બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસ દરમિયાન વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત, અમેરિકામાં ભણતી સુદીક્ષા લોકડાઉનમાં ઘરે આવી હતી

બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસ દરમિયાન વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત, અમેરિકામાં ભણતી સુદીક્ષા લોકડાઉનમાં ઘરે આવી હતીઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસમાં એક વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઘટના યુપીના ગઢ હાઇવે પર આવેલા ચરોરા મુસ્તફાબાદ ગામ નજીક સોમવારે સવારે 11 વાગે બની હતી. મૃતક વિદ્યાર્થિનીનું નામ સુદીક્ષા ભાટી છે. તે લોકડાઉન દરમિયાન અમેરિકાથી પરત ઘરે આવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક બાઇકસવાર બદમાશો તેની છેડતી કરી રહ્યા હતા. અકસ્માતમાં સુદીક્ષાના કાકા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાતા પોલીસકર્મીઓ.

મામાના ઘરે જઈ રહી હતી સુદીક્ષા

સુદીક્ષા પોતાના કાકા નિગમ ભાટી સાથે બાઈક પર મામાના ઘરે માધવગઢ જઈ રહી હતી. તેઓ બુલંદશહેર - ગઢ હાઇવે પર આવેલા ચરોરા મુસ્તફાબાદ ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમની બાઈક અન્ય બુલેટ સવાર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 વર્ષની સુદીક્ષાનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. જ્યારે કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી બુલેટસવાર ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત કાકાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પરિવારના આરોપ

સુદીક્ષાના પરિવારજનોએ આરોપ લગાવ્યા હતા કે બુલેટ સવાર યુવક વારંવાર સ્કૂટીને ઓવરટેક કરી રહ્યા હતા. બુલેટ સવાર યુવકોએ સ્કૂટીની સામે અચાનક બ્રેક મારી હતી, જે કારણે કાકા નિગમે સ્કૂટી પરનો કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુદીક્ષા અને કાકા નિગમ રસ્તા પર પટકાયા હતા જેમાં સુદીક્ષાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલમાં કાકા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી

સુદીક્ષાને ભારત સરકાર તરફ્થી ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તે અમેરિકાની બોબ્સન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી. તેને એચસીએલ તરફથી ગત વર્ષે 3.80 કરોડની શિષ્યવૃત્તિ મળી હતી. સુદીક્ષા જૂનમાં ભારત પરત આવી હતી અને તે 20 ઓગસ્ટે અમેરિકા પરત ફરવાની હતી.

માયાવતીની માંગ

બીએસપી સુપ્રીમો માયાવતીએ આ ઘટનાની નિંદા કરતા આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

बुलन्दशहर में अपने चाचा के साथ बाईक पर जा रही होनहार छात्रा सुदीक्षा भाटी को मनचलों की वजह से अपनी जान गंवानी पड़ी, जो अति-दुःखद, अति-शर्मनाक व अति-निन्दनीय। बेटियाँ आखिर कैसे आगे बढ़ेंगी? यूपी सरकार तुरन्त दोषियों के विरूद्ध सख्त कानूनी कार्रवाई करे, बीएसपी की यह पुरजोर माँग है।

— Mayawati (@Mayawati) August 11, 2020

ફોટો બુલંદશહેર ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ સુદિક્ષા ભાટીનો છે. અકસ્માતમાં સુદીક્ષાના કાકા નિગમ ભાટી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.