બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ 92/4, પાકિસ્તાનથી 234 રન પાછળ, શાન મસૂદ 156 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. મેચમાં બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે 4 વિકેટે 92 રન કર્યા છે. ઇંગ્લેન્ડના ઓલી પોપ 46 અને જોસ બટલર 15 રને અણનમ છે. અગાઉ પાકિસ્તાન પ્રથમ દાવમાં 326 રનમાં ઓલઆઉટ થયું હતું અને યજમાનથી હજી 234 રન આગળ છે.

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં નબળી શરૂઆત કરી હતી અને 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ 62 રને પડી હતી. પ્રથમ રોરી બર્ન્સ (4 રન) ને શાહીન આફ્રિદીએ એલબીડબ્લ્યુ કર્યો હતો. આ પછી, મોહમ્મદ અબ્બાસે ડોમ સિબ્લી (8 રન) ને એલબીડબ્લ્યુ અને ત્યારબાદ બેન સ્ટોક્સને શૂન્ય પર બોલ્ડ કર્યો. જો રૂટે 14 રન બનાવ્યા હતા, તે યાસિર શાહની બોલિંગમાં કીપર મોહમ્મદ રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો.

શાન અને શાદાબ વચ્ચે 105 રનની ભાગીદારી

પાકિસ્તાનના ઓપનર શાન મસૂદે કરિયરની ચોથી અને સતત ત્રીજી સદી મારી. તે કરિયરના શ્રેષ્ઠ સ્કોર 156 રને સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.તેના સિવાય બાબર આઝમે 69 અને શાદાબ ખાને 45 રન કર્યા હતા.શાને બાબર સાથે ત્રીજી વિકેટ માટે 96 અને ખાન સાથે છઠ્ઠી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડે 3-3, જ્યારે ક્રિસ વોક્સે 2, જેમ્સ એન્ડરસન અને ડોમિનિક બેસે 1-1 વિકેટ લીધી હતી.મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર આબિદ અલી 16 રને આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.તે પછી વોક્સે પાકિસ્તાની કેપ્ટનને શૂન્ય રને એલબીડબ્લ્યુ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.

શાન મસૂદ અને શાદાબ ખાને છઠ્ઠી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.