થલતેજની ઉદગમ સ્કૂલની દાદાગીરી, ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ, વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કર્યા

થલતેજની ઉદગમ સ્કૂલની દાદાગીરી, ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ, વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કર્યા



શહેરના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને તેઓને સ્કૂલના વોટ્સએપ ગ્રૂપમાંથી પણ રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલની દાદાગીરીને પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. એકતરફ રાજ્ય સરકાર અને હાઇકોર્ટે પણ સ્કૂલન ખુલે ત્યાં સુધી ફી લેવા પર રોક લગાવી છે તો બીજી બાજુ ઉદગમ સ્કૂલ મનમાની કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગે શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં લેવાનો પરિપત્ર કર્યા બાદ શિક્ષણ બંધ કરનાર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત બાદ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ સોમવારથી એટલે કે આજથી ઓનલાઇન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો છે.

ફી ભરી છે છતાં મને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કર્યોઃ વાલી આ અંગે એક વાલીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મેં ફી ભરી છે છતાં મને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાંખવામાં આવ્યો છે. આ બાબતે સ્કૂલ મેનેજમેન્ટને પૂછતાં તેઓ કહે છે કે અમારી સિસ્ટમમાં સ્કૂલ ફી દેખાય તો જ અમે હવે એડ કરીશું.

ઉદગમ સ્કૂલનો ફી ભરવા અંગેનો મેસેજ તથા વોટ્સએપમાંથી રિમૂવ કર્યા હોવાના સ્ક્રીન શોટ

શું છે ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેનો વિવાદ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દબાણ થતા કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી આ અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદ કરી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી.







પ્રતિકાત્મક તસવીર