Translate to...

પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યું- સુનિલ ગાવસ્કરના 10 હજાર રન આજના 16 હજાર રન બરાબર છે




પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરના વખાણ કર્યા છે. ઇન્ઝમામે કહ્યું કે, જ્યારે ગાવસ્કરે ટેસ્ટમાં 10,000 રન બનાવ્યા ત્યારે તે એક અલગ તબક્કો હતો. તેના રન આજે 16 હજાર કે તેથી વધુના બરાબર છે.

ઘણા મહાન ખેલાડીઓ 10 હજાર રન સુધી પહોંચી શક્યા નહીં

ઇન્ઝમામે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "ઘણા મહાન ખેલાડીઓ તેના (ગાવસ્કર) યુગમાં રમ્યા છે અને તે પહેલાં પણ. તે સમયે જાવેદ મિયાંદાદ, વિવિયન રિચાર્ડ્સ, ગેરી સોબર્સ અને સર ડોન બ્રેડમેન જેવા ખેલાડીઓ રમ્યા હતા, પરંતુ કોઈએ તે સ્કોર (10,000 રન) સુધી પહોંચવાનો વિચાર કર્યો ન હતો. આજના સમયમાં પણ જ્યારે ખૂબ વધારે ક્રિકેટ રમાઈ છે, ત્યારે કોઈ એવો ખેલાડી નથી કે જે આ સ્કોર સુધી પહોંચ્યો હોય."

આજે બેટ્સમેન માટે વિકેટ તૈયાર કરવામાં આવે છે, પહેલા આવું નહોતું થતું

ઇન્ઝમામે કહ્યું કે, "જો તમે મને પૂછશો તો હું કહીશ કે સુનીલના તે સમયગાળાના 10 હજાર રન આજે 15થી 16 હજાર રનની બરાબર છે. તે આ (16 હજાર) કરતા વધારે હોઈ શકે છે, પરંતુ કોઈપણ રીતે તેનાથી ઓછા નથી. જો તમે (બેટ્સમેન તરીકે) સારા ફોર્મમાં છો, તો તમે એક સીઝનમાં 1 હજારથી 1500 રનનો સ્કોર કરો છો, પરંતુ ગાવસ્કરના સમયે આવું નહોતું. આજે વિકેટ બેટ્સમેન માટે તૈયાર છે અને ICC પણ એવું ઇચ્છે છે કે જેથી ચાહકોનું મનોરંજન થઈ શકે."

ત્યારે ગાવસ્કર 10 હજારટેસ્ટ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી હતો

ગાવસ્કરે 125 ટેસ્ટમાં 51.12ની સરેરાશથી 10122 રન બનાવ્યા છે. તેમાં 34 સદી અને 45 અડધી સદીનો પણ સમાવેશ છે. ગાવસ્કરના 108 વનડેમાં 3092 રન છે. તેણે પાકિસ્તાન સામે 1987ની અમદાવાદ મેચમાં ટેસ્ટમાં તેના 10,000 રન પૂરા કર્યા હતા. ગાવસ્કર ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી હતો.





ઇન્ઝમામે કહ્યું, ઘણા મહાન ખેલાડીઓ ગાવસ્કરના યુગમાં રમ્યા છે, પરંતુ કોઈએ 10 હજાર ટેસ્ટ રન કરવાનો વિચાર કર્યો નહોતો.