પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અલાર્મ અને લાઈટથી અલર્ટ કરે તેવું ડિવાઈસ બનાવ્યું

પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અલાર્મ અને લાઈટથી અલર્ટ કરે તેવું ડિવાઈસ બનાવ્યું



કોરોનાથી બચવા લોકોને માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું વારંવાર કહેવામાં આવી રહ્યું છે. આ મહામારીથી બચવા માટે આ નિયમોનું ધ્યાન રાખવું જ પડશે તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરવાનું ભૂલી જાય છે. દિલ્હીમાં રહેતા ધોરણ 5ના વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવા પર અલાર્મ વગાડીને અલર્ટ કરે તેવું ડિવાઈસ બનાવ્યું છે.

દિલ્હીમાં શાલીમાર બાગમાં આવેલી મોડર્ન પબ્લિક સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતા હિતેન ગૌતમે મીડિયાને કહ્યું કે, આ ડિવાઈસ યુઝરને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ 10 સેમી કે તેનાથી ઓછા અંતરમાં નજીક આવે તો ડિવાઈસ સાઉન્ડ અને LED લાઈટથી સતર્ક કરે છે. ડિવાઈસનો ઉપયોગ પહેરી શકાય તેવી વસ્તુઓ, ડોરબેલ અને સ્વિચ કે અન્ય કોઈ જાહેર વસ્તુઓમાં કરી શકાય છે. જે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો ન થતું હોય તે બધી જગ્યાએ આ મદદગાર સાબિત થશે.

9 વર્ષના હિતેને 5 દિવસમાં ડિવાઈસ બનાવ્યું છે, જેમાં તેણે પેરેન્ટ્સ અને ટીચરની મદદ લીધી. હિતેનને પહેલેથી વિજ્ઞાન વિષયમાં વધારે રસ છે. તે યુટ્યુબમાં પણ વિજ્ઞાનને લગતા વીડિયો જોતો રહે છે. ભવિષ્યમાં હિતેનને વૈજ્ઞાનિક બનવું છે. તેણે કહ્યું કે, હું યુટ્યુબ પર અલ્ટ્રાસોનિક ડિવાઈસ સાથે સંકળાયેલા વીડિયો જોતો હતો, જે હાઈ ફ્રિકવન્સી ધરાવતો લાઉડ નોઈસ ઉત્પન્ન કરી શકે. સ્કૂલમાં સરકાર દ્વારા સંચાલિત અટલ ટિન્કર લેબમાં ડિવાઈસ બનાવ્યું જ્યાં મારા સિનિયર વિદ્યાર્થીઓએ પણ મને મદદ કરી.

જો કે, હજુ આ ડિવાઈસને લોન્ચ કર્યું નથી કે તેના માટે કોઈ કમર્શિયલ ટાઈ અપ પણ કર્યું નથી. હિતેનના પિતા ચા અને કોફીનું વેડિંગ મશીન બનાવે છે અને તેની માતા સરકારી સ્કૂલમાં શિક્ષક છે. હિતેનની માતા જ્યોતિ શાહરાજાએ કહ્યું કે, મારા દીકરાને હંમેશાં ઇલેક્ટ્રિોનિક ડિવાઈસ અને ગેજેટ્સને લઇને ઘણો રસ છે. તે નાનો હતો ત્યારથી વેડિંગ મશીનો સાથે રમતો હતો અને પોતાના દરેક રમકડાંને ખોલીને મૂકી દેતો હતો.







Meet Hiten Gautam, a student of class 5th who invented a device to maintain social distancing, the devices alarms to maintain safe distance