કોંગ્રેસમાંથી લોકોને લાવીને આપણે જીતાડવાના નથી, તેવું આશ્ચર્યજનક નિવેદન કરીને સૂરતમાં ભાજપના કાર્યકર્તાઓની તાળીઓનો ગડગડાટ જીતનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બીજા જ દિવસે ભાજપ વિરોધી ખેડૂત સમાજના જયેશ પટેલને ભાજપમાં આવકાર્યા. પોતે જે બોલ્યા તેનાથી તદ્દન જુદું જ કામ જોઇને અગાઉ તાળી પાડનારા કાર્યકર્તાઓ હવે મોંમાં આંગળા નાખી ગયા છે.
મૂળમાં ભાજપના અને વર્તમાન સુમૂલ ડેરીના ચેરમેન રાજુ પાઠક પર લાગેલા કરોડોના કૌભાંડના આક્ષેપ કરનારા ભાજપના જ ભૂતપૂર્વ સાંસદ માનસિંહ પટેલનો અવાજ શાંત કરવા માટે જયેશ પટેલને ભાજપમાં શામેલ કરી લેવાયા હોવાનું પક્ષના સૂત્રો જણાવે છે. જયેશ પટેલ પણ માનસિંહ સાથે હતા અને આઠમી ઓગસ્ટે યોજાનારી સુમૂલ ડેરીના બોર્ડની ચૂંટણીને લઇને આ આખી ગોઠવણ પાર પાડવામાં આવી છે. આ રીતે પાઠકની સામે પડનારા માનસિંહ પટેલને પણ આ વ્યૂહથી શાંત કરી દેવાયા છે અને ભાજપ પ્રેરિત પેનલ વિજયી થાય તે માટે ભાજપ વિરોધી વ્યૂહ અપનાવનારા જયેશ પટેલને હવે કેસરી ખેસ પહેરાવી દેવાયો છે.
ગાંધીનગરમાં સવારે આ કામ આટોપ્યા બાદ સી આર પાટીલે સાંજે ભાજપ ઓફિસ પર યોજાયેલી બેઠકમાં હાજરી આપીને કોંગ્રેસના પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યોને હવે ભાજપ તરફથી પેટાચૂંટણીમાં ટિકીટો આપી જીતાડવા માટેના વિષય પર ચર્ચા પણ કરી.
ભાજપના હાથ મજબૂત થશેઃ પાટીલ જયેશ પટેલના ભાજપ પ્રવેશ અંગે પાટીલે કહ્યું કે તેઓ અનુભવી છે અને તેથી તેમના ભાજપમાં જોડાવાથી ભાજપના જ હાથ મજબૂત થશે. ભાજપના લાખો કાર્યકર્તાઓ કામ કરી જ રહ્યા છે એટલે કોંગ્રેસ ભયભીત બની છે.
જયેશ પટેલને ભાજપમાં આવકારતા સી.આર. પાટીલ.