Translate to...

મહારાષ્ટ્રમાં 400 વર્ષ જૂનો વડલો બચાવવા માટે હાઈવેનો રૂટ બદલવામાં આવ્યો, લોકઝુંબેશ રંગ લાવી

મહારાષ્ટ્રમાં 400 વર્ષ જૂનો વડલો બચાવવા માટે હાઈવેનો રૂટ બદલવામાં આવ્યો, લોકઝુંબેશ રંગ લાવી




સતત આડેધડ કપાતાં વૃક્ષોના સમાચારો વચ્ચે હૈયે ટાઢક થાય તેવા સમાચાર મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી આવ્યા છે. ત્યાં 400 વર્ષ જૂનો એક ઘેઘૂર વડલો કપાતો બચાવવા માટે હાઈવેનો રૂટ જ બદલી નાખવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિર્માણાધીન રત્નાગિરી-નાગપુર હાઈવે નંબર 166ની વચ્ચે ખાસ્સો ચાર સૈકા જૂનો અને 400 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો એક ઘેઘૂર વડલો આવી રહ્યો હતો. આ ‘વિકાસકાર્ય’ માટે તેને કાપી નાખવાની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી.

જેવી આ વાત ગામલોકો અને સોશિયલ મીડિયામાં પ્રસરી કે તરત જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. પાછલા દસેક દિવસથી આ વડલાને બચાવવા માટેની ઝુંબેશ ચાલી રહી હતી.

આદિત્ય ઠાકરેએ પણ વિનંતિ કરી

A 400 year old banyan tree in Sangli a District and a Tiger corridor saved yesterday. Feels good. 2 interventions where I had humbly requested 2 Union Ministers and received a positive response from both to assist saving the environment. (1/2) https://t.co/gs5BJrki99

— Aaditya Thackeray (@AUThackeray) July 24, 2020

આ મુદ્દે 16 જુલાઈએ મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પણ કેન્દ્રિય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને પત્ર લખીને આ વડલો કપાતો અટકાવવા માટે વિનંતી કરી હતી. આદિત્ય ઠાકરેએ પત્રમાં લખ્યું કે ચાર સૈકા જૂનો આ વડલો યેલમ્મા મંદિરની નજીક આવેલો છે અને તે આ વિસ્તારના સાંસ્કૃતિક ઈતિહાસનું એક મહત્ત્વનું અંગ છે. એટલું જ નહીં, આ વડલો કેટલાંય પક્ષીઓ તથા પ્રાણીઓનું ઘર પણ છે. જો સૂચિત રત્નાગિરી-સોલાપુર હાઈવેના રૂટમાં થોડા ફેરફાર કરવામાં આવે તો આ વડલો કપાતો અટકાવી શકાય તેમ છે. આ મુદ્દે આદિત્ય ઠાકરેએ ટ્વીટ પણ કરી હતી.

શુક્રવારે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના સિનિયર અધિકારીએ જણાવ્યું કે લોકોની લાગણીને માન આપીને આ હાઈવે અને તેને સમાંતરે જતા સર્વિસ રોડની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આખો વડલો કાપવામાં નહીં આવે. તે માટે 20-25 મીટરના ગાળામાં સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે.

ગામલોકોએ ‘ચિપકો આંદોલન’ ચલાવ્યું આ વડલાને બચાવવા માટે શરૂઆતમાં વીસ-પચ્ચીસ ગામલોકોએ આવીને ‘ચીપકો આંદોલન’ ચલાવ્યું હતું,. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વડલાને વળગીને ઊભા રહી ગયેલા. ત્યારપછી ત્યાંના ‘સહ્યાદ્રિ સંઘટના’ નામનું જૂથ આ વડલાને બચાવવાની ઝુંબેશ સોશિયલ મીડિયા પર લઈ ગયું અને તેની તસવીરો, વીડિયો અપલોડ કરવા માંડ્યા. ત્યારબાદ ગામલોકોના અન્ય એક ગ્રૂપે આ રસ્તેથી પંઢરપુર જવા માટે નીકળતા પદયાત્રીઓને આરામ કરવા માટે આ વડલો ઉપયોગી છે તેનું પણ ઉદાહરણ આપ્યું. એ પછી તો અન્ય લોકો પણ આ વડલા સાથે જોડાયેલી પોતાની તસવીરો શૅર કરીને તેને ન કાપવા માટે વિનંતી કરતા રહ્યા.

આખરે સૌની મહેનત અને ચિંતા રંગ લાવી અને હાલ પૂરતો તો આ ઐતિહાસિક ધરોહર સમો વડલો બચી ગયો છે.







નિર્માણાધીન રત્નાગિરી-નાગપુર હાઈવેના રૂટમાં આ ઘેઘૂર વડલો આવતો હતો