુશ્કેલી થઈ શકે છે
હસીએ સોની ટેનના શોમાં કહ્યું કે, "રોહિતને ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં સેટ થતા વાર નહિ લાગે. સમસ્યા માત્ર ફાસ્ટ બોલર્સને થઈ શકે છે. તેમજ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર માટે 2 વર્ષ પછી ભારત સામે રમવું અઘરું થઈ શકે છે. તેઓ સ્ટ્રગલ કરી શકે છે."









હસીએ કહ્યું, મને રોહિતની ક્ષમતા અંગે કોઈ શંકા નથી. તેણે ટેસ્ટમાં પોતાને સાબિત કર્યો છે.