અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત એક સપ્તાહ બાકી છે પણ અત્યાર સુધી એ બે શિલા બહાર લાવવા કોઈ પહેલ કરાઈ નથી જે અયોધ્યા તંત્રના ટ્રેઝરીમાંથી 18 વર્ષથી રાખવામાં આવી છે. આ શિલાઓ માટે વિહિપના તત્કાલીન આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામચંદ્રદાસ પરમહંસે અટલ બિહારી વાજયેપીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને પડકારી હતી.
તે સમયે સરકાર દ્વારા ના પાડી હોવા છતાં દેશભરમાંથી શિલાદાન માટે કારસેવકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. અટલ સરકાર અને વિહિપ સામ-સામે આવી ગયા હતા. તમામ માથાકૂટ બાદ કેન્દ્રએ પીએમઓમાં અયોધ્યા સેલના પ્રભારી આઈએએસ અધિકારી શત્રુઘ્ન સિંહને શિલા સ્વીકારવા અયોધ્યા મોકલ્યા હતા.
તેમણે 15 માર્ચ 2002ના રોજ અશોક સિંઘલ અને રામચંદ્ર પરમહંસ પાસેથી શિલાદાન સ્વીકાર્યું હતું. તે અયોધ્યાના ડીએમને સોંપી દેવાઈ હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન મિશ્રએ કહ્યું કે આ શિલાઓ વિશે મને કંઇ ખબર નથી. જોકે ટ્રસ્ટનાં સૂત્રો કહે છે કે બંને શિલા રામમંદિર આંદોલનના પ્રતીક રૂપે મહત્ત્વ અપાશે. વિહિપ કાર્યકર અને મંદિર આંદોલન સાથે જોડાયેલા સંતોષ દુબે કહે છે કે મંદિરના ભૂમિપૂજનમાં આ બંને શિલાને સ્થાન અપાય કેમ કે તેની સાથે કારસેવકોની ભાવનાઓ સંકળાયેલી છે. સરકાર તેમની ભાવનાઓની કદર કરે. શિલાદાનના કાર્યક્રમથી 21મી સદીની શરૂઆતમાં જ દેશના રાજકારણની દિશા નક્કી થઇ ગઈ હતી.
રામભક્ત અયોધ્યા ન આવે, લાઈવ પ્રસારણ જુએ : ચંપત રાય મંદિર નિર્માણ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોને અપીલ કરી છે કે તે 5 ઓગસ્ટે ભૂમિપૂજનમાં સામેલ થવા માટે વ્યાકૂળ ન થાય. અયોધ્યા ન પહોંચે. ટીવી પર સમારોહનું લાઈવ પ્રસારણ જુએ અને સાંજે ઘરે જ દીપ પ્રગટાવી તેનું સ્વાગત કરે. ભવિષ્યમાં યોગ્ય અવસરે રામ જન્મભૂમિ મંદિર નિર્માણયજ્ઞમાં તમામ રામભક્તોને એકઠા થવાની તક મળે તેવો પ્રયાસ કરીશું.
પીએમની સુરક્ષા : 9 જિલ્લાના એડીજી-ડીઆઈજી તહેનાત પીએમની અયોધ્યાની મુલાકાત અંગે કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ 9 જિલ્લાના એડીજી અને ડીઆઈજી સ્તરના અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ અધિકારી 6 ઓગસ્ટ સુધી સુરક્ષા ઘેરાની કમાન સંભાળશે. બીજી બાજુ અયોધ્યામાં લોકોએ કોરોના કાળમાં વહીવટી અંકુશોમાં રાહતની માગ કરી છે જેથી 3 ઓગસ્ટથી દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજી શકાય.
રામ જન્મભૂમિ કાર્યશાળાની ફાઇલ તસવીર.