Translate to...

પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- 2007માં સૌથી વધારે રન બનાવ્યા હતા, તેમ છતાં મને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, આજ સુધી આ વાત સમજી શક્યો નથી

પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- 2007માં સૌથી વધારે રન બનાવ્યા હતા, તેમ છતાં મને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, આજ સુધી આ વાત સમજી શક્યો નથી
BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકીર્દિ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, હું હજી સુધી સમજી શક્યો નથી કે 2007માં સૌથી વધુ રન બનાવ્યા છતાં મને વનડે ટીમમાંથી કેમ બહાર કરી દેવામાં આવ્યો હતો. ગાંગુલીએ બંગાળી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

તેણે કહ્યું કે આ નિર્ણય આશ્ચર્યજનક હતો. જ્યારે તે કેલેન્ડર વર્ષમાં મેં સૌથી વધુ રન બનાવ્યા ત્યારે મને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તમારું પ્રદર્શન ભલેને ગમે તેટલું સારું હોય, જો તમારી પાસેથી પ્લેટફોર્મ છીનવી લેવામાં આવે તો તમે શું સાબિત કરશો? અને તમે કોને સાબિત કરશો?2007માં આવું જ થયું હતું.

જો હું 2008માં નિવૃત્ત થયો હોત તો પછીની સીરિઝમાં રન ફટકારત:ગાંગુલી

પૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, જો મને વધુ બે વનડે સીરિઝ મળત તો મેં વધુ રન બનાવ્યા હોત. જો હું નાગપુર 2008માં નિવૃત્ત ન થયો હોત તો મેં આગામી બે સીરિઝમાં પણ રન કર્યા હોત.

જો મને પ્રેક્ટિસ કરવાની તક મળે તો હું હજીપણ ભારત માટે રન બનાવી શકું છું

ગાંગુલીએ કહ્યું કે જો તેને પ્રેક્ટિસ કરવાની તક મળે તો તે ભારત માટે હજી પણ રન બનાવી શકે છે. તેણે દાવો કર્યો કે હજી પણ મને ટ્રેનિંગ માટે 3 મહિનાનો સમય આપો, મને 3 રણજી ટ્રોફી મેચ રમવા દો, હું ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે રન બનાવી શકું છું.

ગાંગુલીને 2007ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો

કોચ ગ્રેગ ચેપલ સાથેના વિવાદના પગલે 2005માં ગાંગુલીનેકપ્તાની ગુમાવી પડી હતી, તેમજ ટીમની બહાર થયો હતો. જોકે, તેણે 2006માં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી જોરદાર વાપસી કરી અને સતત રન બનાવ્યા. તેમ છતાં, તેને અને રાહુલ દ્રવિડને 2007-08 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેના એક વર્ષ પછી ગાંગુલીએ નિવૃત્તિ લીધી હતી. જોકે, ગાંગુલી 2012 સુધી IPL રમ્યો હતો.

ગાંગુલીએ ટેસ્ટ અને વનડેમાં કુલ 38 સદી ફટકારી

ગાંગુલીએ 113 ટેસ્ટમાં 42.17ની એવરેજથી 7212, જ્યારે 311 વનડેમાં 41.02ની એવરેજથી 11363 રન બનાવ્યા હતા. ગાંગુલીએ વનડેમાં 22 અને ટેસ્ટમાં 16 સદી ફટકારી હતી.

ગાંગુલીએ કહ્યું- જ્યારે મેં કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવ્યા ત્યારે મને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તમારું પ્રદર્શન ભલેને ગમે તેટલું સારું હોય, જો તમારી પાસેથી પ્લેટફોર્મ છીનવી લેવામાં આવે તો તમે શું સાબિત કરશો?