નિર્ણય લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને એક મહિનાનો વધુ સમય આપ્યો, કોરોનાના કારણે સરકાર છ મહિના ઈચ્છતી હતી

નિર્ણય લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને એક મહિનાનો વધુ સમય આપ્યો, કોરોનાના કારણે સરકાર છ મહિના ઈચ્છતી હતી



આર્મીમાં મહિલાઓને બરોબરીના હક્કનો નિર્ણય લાગુ થવામાં હજું વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. કોરોનાના કારણે સરકારે છ મહિના માંગ્યા હતા. કેન્દ્ર સરકારે રક્ષા મંત્રાલય દ્વારા કોર્ટને કહ્યું કે પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. માત્ર ઔપચારિક આદેશ બહાર પાડવાનો બાકી છે.

17 વર્ષની કાયદાકીય લડાય પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં આર્મીમાં મહિલાઓને બરોબરીનો હક મળવાનો રસ્તો સાફ થયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જેઓ આ વિકલ્પને પસંદ કરવા ઈચ્છતી હોય, તેવી તમામ મહિલા અધિકારીઓને ત્રણ મહિનાની અંદર આર્મીમાં કાયમી કમીશન આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આર્મીમાં 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશન (SSC)માં સેવા આપી ચૂકેલા પુરુષોને જ સ્થાયી કમીશનનો વિકલ્પ મળતો હતો, પરંતુ મહિલાઓને આ હક ન હતો. બીજી તરફ વાયુસેના અને નૌસેનામાં મહિલા અધિકારીઓને આ સ્થાયી કમીશન મળી રહ્યું છે.

હાલ શું સ્થિતિ છે?મહિલાઓ શોર્ટ સર્વિસ કમીશન દરમિયાન આર્મી સર્વિસ કોર, ઓર્ડિનેંસ, એજ્યુકેશન કોર, એડવોકેટ જનરલ, એન્જિનિયર, સિગ્નલ, ઈન્ટેલિજેન્સ, અને ઈલેક્ટ્રિક્સ-મિકેનિકલ એન્જિનિયર બ્રાન્ચમાં જ એન્ટ્રી લઈ શકતી હતી. તેને કોમ્બેટ સર્વિસિસ જેવી ઈન્ફેન્ટ્રી, આર્મ્ડ, તોપખાનું અને મેકનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રીમાં કામ કરવાની તક અપાતી ન હતી. જો કે મેડીકલ કોર અને નર્સિંગ સર્વિસિસમાં આ નિયમ લાગુ ન હતો. તેમા મહિલાઓને કાયમી કમીશન મળે છે. તે લેફ્ટનેન્ટ જનરલની પોસ્ટ સુધી પણ પહોંચી છે.







17 વર્ષની કાયદાકીય લડાઈ પછી સેનામાં મહિલાઓને બરોબરીનો હક્ક મળ્યો છે.- ફાઈલ તસવીર.