Translate to...

બાળકોની પાસે મોબાઇલ ન હતા તો શરુ કરી ઓપન એર કમ્યુનિટી સ્કૂલ, એકલા બડગામ જિલ્લામાં જ 8 હજાર બાળકો અભ્યાસ કરે છે

બાળકોની પાસે મોબાઇલ ન હતા તો શરુ કરી ઓપન એર કમ્યુનિટી સ્કૂલ, એકલા બડગામ જિલ્લામાં જ 8 હજાર બાળકો અભ્યાસ કરે છે
કોરોનાની મહામારીના કારણે દેશભરમાં છેલ્લા ચાર મહિનાથી સ્કૂલો બંધ છે. દેશમાં કોરોનાનું સંક્ર્મણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે, આ કારણે જ અનલોક-3માં પણ સ્કૂલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આ તમામ બાબતોની વચ્ચે કાશ્મીરમાં બાળકો હવે સ્કૂલના બંધ રૂમની જગ્યાએ ખુલ્લા આકાશ નીચે પર્વતોની વચ્ચે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે.

તસ્લીમા બશીર હવે ઓપન એર કમ્યુનિટી સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે: આબિદ બટ

કાશ્મીરના બડગામ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં રહેતી તસ્લીમા બશીર આઠમાં ધોરણમાં ભણે છે. તસ્લીમાને ભણવું ગમે છે. સ્કૂલ દ્વારા વર્ચ્યુઅલ વર્ગોમાં પણ ભણાવવામાં આવ્યું હતું, પરંતુ ન તો તસ્લીમાના ઘરે મોબાઈલ છે અને ન તો તેના ઘર સુધી મોબાઈલ નેટવર્કની પહોંચ છે. એવામાં તસ્લીમા સ્વયં ઘરે જ અભ્યાસ કરે છે.

ત્યાર બાદ 1 જૂનથી ઓપન એર કમ્યુનિટી સ્કૂલની શરૂઆત કરવામાં આવી તો ત્યાં ગયા પછી તસ્લીમાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. બડગામ જિલ્લાના દૂધપથરી ખીણપ્રદેશમાં તસ્લિમાની જેમ જ ઘણા બાળકો ઓપન એર સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. તસ્લીમા કહે છે કે આ રીતે ખુલ્લા આકાશ નીચે ભણવાનું બહુ જ સારું લાગે છે.

હું ઘરે રહીને વધુ અભ્યાસ નથી કરી સકતી, કેમ કે મારે અન્ય બીજા કામ પણ કરવા પડે છે. તસ્લિમાની જેમ જ બીજા બાળકોને પણ ઓપન કમ્યુનિટી સ્કૂલમાં ભણવાનું સારું લાગે છે. આ બાળકોના વાલી રોજ પહાડ પર ચઢીને બાળકોને સ્કૂલે મુકવા માટે આવે છે.

જે બાળકો મોબાઈલ, ઇન્ટરનેટના અભાવમાં અભ્યાસ કરી શકતા ન હતા, તેઓ હવે કમ્યુનિટી સ્કૂલમાં જઈને અભ્યાસ કરી રહ્યા છે. ફોટો : આબિદ બટ

મોબાઈલ ફોનના અભાવને કારણે ઘણા બાળકો વર્ચ્યુઅલ ક્લાસમાં ભણી શક્યા ન હતા

બડગામ જિલ્લાના ચીફ એજ્યુકેશન અધિકારી ફાતિમા બાનો જણાવે છે કે જિલ્લામાં 1,271 સ્કૂલ છે, તેમાં 702 પ્રાથમિક , 422 માધ્યમિક,101 હાઈસ્કૂલ અને 46 હાયર સેકન્ડરી સ્કૂલ છે. અહીંયા કુલ 75 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બાળકોને ભણાવવા માટે બડગામ જિલ્લામાં 6,122 શિક્ષકો છે. ફાતિમા છેલ્લા 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને 31 ઓગસ્ટના રીજ તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે.

કેટલાક બાળકો મોબાઈલ, ઇન્ટરનેટના અભાવમાં વર્ચ્યુઅલ ક્લાસ સુધી પહોંચી શક્યા ન હતા.

ફાતિમા જણાવે છે કે કોરોના મહામારી દરમિયાન જ્યારે અમે વર્ચ્યુઅલ કલાસીસની શરૂઆત કરી તો 75 હજાર બાળકોમાંથી 61 હજાર જૂમ કે અન્ય માધ્યમથી જોડાતા હતા. બાકીના બાળકો નહિ જોડાતા તેનું કારણ પૂછ્યું તો ખબર પડી કે કેટલાક બાળકો પોતાના પરિવાર સાથે પોતાના વતન ચાલ્યા ગયા હતા. જ્યાતે કેટલાક બાળકો મોબાઈલ, ઇન્ટરનેટના અભાવમાં વર્ચ્યુઅલ ક્લાસ સુધી પહોંચી શક્યા ન હતા.

તેમના વાલીએ જણાવ્યું કે તેઓ એટલા સક્ષમ નથી કે મોબાઇલ ફોનની ખરીદી કરી શકે. ફાતિમા જણાવે છે કે તે બાળકોને કેવી રીતે જોડી શકાય તેને લઈને મેં કમિશ્નર સેક્રેટરી અને જિલ્લા શિક્ષણઅધિકારી સાથે વાતચીત કરી અને ઓપન એર કમ્યુનિટી સ્કૂલનો વિચાર આવ્યો. જિલ્લામાં 13 ઝોન છે અને દરેક ઝોનમાં 4 થી 5 ઓપન એર કમ્યુનિટી શાળાઓ કાર્યરત છે. જ્યા 8 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

કલાસ શરુ થયા પહેલા વિદ્યાર્થીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝ આપવામાં આવે છે. ફોટો: આબિદ બટ

કલાસ શરુ થતા પહેલા બાળકોને આપવામાં આવે છે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર

બડગામના ઝોનલ શિક્ષણ અધિકારી મોહમ્મદ રમજાન જણાવે છે કે ખુલ્લા આકાશ નીચે ભણાવવાના કારણે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી શકાય છે. કલાસ શરુ થતા પહેલા તેમને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવે છે. તમામ બાળકોને આઠ સમૂહમાં તેમની ઉંમર પ્રમાણે બેસાડવામાં આવે છે.

શિક્ષક મંજૂર અહેમદ કહે છે કે, અમને ઘરે બેસીને વેતન લેવું સારું નથી લાગતું. સ્કૂલની બિલ્ડીંગની સરખામણીમાં ખુલ્લા આકાશ નીચે ભણાવવાનું વધુ સારું લાગે છે. કાશ્મીરમાં કોરોના વાયરસની મહામારી પહેલા જ સ્કૂલના શિક્ષણ કાર્યને અસર થઇ હતી. ગત વર્ષે સરકારે અહીંના કલમ-370 હટાવી જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરીને અહીંયા કર્ફયુ લગાવી દીધો હતો. કર્ફયુ હટવાના થોડા મહિના બાદ જ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.

ભીષણ ગરમી અને વરસાદ પડતા બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ પડે છે. ફોટો: આબિદ બટ

આ ઓપન કમ્યુનિટી શાળાઓમાં નથી વરસાદ કે ગરમીથી બચવાની કોઈ વ્યવસ્થા

તંગધારમાં કાર્યરત થનાર ઓપન કમ્યુનિટી શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અહીંયા બાકી બધું તો ઠીક છે પણ ગરમી અને વરસાદના કારણે અભ્યાસ કરી શકતા નથી, જો અધિકારી અહીંયા તંબુની વ્યવસ્થા કરાવી આપે તો વધુ સારી રીતે ભણી શકીએ.

જ્યારે 7માં ધોરણમાં અભ્યાસ કરતી અનીશા જોહરે જણાવ્યું કે, પહેલા શિક્ષક ઘરે આવીને ભણાવતા હતા, પણ ઘરમાં એટલી જગ્યા જ નથી કે અમે બેસીને ભણી શકીએ. પણ કુલ્લા આકાશ નીચે શાળામાં ભણવું વધુ સારું લાગે છે. વર્તમાનમાં આ કમ્યુનિટી કલાસીસ વિન્ટર ઝોનમાં આવનાર જિલ્લાઓમાં ચાલી રહ્યા છે, કેમકે પુરા પ્રદેશમાં 2જી ઇન્ટરનેટ જ ચાલી રહ્યું છે, એવામાં જુમ કલાસીસમાં પણ પરેશાની થાય છે.

એવામાં કાશ્મીર ડિવિઝનમાં કમ્યુનિટિ સ્કૂલની સફળતા બાદ તેને જમ્મુ ડિવિઝનમાં શરુ કરવામાં આવી છે.

કાશ્મીરના સુદૂરવર્તી ગામમાં આ રીતે કાર્યરત થઇ રહી છે ઓપન એર કમ્યુનિટી સ્કૂલ. ફોટો: આબિદ બટકાશ્મીરના બડગામ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં આ રીતે ઓપર એર કમ્યુનિટી સ્કૂલ કાર્યરત છે. ફોટો : આબિદ બટ