Translate to...

બ્રિજેશ મેરજાને ફરી કોંગ્રેસ યાદ આવીઃ સી આર પાટીલને કોંગ્રેસના નવા પ્રમુખ કહ્યા, બાજુમાં બેઠેલા આઈ કે સલવાયા

બ્રિજેશ મેરજાને ફરી કોંગ્રેસ યાદ આવીઃ સી આર પાટીલને કોંગ્રેસના નવા પ્રમુખ કહ્યા, બાજુમાં બેઠેલા આઈ કે સલવાયા
મોરબીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજાને ફરી કોંગ્રેસ યાદ આવી ગઈ હતી. મોરબીમાં આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને કાર્યકરોનો સત્કાર સમારંભ યોજાયો હતો. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં બ્રિજેશ મેરજાની જીભ લપસી હતી અને ભાંગરો વાટતા કહ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સી આર પાટીલ અને વિજયભાઇની આગેવાનીમાં પ્રજાલક્ષી કામો કર્યા છે તે પ્રજા સુધી પહોંચાડ્યા છે. આ સમયે ભાજપના આઇ કે જાડેજા પણ સલવાયા હતા અને બ્રિજેશ મેરજાની ભૂલ સુધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રિજેશ મેરજા એકી શ્વાસે બોલી ગયા હતા અને સી આર પાટીલને કોંગ્રેસના નવા પ્રમુખ કહ્યા હતા.

આઇ કે જાડેજાએ ધ્યાન દોરતા બ્રિજેશ મેરજાએ ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટયો હતો .મીડિયાને માહિતી આપતી વખતે તેઓની જીભ લપસી ગઈ હતી અને તાજેતરમાં ભાજપના નવા નિમાયેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જણાવી દીધા હતા. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજી ગડારાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કહી દીધા હતા. જો કે આઈ કે જાડેજાએ તેમનું ધ્યાન દોરતા તેઓએ ભૂલ સ્વીકારી ફરીથી સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાઘવજી ગડારાને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જણાવી ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં વિધાનસભાની મોરબી બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમા જોડાય રહ્યા છે. આજે મોરબી-માળિયામિંયાણા તાલુકાના કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા જિલ્લા પ્રભારી મંત્રી સૌરભ પટેલ, આઈ કે જાડેજાની આગેવાનીમાં તેમનો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માળિયામિયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે. પારેજીયા, મોરબી તાલુકા પંચાયતનાં સદસ્ય મણિલાલ બાવરવા, ભાનુભાઈ રાઠોડ સહિત 60 કોંગી કાર્યકરો જોડાયા હતા.

તેમના જોડાવાથી ભાજપની તાકાત વધશેઃ આઇ કે જાડેજા આજે મોરબી ખાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા, જિલ્લા પ્રભારી મેઘજી કંઝારિયા, મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજી ગડારા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા,પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મહામંત્રી હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા તથા ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજ પાંચોટિયા, કોંગ્રેસના આગેવાનો અને યુવાનોએ આજે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આઇ કે જાડેજાએ જણાવ્યું હતું કે, તેમના જોડાવાથી ભાજપની તાકાત વધશે તથા આગામી મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય એ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો (કિશન પરમાર, મોરબી)આઇ કે જાડેજાએ બ્રિજેશ મેરજાને ભૂલ સુધારવા કહ્યું હતું