Translate to...

નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી અંતિમ વિધિ અટકી, પોલીસકર્મીએ રૂ.1500ની મદદ કરીને અગ્નિ સંસ્કાર કરાવ્યા

નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી અંતિમ વિધિ અટકી, પોલીસકર્મીએ રૂ.1500ની મદદ કરીને અગ્નિ સંસ્કાર કરાવ્યા



વડોદરા શહેરના પોલીસકર્મીની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાનાભાઇની અંતિમ વિધિ માટે મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મીએ 1500 રૂપિયા સાથેનું વોલેટ આપી દીધું હતું. પોલીસ જવાન પાસેથી મળેલી આર્થિક મદદ બાદ મોટાભાઇએ પોતાના નાનાભાઇની અંતિમ વિધિ કરી હતી.

વરસતા વરસાદમાં ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં મૃત્યુ થયું વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે નીચે રહેતા રાજેશભાઇ કાંતિભાઇ પરમાર(ઉં.45) અને ઓમ રેસિડેન્સીના એક બંગલામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. સોમવારે સાંજના સમયે તેઓ વરસતા વરસાદમાં નીકળ્યા હતા. અને વડસર તળાવ પાસે અચાનક તેઓનું મોત નીપજ્યું હતું. વડસર તળાવ પાસે રસ્તા ઉપર પડેલી લાશ જોઇને કલ્પેશભાઇ નામના વ્યક્તિએ માંજલપુર પોલીસને જાણ કરી હતી.

મોટાભાઇએ નાનાભાઇના મૃતદેહની ઓળખ કરી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મી પ્રભાતભાઇ તુરંત જ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને સ્થળ પરથી પ્રાથમિક વિગતો મેળવી મૃતકના પરિવારજનોની તપાસ કરી હતી. જેમાં તેઓને મરનાર વ્યક્તિના મોટાભાઇ સુરેશભાઇ કાંતિભાઇ પરમાર(ઉં.53) વડસર બ્રિજ પાસે આવેલ ઓમ રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા હોવાની વિગત મળી હતી. તુરંત જ તેઓને બોલાવીને લાશ ઓળખાવતા તેઓએ પોતાનો નાનોભાઇ રાજેશ હોવાનું જણાવ્યું હતું. આ સાથે અન્ય પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. અને તેઓએ પણ મૃતક રાજેશ હોવાનું જણાવ્યું હતું.

પોલીસની તપાસમાં રાજેશભાઇનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાયુ પોલીસે રાજેશભાઇ પરમારના મોત અંગેની હકીકત મેળવવા માટે મોટાભાઇ તેમજ પરિવારજનોએ પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં પણ રાજેશભાઇનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તમામ કાર્યવાહી પૂર્ણ કરીને રાજેશની લાશ પરિવારજનોએ સોંપી હતી.

મૃતદેહ લીધા બાદ પરિવાર પાસે અંતિમ વિધિ માટે નાણાં નહોતા લાશ લીધા બાદ પરિવારજનો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. પૈસા ન હોવાથી રાજેશભાઇની અંતિમ વિધિ કેવી રીતે કરવી? મનોમન મુંઝાઇ રહેલા મૃતક રાજેશભાઇના મોટાભાઇ સુરેશભાઇએ પોલીસકર્મી પ્રભાતસિંહને જણાવ્યું કે, સાહેબ...મારી પાસે મારા ભાઇની અંતિમ વિધિ માટે પૈસા નથી. પોલીસકર્મીએ કોઇ પણ જાતનો સામે પ્રશ્ન કર્યા વિના પોતાના ખિસ્સામાંથી પોતાનું વોલેટ કાઢી સુરેશભાઇને આપી દીધું હતું અને જણાવ્યું કે, પર્સમાં રૂપિયા 1500 છે. આટલા રૂપિયાથી તમારા ભાઇની અંતિમ વિધી પતાવી દો.

પોલીસની મદદથી પરિવારે અંતિમ વિધિ કરી પોલીસકર્મી પ્રભાતસિંહે કરેલી મદદથી ગદગદ થઇ ગેયલા સુરેશભાઇ અને તેમના પરિવારે મૃત્યુ પામેલા રાજેશભાઇ પરમારના મૃતદેહને લઇ જઇ અંતિમ વિધિ પૂરી કરી હતી. નોંધનીય બાબત એ છે કે, પોલીસ તંત્રમાં હજી પણ એવા અનેક પોલીસ જવાનો છે. જેઓ હેડ કોન્સ્ટેબલ જેવી માનવતા દાખવી રહ્યા છે. અને તેથી જ પોલીસ પ્રજાનો રક્ષક છે, તે સુત્ર ટકી રહ્યું છે.







મોટાભાઇ અને નાનાભાઇનો મૃતદેહ અને મદદ કરનાર હેડ કોન્સ્ટેબલ