જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમનું કહેવું છે કે હું રાજ્યના ભ્રષ્ટાચાર અને તે માટેના પેંતરા પર બુક લખું તો બની શકે કે તે દેશમાં સૌથી વધુ વેચાતી બુક બને. અહીં કોઇ જ નિયમનું કે કોઇ જ પ્રક્રિયાનું પાલન નહોતું થતું. દેશમાં ઘણાં સ્થળે કામ કર્યું પણ આટલી ગંદકી ક્યાંય નથી જોઇ.
સુબ્રમણ્યમ કહે છે અહીં સરકારોએ પોતાના લોકોને ફાયદો કરાવવા ભ્રષ્ટ રીતે કામ કર્યું. સરકારી નાણાં અમુક સો પરિવાર સુધી સીમિત કરી દેવાયા, નેતાઓ, બ્યુરોક્રસી, ન્યાયતંત્ર, ઉદ્યોગપતિઓ અને બેન્કર્સે મળીને રાજ્યની ખરાબ હાલત કરી. નિયમ-કાયદા એ રીતે ઘડાયા કે ભ્રષ્ટાચાર સિસ્ટમેટિક કરી દેવાયો. 5-10 વર્ષથી અંદાજે સાડા છ હજાર કરોડ રૂ.ના પ્રોજેક્ટ અટક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં એવું પણ બન્યું છે કે ફિઝિકલ એજ્યુકેશનના 2,700 શિક્ષકને ભવિષ્યમાં પડનારી જગ્યાઓ માટે કોઇ પરીક્ષા વિના જ કોન્ટ્રાક્ટ પર રાખી લેવાયા હોય. સુરક્ષાદળો પર પથ્થર ફેંકતાં બાળકોનો કોઇ વાંક નથી. તેમના માટે કંઇ કરાયું જ નથી.
જમ્મુ-કાશ્મીર બેન્કને પણ સુયોજિત રીતે લૂંટવામાં આવી. બિઝનેસમેન કોઇ પ્લાન લાવે તો તેને પ્લાનથી પણ વધુ લોન આપી દેવાય. 2-3 વર્ષમાં કંપની ખોટ કરતી થઇ જાય અને લોનને એનપીએ જાહેર કરી દેવાય. બેન્કને જેટલી ખોટ જાય તેટલી કેપિટલ એમાઉન્ટ સરકાર તરફથી બેન્કને આપી દેવાય. મને અહીંના મુખ્ય સચિવ બનાવાયો ત્યારે દેશના સર્વોચ્ચ નેતાએ કહ્યું હતું કે આ વિસ્તારને સાફ કરો અને લોકોની થાપણ તેમને પરત કરો. હવે ટૂંક સમયમાં અહીં 35 હજાર સરકારી નોકરી માટે જાહેરાત અપાશે. આવનારાં વર્ષોમાં ખાનગી ક્ષેત્રમાં 4-5 લાખ નોકરીઓ ઊભી કરાશે. તે માટે તાતા, વિપ્રો, ટીસીએસ સાથે વાત ચાલી રહી છે.
આતંકી બનવા જતા યુવકોની બાકી જિંદગી 90 દિવસની થઇ ગઇ: ડીજીપી જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે ખીણમાંથી જે કોઇ યુવક હવે આતંકી બનવા નીકળે છે તેની બાકી જિંદગી 1થી 90 દિવસની થઇ ગઇ છે. સુરક્ષાકર્મીઓએ ટાર્ગેટ નક્કી કરી લીધો છે કે આટલા દિવસમાં તેઓ ઘરે પાછા ન ફરે કે સરન્ડર ન કરે તો તેમનું એન્કાઉન્ટર કરી દેવાનું. તાજેતરમાં 80 નવા આતંકી બન્યા, જેમાંથી 38ને ઠાર કર્યા અને 22ને પકડ્યા. હજુ 20 અમારા નિશાના પર છે. અહીં હાથમાં હથિયારો લઇને દેખાડો કરવાની યુવાનોમાં ફેશન હતી પણ હાલ હથિયારો નથી મળતાં. અલગતાવાદી નેતાઓ હવે શાંત છે. પોલીસે 504 અલગતાવાદીઓને તેઓ સારું વર્તન કરશે તે શરતે છોડ્યા છે. તેમની પાસે બોન્ડ સાઇન કરાવાયા છે કે તેઓ ગેરકાયદે પ્રવૃત્તિ કરશે તો જેલમાં ધકેલી દેવાશે. પહેલાં અમે આતંકીઓના સફાયા સુધી સીમિત રહેતા હતા, હવે તેમની સપોર્ટ સિસ્ટમ પર પ્રહાર કરીએ છીએ.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ.