‘પૈસાના ભૂખ્યા હેવાનો, જોઈએ એટલા પૈસા લઈ લો, મારી પત્ની પાછી લાવો’

‘પૈસાના ભૂખ્યા હેવાનો, જોઈએ એટલા પૈસા લઈ લો, મારી પત્ની પાછી લાવો’ખેરાલુનાં જ્યોતિબેન સિંધી શનિવારે શ્વાસની તકલીફને લીધે શ્રેય હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, પરંતુ શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થતી હોવાથી તેમને ચોથા માળે આઈસીયુમાં લઈ જવાયાં હતાં. રાત્રે 12 વાગે તેમના પતિ વિષ્ણુભાઈ અને દિયર પરેશભાઈ હોસ્પિટલથી નીકળીને સામે આવેલી સફારી હોટેલમાં સૂવા ગયા હતા. જ્યોતિબેનની તબિયત સારી હતી. તેમણે વીડિયો કોલ પર વાત પણ કરી હતી, પરંતુ રાત્રે 3.30 વાગ્યે લાગેલી આગ અંગે વિષ્ણુભાઈનાં સગાંએ ફોન પર સમાચાર આપ્યા હતા, જેથી તેઓ તરત જ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વિષ્ણુભાઈએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘પૈસાના ભૂખ્યા હેવાનો જોઈએ એટલા પૈસા લઈ લો, મારી પત્ની પાછી લાવો.’

જ્યારે જ્યોતિબેનના દિયર પરેશભાઈએ કહ્યું કે, બુધવારે હોસ્પિટલે અમારી પાસે તાત્કાલિક 3 લાખ 50 હજાર ભરાવડાવ્યા હતા. પૈસા માટે વારંવાર ફોન કરે છે, ઘટનાની જાણ કરતા નથી. હોસ્પિટલની બેદરકારી સહન નહિ કરીએ, કાનૂની લડાઈ લડીશું.

લીલાવતીબેને વીડિયો કોલ કરી કહ્યું હતું, મારે ઘરે આવવું છે આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારાં લીલાવતીબેન શાહ 11 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતાં. તેમના પરિવારજનોએ કહ્યું કે, આગલી રાતે જ તેમણે વીડિયોકોલ પર પુત્ર સાથે વાત કરી હતી, જેમાં લીલાવતીબેને કહ્યું હતું કે, મારે ક્યારે ઘરે આવવાનું છે? મારે ઘરે આવી જવું છે? ત્યારે તેમના પુત્રે કહ્યું હતું કે, આવતી કાલે તમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના છે, ત્યાર પછી ડિસ્ચાર્જ અપાશે. જોકે તે પહેલાં જ આગની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રણ દિવસ પહેલાં જ તેમના પતિ ચંદ્રકાંત શાહ આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા.શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોનું આક્રંદ.