Translate to...

બ્રિટનમાં સ્થૂળતા ઘટાડવા ફિટનેસ ડ્રાઇવ, સ્ટોરમાં એન્ટ્રી-એક્ઝિટ પર ગળી વસ્તુ નહીં હોય, ટીવી પર રાત્રે 9 વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં

બ્રિટનમાં સ્થૂળતા ઘટાડવા ફિટનેસ ડ્રાઇવ, સ્ટોરમાં એન્ટ્રી-એક્ઝિટ પર ગળી વસ્તુ નહીં હોય, ટીવી પર રાત્રે 9 વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં
બ્રિટન સરકારે લોકોની સ્થૂળતા ઘટાડવા અને તેમને તંદુરસ્ત બનાવવા સોમવારથી મોટું અભિયાન શરૂ કર્યું. કોરોના મહામારીથી થતા મોતમાં સ્થૂળતા પણ એક મોટાં કારણ તરીકે સામે આવ્યું હોવાથી આ એક મોટું પગલું ગણાય છે. વડાપ્રધાન બોરિસ જોનસને પોતે સ્વીકાર્યું કે તેઓ કોરોના પોઝિટિવ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે તેઓ બહુ સ્થૂળ હતા. હવે સાજા થયા બાદ તેઓ વજન ઘટાડવા પ્રેરાયા છે. તેઓ રોજ તેમના ડૉગી સાથે મોર્નિંગ વૉક પર જાય છે. કોરોનામુક્ત થયા બાદ તેઓ અડધા કિલોથી વધુ વજન ઘટાડી ચૂક્યા છે.

મૂળે બ્રિટન યુરોપનો બીજો સૌથી સ્થૂળકાય લોકોનો દેશ છે. અહીંના બે-તૃતીયાંશ યુવાઓ સ્થૂળતાની ઝપટમાં છે. સરકારી આંકડા મુજબ 10-11 વર્ષના દર ત્રણમાંથી 1 બાળક સ્થૂળકાય છે. સરકારના સ્વાસ્થ્ય સચિવ મેટ હાનકોકનું કહેવું છે કે જો દરેક વ્યક્તિ અઢી કિલો વજન ઘટાડે તો 5 વર્ષમાં સરકારને 960 કરોડ રૂ. બચાવવામાં મદદ મળશે. સ્થૂળતા અને કોરોના વચ્ચે સંબંધ સામે આવ્યા બાદ વજન ઘટાડવું જીવ બચાવવા જેવું છે. નવી યોજના હેઠળ સરકાર લોકોને ફિટ રહેવામાં મદદ કરશે. આરોગ્યપ્રદ ન હોય તેવી ઘણી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ પણ લદાશે.

નવી રણનીતિ બાદ સ્ટોર્સમાં એન્ટ્રી ગેટ અને ચેકઆઉટ જેવાં મુખ્ય સ્થળોએ ગળ્યા અને ચરબી વધારનારા ખાદ્ય પદાર્થો રાખવાનું પ્રતિબંધિત થઇ ગયું છે. ટીવી અને ઓનલાઇન પ્લેટફોર્મ પર રાત્રે 9 વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં કરી શકાય. આરોગ્ય માટે જોખમી ખાદ્ય પદાર્થો પર ‘બાય વન ગેટ વન ફ્રી’ સ્કીમ નહીં આપી શકાય. સરકાર આલ્કોહોલ ડ્રિન્ક પર કેલરી કાઉન્ટ લગાવવા અંગે પણ પરામર્શ કરી રહી છે.

બ્રિટનમાં આ પગલા પણ લેવાશે

સ્ટોર્સને ફળો-શાકભાજી પર વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે પ્રોત્સાહિત કરાશે.સરકાર વધારે ખાંડ, મીઠું, ચરબીવાળા પદાર્થોની ઓનલાઇન જાહેરાતો પર પ્રતિબંધ લાદવા અંગે પણ સલાહ લેશે.રેસ્ટોરન્ટ, કાફે અને ટેકઅવે માટે તમામ ખાદ્ય પદાર્થો પર કેલરી લેબલ લગાડવાનું જરૂરી હશે.સરકાર વેઇટ મેનેજમેન્ટ સર્વિસ વધારશે. જીવનશૈલી બહેતર બનાવવા માટે વધુ મોબાઇલ ઍપ્સ લૉન્ચ કરાશે.વજન ઘટાડવામાં મદદ કરનારા ડૉક્ટર્સને ઇન્સેન્ટિવ અપાશે.

કસરત કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસની ફાઇલ તસવીર.