Translate to...

જર્મનીમાં અડધી સેકન્ડમાં 2 વિસ્ફોટ, અવાજ 275 કિમી દૂર સુધી સંભળાયો; ચીનમાં 300 બિલ્ડિંગ અને 12 હજાર કારને નુકસાન થયું

જર્મનીમાં અડધી સેકન્ડમાં 2 વિસ્ફોટ, અવાજ 275 કિમી દૂર સુધી સંભળાયો; ચીનમાં 300 બિલ્ડિંગ અને 12 હજાર કારને નુકસાન થયું
લેબિનોનની રાજધાની બેરુતમાં જે બ્લાસ્ટના કારણે 135 લોકોના જીવ ગયા, તેનું કારણ અમોનિયમ નાઈટ્રેટ છે, જેને એક વેરહાઉસમાં છેલ્લા 6 વર્ષથી રાખવામાં આવ્યું હતું. આ વેરહાઉસમાં મૂકવામાં આવેલા 2 હજાર 750 ટન અેમોનિયમ નાઈટ્રેટમાં આગ લાગી અને જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભંયકર હતો કે તેનો અવાજ 250 કિમી દૂર સુધી આવ્યો હતો.

એમોનિયમ નાઈટ્રેટ સૌથી ખતરનાક એક્સપ્લોસિવ કેમિકલ હોય છે, તેનો ઉપયોગ ઘણા કામોમાં કરવામાં આવે છે. જોકે સામાન્ય રીતે તેનો ઉપયોગ ખેતી માટે ફર્ટિલાઈઝર બનાવવા કે પછી બોમ્બ બનાવવામાં કરવામાં આવે છે. જો તેમાં થોડી પણ આગ લાગે તો જોરદાર બ્લાસ્ટ થાય છે. આ ઉપરાંત નાઈટ્રોજન ઓક્સાઈડ અને એમોનિયા જેવા ખતરનાક ગેસ પણ નીકળે છે.

લેબિનોનમાં થયેલા આ બ્લાસ્ટ પછી હવે તપાસ થઈ રહી છે કે કઈ રીતે રીતે વેરહાઉસમાં આટલું એમોનિયમ નાઈટ્રેટ જમા હતું અને ત્યાં આગ કઈ રીતે લાગી ?

જોકે આ પ્રથમ ઘટના નથી કે એમોનિયમ નાઈટ્રેટના કારણે આટલો મોટો બ્લાસ્ટ થયો હોય. આ પહેલા પણ આવી ઘણી દુર્ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાંથી 7 મોટી દુર્ઘટનાઓ, જે એટલી ભયંકર હતી કે નીચે બ્લાસ્ટ થયા અને તેની ઉપરથી પસાર થઈ રહેલું પ્લેન નીચે આવીને પડ્યું હતું.

1. સપ્ટેમ્બર 1921: ઓપૌ, જર્મની કેટલો ભયકરઃ 275 કિમી દૂર સુધી બ્લાસ્ટનો અવાજ આવ્યો 1911માં શરૂ થયેલા આ પ્લાન્ટમાં અેમોનિયમ નાઈટ્રેટ અને એમોનિયમ સલ્ફેટનું સાડા 4 હજાર ટન મિક્સચર સ્ટોર કરીને રાખવામાં આવ્યું હતું. 21 સપ્ટેમ્બરની સવારે 7 કલાકને 32 મિનિટે માત્ર અડધી સેકન્ડની અંદર બે જોરદાર ધમાકા થયા હતા. આ બ્લાસ્ટમાં માત્ર 450 ટનના ફર્ટિલાઈઝરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે તેનાથી પ્લાન્ટની અંદર જ 90 મીટરનો ખાડો પડી ગયો હતો. આ ખાડાની પહોંળાઈ 125 મીટર અને ઉંડાઈ 19 મીટર હતી. આ બ્લાસ્ટનો અવાજ 275 કિમી દૂર સુધી આવ્યો હતો. તે સમયે આ બ્લાસ્ટથી 17 લાખ ડોલરનું નુકસાન થયું હતું. બ્લાસ્ટના કારણે 561 લોકોના મોત થયા હતા.

આ બ્લાસ્ટમાં 25 કિમી દૂર આવેલા ઘરની બારીઓ પણ તૂટી ગઈ હતી.

2. 29 એપ્રિલ 1942ઃ ટેસેંડેર્લો, બેલ્જિયમ કેટલો ભયકરઃ બ્લાસ્ટમાં 70 મીટર પહોંળો અને 23 મીટર ઉંડો ખાંડો થઈ ગયો

તે સમયે સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહ્યું હતું. બેલ્જિયમ પર જર્મનીએ કબ્જો કર્યો હતો. બેલ્જિયમના ટેસેંડેર્લોમાં એક કેમિકલ ફેક્ટ્રી હતી, જેને બંધ કરવામાં આવી હતી. જોકે બેલ્જિયમના સરન્ડર પછી આ ફેક્ટ્રીને ફરીથી શરૂ કરવામાં આવી હતી. જે દિવસે બ્લાસ્ટ થયો તે દિવસે થોડી ઠંડી હતી અને લોકો તેમના કામે જઈ રહ્યાં હતા. સવારે 11 વાગીને 27 મિનિટે ફેક્ટ્રીમાં રાખવામાં આવેલા 150 ટન એમોનિયમ નાઈટ્રેટમાં બ્લાસ્ટ થયો હતો. થોડી જ વારમાં આકાશમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. બ્લાસ્ટના કારણે 70 મીટર પહોંળો અને 23 મીટર ઉંડો ખાડો પડી ગયો હતો. આ બ્લાસ્ટમાં 190 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 900 લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા 190 લોકોમાંથી 119 ફેકટરીમાં કામ કરનારા મજૂરો હતા.

આ બ્લાસ્ટમાં ફેકટરીની આજુબાજુ આવેલા તમામ ગામોનો નાશ થયો હતો. એક સ્કુલ પણ હતી, ત્યાં પણ નુકસાન થયું હતું.

3.16 એપ્રિલ 1947: ટેક્સાસ, અમેરિકા કેટલો ભયકરઃ બે પ્લેન ઉડતા-ઉડતા નીચે પડ્યા, સમગ્ર જહાજ જ તૂટીને હવામાં ઉડવા લાગ્યું

બીજા વર્લ્ડ વોરમાં અમેરિકાની સેના એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ વિસ્ફોટકોના રૂપમાં કરતી હતી. પછીથી તેનો ફર્ટિલાઈઝર તરીકે વપરાશ શરૂ થયો. 16 એપ્રિલ 1947ના રોજ નેબ્રોસ્કા અને લોવામાં બનેલા એમોનિયમ નાઈટ્રેટ રેલ દ્વારા ટેક્સાસ સિટી પહોંચ્યો. પછીથી તેને જહાજ પર લોડ કરવામાં આવી રહ્યો હતો. આ જહાજમાં 2300 ટન એમોનિયમ નાઈટ્રેટની સાથે-સાથે તમાકું અને દારૂગોળો હતો.

સવારે લગભગ 8 વાગ્યે કાર્ગોમાંથી ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. આ આગને ઓલવવા માટેની કોશિશ કરવામાં આવી હતી, જોકે આગ ઓલવાઈ રહી ન હતી. સવારે 9 કલાકને 12 મિનિટે એમોનિયમ નાઈટ્રેટમાં બ્લાસ્ટ થયો હતો. તેના કારણે સમગ્ર પોર્ટનો નાશ થયો. આ બ્લાસ્ટથી 15 ફુટ ઉંચો ધુમાડો ઉડયો હતો, જે 160 કિમી દૂરથી પણ દેખાઈ રહ્યો હતો.

આ ધુમાડો એટલો જોરદાર હતો કે તેનાથી જહાજના ટુકડા થઈ ગયા હતા અને તે હવામાં ઉડવા લાગ્યા હતા. એટલું જ નહિ ટેક્સાસની પાસે ઉડાન ભરી રહેલા બે નાના પ્લેન પણ નીચે આવી ગયા હતા. આ બ્લાસ્ટથી હજારથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું. બે હજાર લોકો ઘર વિહોંણા બન્યા હતા. આ બ્લાસ્ટના પગલે 581 લોકોના મોત થયા હતા. જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

ટેક્સાસમાં થયેલા બ્લાસ્ટમાં તે સમયે 100 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

4. 19 એપ્રિલ 1995ઃ ઓક્લાહોમા, અમેરિકા કેટલો ભયકરઃ માત્ર 2 ટન એમોનિયમ નાઈટ્રેટે 168 લોકોના જીવ લીધા 19 એપ્રિલ 1995ની સવાર ઓક્લાહોમા માટે સૌથી ખરાબ સવાર હતી. આ દિવસે પૂર્વ સૈનિક ટિમૂથી મૈક્વેગે ઓક્લાહોમા શહેરમાં સરકારી બિલ્ડિંગની બહાર ભાડે લીધેલો ટ્રક ઉભો રાખ્યો. આ ટ્રકમાં 2 ટન એમોનિયમ નાઈટ્રેટ હતું.

સવારે 9 વાગ્યા પહેલા જ મૈક્વેગ ટ્રક લઈને પહોંચી ગયો હતો. થોડીવાર પછી મૈક્વેગ ટ્રકની બહાર નીકળ્યો અને ડોર લોક કરીને ભાગવાનું શરૂ કરી દીધું. કોઈને કઈ જ ખ્યાલ આવ્યો ન હતો. 9 કલાકને 2 મિનિટે ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટના પગલે 300 બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હતુું. ઘણી કાર્સને પણ નુકસાન પહોંચ્યું હતું. આ હુમલામાં 168 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 19 નાના બાળકો પણ સામેલ હતા. સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની ગણતરી સૌથી ખતરનાક આતંકી હુમલાઓમાં થાય છે.

આ બિલ્ડિંગના બીજા ફલોર પર ચાઈલ્ડ કેર પણ હતી, જ્યાં નાના-નાના બાળકો પણ હતા. બ્લાસ્ટમાં 19 બાળકોના મોત થયા હતા.

5. 22 એપ્રિલ 2004ઃ રયોંગચોંન, ઉતર કોરિયા કેટલો ભયકરઃ બે ટ્રેન અથડાઈ, 1850 ઘરનો નાશ થયો

22 એપ્રિલ 2004ના રોજ ઉતર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી 50 કિમી દૂર રયોંગચોંન સ્ટેશન પર બે ટ્રેનો અથડાઈ હતી. આ બંને ટ્રેનોમાં વિસ્ફોટક સામગ્રી હતી. ટ્રેનો અથડાવવાથી ભંયકર બ્લાસ્ટ થયો હતો.

બે દિવસ સુધી ઉતર કોરિયાએ આ બ્લાસ્ટ પાછળનું કારણ જણાવ્યું ન હતું. બ્લાસ્ટના 48 કલાક પછી ઉતર કોરિયાની સરકારી ન્યુઝ એજન્સી કેસીએનએ આ બ્લાસ્ટ પાછળનું કારણ એમોનિયમ નાઈટ્રેટ હોવાનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ એક ટ્રેનમાંથી એમોનિયમ નાઈટ્રેટ લીક થયો અને તેના કારણે બ્લાસ્ટ થયો.

ઉતર કોરિયા આ બ્લાસ્ટના કારણે 54 લોકોના મોત થયા હોવાનું કહી રહ્યું છે. જોકે ઘટના સ્થળે પહોંચેલી રેડક્રોસની ટીમે કહ્યું હતું કે બ્લાસ્ટના પગલે આસપાસના 1850 ઘરનો નાશ થયો છે. આ બ્લાસ્ટમાં 160 લોકોના મોત થયા છે. જ્યારે સાડા 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

ઉતર કોરિયામાં બે ટ્રેન અથડાતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 160 લોકોના મોત થયા હતા.

6.12 ઓગસ્ટ 2015ઃ તિયાનજિન, ચીન કેટલો ભયકરઃ 9 અબજ ડોલરનું નુકસાન થયું હતું, 300થી વધુ બિલ્ડિંગનો નાશ થયો હતો

12 ઓગસ્ટ 2015ના રોજ ચીનના તિયાનજિન શહેરના બંદરમાં એક કન્ટેનરમાં એક પછી એક સંખ્યાબંધ બ્લાસ્ટ થયા હતા. પહેલા બે બ્લાસ્ટ 30 સેકન્ડની અંદર જ થયા હતા. પ્રથમ બ્લાસ્ટ 12 ઓગસ્ટે રાતે 11 વાગ્યે થયો હતો અને બીજો તેની 30 સેકન્ડ પછી થયો હતો.

બીજા બ્લાસ્ટમાં 800 ટન એમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો હતો. આ બે બ્લાસ્ટના કારણે લાગેલી આગથી જ 15 ઓગસ્ટે 8 નાના-નાના બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 173 લોકોના મોત થયા હતા અને 797 લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટ એટલા ભંયકર હતા કે આસપાસની 304 બિલ્ડિંગ, 12 હજાર 438 કાર અને 7 હજાર 533 કન્ટેનર સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયા હતા. આ બ્લાસ્ટના કારણે તે સમયે 9 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

આ તસ્વીર તિયાનજિન શહેરના એક પાર્કિંગની છે. બ્લાસ્ટમાં અહીં ઉભેલી તમામ કાર સળગીને ખાખ થઈ ગઈ હતી.

7. 4 ઓગસ્ટ 2020ઃ બેરુત, લેબિનોન કેટલો ભયકરઃ 9 કિમી દૂર બનેલા એરપોર્ટના કાચ પણ તૂટી ગયા

લેબિનોનની રાજધાની બેરુતમાં પરમાણુ બ્લાસ્ટ જેવા બે બ્લાસ્ટ થયા હતા. બેરુત પોર્ટ પર હેંગરમાં સ્ટોર કરીને રાખવામાં આવેલા 2 હજાર 750 ટન એમોનિયમ નાઈટ્રેટમાં આ બ્લાસ્ટ થયા હતા.

બ્લાસ્ટ એટલા ભંયકર હતા કે 250 કિમી દૂર સુધી તેનો અવાજ આવ્યો હતો. જ્યારે 9 કિમી દૂરના ઈન્ટરનેશનલ એરપોર્ટના પેસેન્જર ટર્મિનલમાં કાચ તૂટી ગયા હતા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 135 લોકોના મૃત્યુ છે, જ્યારે 5 હજાર લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટના પગલે 3 લાખ લોકો ઘર વિહોંણા બન્યા છે. લગભગ અડધા શહેરમાં જ 22.5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બેરુતમાં થયેલો હુમલો એટલો ભયાનક હતો કે આસપાસનો 10 કિમીનો સમગ્ર વિસ્તાર સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો.

2 explosions in half a second in Germany, sound heard 275 km away and damaged 300 buildings and 12 thousand cars in China