રાજસ્થાનના રાજકીય ડ્રામા પર ભાજપની સંપૂર્ણ નજર છે. હવે બુધવારે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ધૌલપુરથી જયપુર જાય તેવી શકયતા છે. તેઓ અહીં પાર્ટી કાર્યાલય પહોંચશે. રાજેની હાજરીમાં જ પક્ષ આગળની રણનીતી પર વિચાર કરશે. આ પહેલા મંગળવારે ભાજપ વેટ એન્ડ વોચની સ્થિતિમાં જોવા મળી હતી. મોડી રાતે અચાનક પાર્ટીના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ ઓમ માથુર પણ ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા છે. બીજી તરફ બુધવારે ન્યુઝ એજન્સીએ દાવો કર્યો છે કે સચિન પાયલટે વાતચીતમાં કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે નહિ.
સૂત્રોનું માનવું છે કે ભાજપ હાલ સચિનના સ્પષ્ટ વલણની રાહ જોઈ રહ્યાં છે. તેઓ આ તકને ગુમાવવા પણ માંગતા નથી. ભાજપ નેતાઓ પળેપળના સામાચારો ટોપ નેતૃત્વ સુધી પહોંચાડી રહ્યાં છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આગળ શું થશે, તે કેન્દ્રીય નેતાઓના નિર્દેશ પર નિર્ભર કરશે. ભાજપે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અશોક ગેહલોત સમક્ષ બહુમતી સાબિત કરવાની માંગ કરી છે. સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવના નિયમોને જોઈને આ રણનીતી બનાવાઈ રહી છે.
મોડી રાતે કેબિનેટની બેઠક થઈહાલ મુખ્યમંત્રી અશોક ગેહલોત તમામ ધારાસભ્યોને મનાવવામાં લાગ્યા છે. પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષપદેથી હટાવવામાં આવ્યા પછી ગેહલોતે કહ્યું કે ઈશ્વર તેમને(પાયલટને) સદબુદ્ધિ આપે, પરંતુ તેઓ આજે(મંગળવારે) પણ આવ્યા નથી. આ નિવેદન ધારાસભ્ય દળની બેઠક પછી આવ્યું હતું. બેઠક પછી સાવચેતીના ભાગરૂપે તમામ ધારાસભ્યોને બસથી હોટલ મોકલવામાં આવ્યા હતા. આ હોટલમાંથી સીએમ મંત્રીઓને લઈને તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં હાલ કેબિનેટની મીટિંગ થઈ. આ દરમિયાન વિભાગોને લઈને ચર્ચા કરવામાં આવી.
તસ્વીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત પછીના શપથ ગ્રહણ સમારંભની છે. જ્યારે અશોક ગેહલોતે મુખ્યમંત્રી અને સચિન પાયલટે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેમાં વસુંધરા રાજે પણ હાજર રહ્યાં હતા.