રાજકોટ અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. પહેલા અમદાવાદ ત્યારબાદ સુરત અને હવે રાજકોટ-ભાવનગરમાં કોરોના પોઝિટિવ આંક સતત વધી રહ્યો છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં સૌથી વધુ 1136 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ઓગસ્ટના પહેલા 6 દિવસમાં 309 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1712 કેસ પોઝિટિવ નોંધાયા છે. એક તારણ મુજબ પહેલા અમદાવાદ અને સુરતથી આવવાના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું પણ હવે જિલ્લામાં લોકલ સંક્રમણ વધી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં 25 લાખની વસ્તી સામે માત્ર 25,438 ટેસ્ટ જ કરવામાં આવ્યાં છે.
તંત્રની બેદરકારી કે લોકોની? શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવે લોકલ સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં કોરોનાના વધુ કેસ નોંધાવા પાછળ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સહિતની બાબતે લોકોની લાપરવાહી અને તંત્ર દ્વારા આયોજનનો અભાવ જવાબદાર હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. શરૂઆતથી ગ્રામ્ય વિસ્તારોમાંથી પોઝિટિવ કેસનો આંક ધીમો હતો. પરંતુ ગામડાઓમાં કોરોનાનો પગ પેસારો વધી રહ્યો છે. જે ગ્રામ્ય પ્રજા માટે ચિંતાનો વિષય છે. જેથી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.
અમદાવાદના અગ્નિકાંડ બાદ હોસ્પિટલમાં સલામતી કેટલી? અમદાવાદમાં થયેલા અગ્નિકાંડ પછી ખાનગી હોસ્પિટલમાં સલામતી કેટલી એવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે. કારણ કે ભાવનગર કોર્પોરેશન દ્વારા કોવિડ માટે 13 ખાનગી હોસ્પિટલને મંજૂરી આપી પરંતુ તેમાં ફાયર બ્રિગેડની NOC કેટલી હોસ્પિટલ પાસે છે તે જોવાની દરકાર કરવામાં આવી નથી. 13માંથી 8 કોવિડ હોસ્પિટલ NOC વગર ચાલે છે. તો સવાલ એ થાય કે જો કંઈ ઘટના બને તો જવાબદાર કોણ? શું ભાવનગર મનપા શ્રેય હોસ્પિટલ જેવી કરુણાંતિકાની રાહ જુએ છે?
જુલાઇ મહિનાના કોરોનાનો રાફડો ફાટ્યો સંક્રમણને અટકાવવાના હેતુ સાથે રાજ્યમાં નામ સહિતની વિગતો જાહેર કરવામાં આવતી હતી. જો કે હાલ નામ, સરનામાં અને હિસ્ટ્રી જાહેર નહીં કરવાના કારણે સંક્રમણ વધશે તો આ માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યાં છે. જુલાઈના 31 દિવસમાં કોરોનાનો રાફડો ફાટ્યો અને 1136 કેસ નોંધાયા છે. માર્ચમાં 6, અપ્રિલમાં 44 , મેમાં 70 અને જુન મહિનાથી ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઈલ થઇ ગઇ હોય તેમ કોરોના સંક્રમણની સ્પીડ એકદમ વધી ગઈ છે. જુલાઈના 31 દિવસમાં 1136 કેસ નોંધાયા છે.
ઓગસ્ટના પહેલા 6 દિવસમાં કોરોનાના કેસ વધ્યા ઓગસ્ટ મહિનાના પહેલા 6 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. પહેલા 6 દિવસમાં 309 કેસ પોઝિટિવ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ 6 દિવસમાં 309 કેસ પોઝિટિવ આવ્યા અને 309 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ પોઝિટિવ આંક અને ડિસ્ચાર્જ આંક સમાન છે. ભાવનગર શહેરમાંથી કુલ 1059 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 653 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કુલ 1712 કેસ પોઝિટિવ નોંધાયા છે.
4 મહિનામાં 25 લાખની વસ્તી સામે માત્ર 25438 ટેસ્ટ થયા જિલ્લાની અંદાજે 25 લાખની વસ્તી સામે 5 જુલાઈ સુધીના 128 દિવસમાં માત્ર 25,438 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આટલુ મોટુ તંત્ર હોવા છતાં 4 મહિનામાં માત્ર 25,438 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આવડું મોટુ તંત્ર કરે છે શું? તેવા અનેક સવાલો લોકો કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે કોરોનાની મહામારીને કંટ્રોલમાં લેવા માટે ટેસ્ટ વધારવા ખૂબ જ જરૂરી છે. પણ તંત્ર શા માટે ટેસ્ટ વધારતી નથી તેમ લોકોનું કહેવું છે. જો ટેસ્ટિંગ વધારવામાં આવે તો કોરોના સંક્રમણ ઘટાડી શકાય.
(ભરત વ્યાસ-ભાવનગર)
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા