બહેનની વ્યથાઃ 3 વર્ષ બાદ રાખડી બાંધુ તે અગાઉ જ કોરોના ભાઈને ભરખી ગયો

બહેનની વ્યથાઃ 3 વર્ષ બાદ રાખડી બાંધુ તે અગાઉ જ કોરોના ભાઈને ભરખી ગયો



કોરોના કેટલાય સંબંધોને ભરખી ગયો છે. ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં એક બહેન પોતાના ભાઈને 3 વર્ષ બાદ રાખડી બાંધે તેના 22 દિવસ અગાઉ જ કોરોનાની સારવાર દરમિયાન ભાઈનું મૃત્યું થયું. જેથી બહેન અને પરિવાર માટે જાણે શોક છવાયો છે. ભરતભાઈ રાવલનું કોરોના સારવાર દરમિયાન અવસાન થતાં બહેન યોગીની સહિત પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયું છે. બહેન યોગીની કહે છે કે, અબોલા પછી 3 વર્ષ બાદ ભાઈ સાથે વાતચીત થઈ અને 10 દિવસમાં જ કુદરતે ભાઈને છીનવી લીધો, વિધાતા આટલા નિર્દય ન હોય શકે, પણ વિધાતાના લેખ સામે તો ભગવાન પણ લાચાર હોય તો મનુષ્ય કેમ નહી.દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ભાઈ જેવા ભગવાનને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી રહી ને જ્યારે મહામારીની સંક્રમણમાં મારી રાખડીની રક્ષા તેના સુધી પહોંચે તે અગાઉ જ ભાઈ અલવીદા કહીને જતાં રહ્યાં..

ભાઈ કહેતા ઝડપથી સાજો થઈ તને મળીશ યોગીનીબહેન રાજપૂતે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારના 22 દિવસ પૂર્વે જ ભાઈના મોતથી જીવન અંધકારમય બની ગયું હોય એવો અહેસાસ થાય છે. પાંચ ભાઈ બહેનમાં ભરતભાઈની હું સૌથી લાડકી બહેન હતી. પરંતુ અમારી વચ્ચે ત્રણેક વર્ષ પહેલા નાનકડી વાતથી શરૂ થયેલા અબોલા દરમિયાન હું રક્ષાબંધન વખતે મારા ભાઈને ભુલી ન શકતી. હું ભગવાનને રાખડી બાંધતી. તેમને કોરોના થયાની જાણ થતાં જ મેં બધુ ભુલી જઈને ભાઈને ફોન કર્યો..હિંમત આપી..ભાઈએ કહ્યું કે, તું ચિંતા ન કરીશ. હું ઝડપથી સાજો થઈને આવીશ અને તને મળીશ. ત્યારબાદ ઘણી વાત થઈ આવી રીતે 3 વાર ટેલિફોનિક વાત થઈ પણ મળી ન શકી નહીં તેનું આજે પણ ખૂબ દુઃખ થાય છે.

ભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરતી મોઢામાંથી માત્ર ભાઈની આયુષ્યને લઈ જપ અને પ્રાર્થના જ નીકળતી હોવાનું કહેતા યોગનીબહેને ઉમેર્યું કે,3 જુલાઈએ ભાઈને કોરોનાના લક્ષણો દેખાયા હતાં. 2-3 દિવસ ફેમિલી ડૉક્ટરની સારવાર કરાવી હતી.રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક બે દિવસ સિવિલમાં ત્યારબાદ 4 દિવસ ભટારની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર પછી 3 દિવસ મૈત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. પરંતુ અમારી દુવા કે તબીબોની દવા કામ ન લાગી.

આ વખતે રક્ષાબંધન અનોખું બનાવવું હતું ત્રણેક વર્ષથી ભાઈ સાથે રક્ષાબંધન ઉજવ્યું નહોતું. પરંતુ આ વખતે ભાઈ હોસ્પિટલથી આવે એટલા માટે મેં તો ભાઈ સાથે થયેલી છેલ્લી વાતચીત બાદ રક્ષાબંધનને નવી રીતે ઉજવવાનું આયોજન કરી લીધું હતું. પરંતુ વિધાતાને એ મંજૂર ન હોય તે રીતે રક્ષાબંધનના 22 દિવસ પૂર્વે જ કુદરતે ભાઈને છીનવી લીધો છે. મારી મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ છે.

છેલ્લી વાર તેનો ચહેરો પણ ન જોઈ શકી યોગીતાબહેને કહ્યું કે, ભાઈ સીએની ઓફિસમાં કામ કરતાં હતાં. અમે બન્ને બહેનો તે દિવસે સાથે હતી અને ફોનની જે રીંગ વાગી તેમાં આવેલા ભાઈના મોતના સંદેશાએ અમને દુઃખના દરિયામાં ધકેલી દીધા હતાં.મારી બહેને રડતાં.. રડતાં ભાઈ..ભાઈ..ભાઈ કહ્યું, હું સમજી ગઈ હતી કે, કઈ અનહોની થઈ છે.. ને જેવું મેં દબાણ સાથે પૂછ્યું કે, શું થયું જલ્દી બોલ.. એટલે મને જાણવા મળ્યું મારો ભાઈ અમને અલવિદા કરી ગયો, બસ મારા હોશ ઉડી ગયા હતા, કઈ ભાન રહ્યું ન હતું, શુ કરું શુ ના કરું.. એ વચ્ચે મેં બસ એટલી જ વિનંતી કરતી રહી મને મારા ભાઈ પાસે લઈ જાવ, છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉ પણ પણ બધા જ લાચાર હતાં.

ભગવાન કોઈનો ભાઈ ન છીનવે અમે ત્રણ બહેનો અને 2 ભાઈઓમાં આ મારા સૌથી મોટાભાઈ હતા અને હું એમની લાડકી બહેન હતી.આ રક્ષાબંધન પહેલા મારા જેવી અનેક બહેનો હશે જેમણે ભાઈ ગુમાવ્યા હશે. અનેક ભાઈઓ હશે જેમણે બહેન ગુમાવી હશે, હું ભગવાનને એક જ પ્રાથના કરીશ કે હવે અમને આ મહામારીમાંથી ઉગાર અને લોકોને એક જ સંદેશો આપીશ કે, ભાઈ ગુમાવવાનું દુઃખ મારા જેવી બહેનો સિવાય કોણ વધારે સમજી શકે.. બસ લોકોને એક જ વિનંતી છે ઘરમાં રહો અને સુરક્ષિત રહો, કોરોના વાઇરસની સંક્રમણ કોઈ સંબંધ જોતો નથી.







બહેનની રાખડી રક્ષા કરે તે અગાઉ કોરોનાએ ભાઈને છીનવી લીધો