ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાજેન્દ્રસિંહ ધામી આજના દિવસોમાં મજબૂરીમાં પથ્થર તોડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર છે. ધામી પિથોરાગઢ જિલ્લાના પોતાના ગામ રાયકોટમાં મનરેગા યોજના અંતર્ગત રસ્તાના નિર્માણના કામમાં મજૂરી કરી રહ્યા છે.
કલેક્ટર ડોક્ટર વિજયકુમાર જોંગદડેને જેવી આ બાબતની જાણકારી મળી , તો તરત જ તેમણે જિલ્લા રમત-ગમત અધિકારીને રાજેન્દ્રસિંહને આર્થિક મદદ પહોંચાડવા માટે જણાવ્યું હતું.
રાજેન્દ્રસિંહને સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે : કલેક્ટર
પિથોરાગઢના કલેક્ટર જોંગદડેએ જણાવ્યું કે વર્તમાનમાં રાજેન્દ્રસિંહની આર્થિક સ્થિતિ વધુ ખરાબ જણાઈ રહી છે. તેમને મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના અથવા અન્ય કોઈ યોજના દ્વારા મદદ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યમાં પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે.
રાજેન્દ્રસિંહે સરકાર સમક્ષ સરકારી નોકરીની માંગ કરી
ધામીએ જણાવ્યું હતું કે તેમને એક ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો, પરંતુ વર્તમાનમાં કોરોનાની મહામારીના કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. હું સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યો છું કે મને મારી લાયકાત પ્રમાણે નોકરી આપવામાં આવે.
કોરોનાના કારણે તેમનું ક્રિકેટ કોચિંગ બંધ
ધામીને 3 વર્ષની ઉંમરે પેરાલિસિસ થઇ ગયો હતો, ત્યારથી જ તે 90 ટકા દિવ્યાંગ છે. મજૂરી કરતા પહેલા ધામી કેટલાક બાળકોને પિથોરાગઢમાં ક્રિકેટ કોચિંગ અપાતા હતા. પણ લોકડાઉનના કારણે બાળકોએ આવવાનું બંધ કરી દીધું છે. જેના કારણે તેમને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગામડે પરત ફરીને મજૂરી કરવી પડી રહી છે.
રાજેન્દ્રસિંહ ધામી અત્યારે ઉત્તરાખંડ વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે.