તાપીના વ્યારામાં આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા ત્રણ નક્સલીની ATSએ ધરપકડ કરી

તાપીના વ્યારામાં આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા ત્રણ નક્સલીની ATSએ ધરપકડ કરી



ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) ની ટીમે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 3 નક્સલીની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને ગુજરાતના વ્યારામાં આદિવાસી વિસ્તારોમાં સતીપતી સંપ્રદાય પથ્થલગડી વિચારધારાઓનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઉભું કરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. પોલીસને તેમની પાસેથી નક્સલી પત્રિકાઓ અને લેપટોપ મળી આવ્યા છે.

ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વ્યારામાં મૂળ ઝારખંડના અને સતીપતી સંપ્રદાયના પથ્થલગડી ચળવળના અનુયાયીઓ આદિવાસી વિસ્તારમાં ઉશ્કેરણી કરી હિંસક કૃત્ય થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના આધારે વ્યારામાં ATSની ટીમે દરોડો પાડી સામુ ઓરૈયા, બિરસા ઓરૈયા અને બબીતા કછપની ધરપકડ કરી હતી. આરોપીઓ ઝારખંડમાં અલગ અલગ ગુનાઓમાં ફરાર છે.

ઝડપાયેલા આરોપીઓ સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં હિંસક ઉશ્કેરણી કરે છે. ATSની ટીમે ઘરમાં તપાસ કરતા નકસલી પ્રવૃત્તિની સામગ્રી મળી આવી હતી. મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા ગુજરાતમાં બિરસા અને સામુ પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરવામાં આવ્યા હતા. પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી અને સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. ATSની ટીમે ત્રણેયની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ઝડપાયેલા નક્સલીઓના નામ-સરનામા

સામુ સુઈલ ઓરેયા, રહે. ગુટીગરા, જિલ્લો ખૂંટી, ઝારખંડ. હાલ રહે. વ્યારા, જિલ્લો તાપી.બિરસા સુઈલ ઓરિયા રહે. ગુટીગરા, જિલ્લો ખૂંટી, ઝારખંડ. હાલ રહે. વ્યારા, જિલ્લો તાપી.બબીતા સુકર કછપ રહે. 144, હુન્દ્રુ, દોરબંદા, જિલ્લો રાંચી, ઝારખંડ. હાલ રહે. જલદાડા, તા. સંતરામપુર, જિલ્લો મહિસાગર

ATSના જણાવ્યા અનુસાર ઝડપાયેલા નક્સલીઓ અને તેમના અન્ય સાથીદારો પથ્થલગડી ચળવળના કાર્યકર્તા છે. તેઓએ સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ચૂંટાયેલી સરકારને ઉથલાવવા હિંસક ઉપાયો કરવા કાવતરું રચ્યું હતું.

શું છે પથ્થલગડી ચળવળ? પથ્થલગડી ચળવળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે ‘પથ્થલગડી’ શબ્દ કોઇ મૃત વ્યક્તિની સમાધિ પર પત્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પત્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક રીતે પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. જો કે તેઓ તેમના ઉદેશો માટે હિંસક અને ગેરકાયદે રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની છે.







ફાઇલ તસવીર