Translate to...

બે દિવસ કાનપુરમાં છુપાયો હતો વિકાસ દુબે, ફરીદાબાદથી ફરાર

બે દિવસ કાનપુરમાં છુપાયો હતો વિકાસ દુબે, ફરીદાબાદથી ફરાર
કાનપુરના 8 પોલીસ કર્મચારીની હત્યાનો આરોપી વિકાસ દુબે હરિયાણાના ફરીદાબાદમાં પોલીસના હાથમાંથી બચીને ભાગી નીકળ્યો હતો. તે અહીં તેની ભાભીના માસીના ઘરે રોકાયો હતો. પોલીસે અહીંથી વિકાસના સાથી કાર્તિકેય ઉર્ફે પ્રભાતસિંહને ચાર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. શરણ આપવા માટે મકાનમાલિક શ્રવણ અને તેના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું કે પોલીસ કર્મચારીની હત્યા પછી વિકાસ કાનપુરમાં જ છુપાયો હતો.

વિકાસ દુબે પાંચ મિનિટ રસ્તા પર લંગડાતી ચાલે ચાલતો રહ્યો, ઓટોમાં ભાગી નીકળ્યોવિકાસ ફરીદાબાદમાં પહેલા હોટલ રિશેપ્સન અને પછી રસ્તા પર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. લંગડાઈને ચાલતો વિકાસ લગભગ 5 મિનિટ રસ્તા પર ઊભો હતો. આ દરમિયાન બે રિક્ષા ગઈ પણ તે થોભી નહોતી. જ્યારે તેની નજર સીસીટીવી પર પડી તો તે થાંભલાની આડમાં જતો રહ્યો હતો. પછી રિક્ષા પકડી ભાગી ગયો હતો.

બીજીબાજુ ઉત્તરપ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ હમીરપુરના મૌહદા ક્ષેત્રમાં બુધવારે સવારે 6:30 વાગ્યે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના સાથી અમર દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. એસટીએફ અને પોલીસે તેને મૌહદા કસ્બામાં ઘેરી લઇને આત્મસમર્પણ કરવા કહ્યું હતું પણ તેણે ભાગવાના પ્રયાસમાં ફાયરિંગ કરતા તેને પોલીસની ગોળી વાગી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઘવાયા. શાર્પશૂટર અમર વિકાસનો સંબંધી અને ખાસ સાગરીત હતો. તે વિકાસ માટે ધાકધમકીથી પૈસા પડાવવાનું અને દારૂના અડ્ડા પરથી વસૂલીનું કામ સંભાળતો હતો. 9 દિવસ પહેલાં જ તેના લગ્ન થયાં હતાં. કાનપુર પોલીસે તેના પર 50 હજાર રૂ. ઇનામ જાહેર કરેલું હતું. 3 જુલાઇએ વિકાસને પકડવા ગયેલા પોલીસ કાફલા પર અમરે પણ ધાબા પરથી ગોળીઓ ચલાવી હતી, જેમાં એસએસપી અને સ્ટેશન ઇનચાર્જ સહિત 8 પોલીસકર્મી શહીદ થયા હતા.

દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે મંગળવારે રાત્રે વિકાસ હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર 87ની એક હોટલમાં જોવા મળ્યો હતો. જોકે, પોલીસ ત્યાં પહોંચી તે પહેલાં વિકાસ હોટલ છોડી ચૂક્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તે માસ્ક સાથે બ્લેક પેન્ટ અને વાદળી ટી-શર્ટમાં જોવા મળ્યો હતો અને લંગડાતો ચાલતો હતો. તેના આઇડી પ્રૂફ પર તેનો ફોટો ઝાંખો હોવાથી હોટલમાં તેને રૂમ અપાઇ નહોતી. વિકાસના અન્ય સાથીઓ- શ્યામુ બાજપેયી, સંજીવ દુબે અને જહાન યાદવ પણ કાનપુરમાં અથડામણ બાદ પકડાઇ ગયા છે. ફરીદાબાદ પોલીસે પણ મંગળવારે રાત્રે 3 શખસની ધરપકડ કરી છે, જેઓ અંકુર, તેના પિતા શ્રવણ અને કાર્તિકેય તરીકે ઓળખાયા છે.

10 રાજ્યમાં તેમ જ નેપાળ બોર્ડર સુધી શોધખોળયુપી પોલીસની 40 ટીમ સહિત ઉત્તરાખંડ, દિલ્હી, મ.પ્ર. જેવાં 10 રાજ્યની પોલીસ વિકાસને શોધી રહી છે. બુધવારે પોલીસે બલરામપુરમાં નેપાળ બોર્ડર પર સઘન શોધખોળ અભિયાન હાથ ધર્યું. ગુરુગ્રામના પોલીસ કમિશનર કે. કે. રાવે જણાવ્યું કે ફરીદાબાદની હોટલના સીસીટીવી ફૂટેજ પરથી જણાય છે કે વિકાસ ઘાયલ છે અને લંગડાય છે. તે એકલો છે અને પ્રાઇવેટ ટેક્સી કે થ્રી-વ્હીલરમાં ફરી રહ્યો છે.

વિકાસ પરનું ઇનામ વધારીને 5 લાખ કરાયુંયુપીના અધિક મુખ્ય સચિવ અવનીશકુમાર અવસ્થીએ જણાવ્યું કે વિકાસ પરનું ઇનામ વધારીને 5 લાખ રૂ. કરાયું છે. તે પહેલાં 25 હજાર રૂ. હતું. પછી વધારીને 50 હજાર, 1 લાખ અને અઢી લાખ કરાયું હતું. દરમિયાન, બુધવારે સવારે વિકાસના ગામ બિકરુ પહોંચેલી એસટીએફની ટીમે તેના ઘરની બહારનો કૂવો ખાલી કરાવ્યો. કૂવામાં શસ્ત્રો છુપાવાયા હોવાની આશંકા છે.

ચૌબેપુરના સસ્પેન્ડેડ SHO વિનયની ધરપકડકાનપુરના ચૌબેપુરના સસ્પેન્ડેડ એસએચઓ વિનય તિવારી અને બીટ ઇનચાર્જ કે. કે. શર્માની પોલીસે બુધવારે ધરપકડ કરી. બંને સામે ગયા ગુરુવારે વિકાસના ગામ બિકરુમાં તેને પકડવા તેના ઘરે ગયેલા પોલીસ કાફલાનો જીવ જોખમમાં મૂકવાનો, અધવચ્ચેથી ભાગી જવાનો અને વિકાસને પોલીસ કાફલો તેના ઘરે આવી રહ્યો હોવાની જાણ કરી આપવાનો આરોપ છે. તિવારી પોલીસ કાફલામાં સૌથી પાછળ રહ્યા હતા અને તેનો વાળ પણ વાંકો નહોતો થયો.વિકાસ દુબે ફરીદાબાદમાં પહેલા હોટલ રિશેપ્સન અને પછી રસ્તા પર સીસીટીવી કેમેરામાં કેદ.