પર્યુષણ પર્વમાં મિચ્છા મી દુક્કડમ ટેલિફોનથી કરજો, સંઘ જમણની પરંપરા આ વર્ષે બંધ રાખવી

પર્યુષણ પર્વમાં મિચ્છા મી દુક્કડમ ટેલિફોનથી કરજો, સંઘ જમણની પરંપરા આ વર્ષે બંધ રાખવીકોરોનાને કારણે હાલ સરકારે તમામ ધાર્મિક આયોજનો પર પાબંધી લગાવી છે ત્યારે આગામી તારીખ 15 ઓગસ્ટથી જૈનોના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે જૈનો કેવી રીતે પર્યુષણ પર્વ મનાવશે તે અંગે ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજીસ્વામી અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે આદેશ આપ્યો છે. જૈનોમાં પર્યુષણ પર્વનુ અનેરું મહત્ત્વ હોય છે. ઉપાશ્રય તથા દેશના દરેક ધર્મ સ્થાનકોમાં ભક્તિ સભર આયોજનો થતા હોય છે.આ વખતે કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીએ કહ્યું કે, સૌ ભાવિકોએ ઘેર રહીને જ સૌને મિચ્છામિ દુક્કડમ કરવું તથા નમ્રમુનિ મહારાજે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં પર્યુષણ પર્વમાં ઉપાશ્રયોમાં કોઈ પણ આયોજન કરવા હિતાવહ નથી.

પ્રત્યક્ષ કોઈને ખમાવવા કે દર્શન યાત્રાએ પણ ન જવું: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સાધુ-સાધ્વીજીઓ પણ સંક્રમિત થવા લાગ્યાં છે. પર્યુષણ મહાપર્વના દિવસોમાં સૌ ભાવિકો પોતપોતાના ઘરે રહીને ક્રિયા, અનુષ્ઠાન, ધર્મ ધ્યાન કરવા. કોરોનાના અશાતાના કપરા સમયે ભાવિકોની ભીડ એકત્રિત થાય તે ઉચિત નથી તે બાબત જૈન અગ્રણીઓએ લક્ષમાં લેવી. સૌને શાતા રહે તે લક્ષે ઘરે રહીને ધર્મમાં સૌએ ઓતપ્રોત રહેવું. જૈનોના પર્યુષણ પર્વ પૂરા થયા બાદ સંઘજમણ કરવાની પરાપૂર્વથી પરંપરા ચાલે છે જેનું અનેરું મહત્ત્વ છે. આ વર્ષે સંઘજમણના આયોજનનો બંધ રાખવા. ક્ષમાપના-મિચ્છામિ દુક્કડમ સૌએ ઘરે રહીને ભાવથી કરી લેવું. પ્રત્યક્ષ કોઈને ખમાવવા કે દર્શન યાત્રાએ પણ ન જવું.

કોરોના સંક્રમણમાં નિમિત્ત બનવાથી જીવ હિંસાનું પાપ લાગશે: નમ્રમુનિ મહારાજ કોરોનાના કહેર વચ્ચે પર્યુષણ પર્વના દિવસોમાં ઘરને જ ઉપાશ્રય બનાવવું સ્વ પર હિતકારી છે. વર્તમાન સમયમાં ઘરને જ ઉપાશ્રય અને ધર્મ આરાધના સ્થાન બનાવવાનો સમય છે.પર્યુષણ મહાપર્વમાં પ્રાર્થના, સામાયિક, પ્રતિક્રમણ સહિત તપ - જપની આરાધના સૌ ભાવિકોએ ઘરે રહીને જ કરવી. કારણ કે, કોરોના સંક્રમણમાં નિમિત્ત બનવાથી પણ જીવ હિંસાનું પાપ લાગશે. કોરોના મહામારી વચ્ચે અત્યારે સંઘજમણ સહિત કોઈપણ આયોજનો ન કરવા જોઈએ. અત્યારે સાધર્મિક સહાયનો આ સમય છે અનુકૂળતા હોય તેઓ ઓનલાઈન પ્રવચનનું શ્રવણ પણ કરી તપ - જપમાં ભાવથી જોડાઈ શકે છે.પ્રતિકાત્મક તસવીર.