ચેક-ઈન કરી શકાશે, બોર્ડિંગ પાસ પણ મળશે, પ્લેનમાં બેસી શકાશે પણ શહેર છોડવા પર પ્રતિબંધ

ચેક-ઈન કરી શકાશે, બોર્ડિંગ પાસ પણ મળશે, પ્લેનમાં બેસી શકાશે પણ શહેર છોડવા પર પ્રતિબંધ



કોરોના વાઇરસના કારણે ઘણા દેશોમાં હવાઇ મુસાફરી પર હજુ પ્રતિબંધ છે ત્યારે ફરવા જવા માટે આતુર લોકોને માનસિક રાહત આપવા તાઇવાનમાં ફેક ફ્લાઇટ પ્રોગ્રામ શરૂ થયો છે. તાઇપેના સોંગશાન એરપોર્ટ પર ગુરુવારે પહેલા દિવસે 60 લોકોએ તેનો અનુભવ લીધો.

આ પ્રોગ્રામ હેઠળ લોકોએ એરપોર્ટ પર જઇને ચેક-ઇન કરવાનું રહેશે, પાસપોર્ટ અને સિક્યુરિટી ચેક બાદ બોર્ડિંગ પાસ જારી થશે. ત્યાર બાદ પ્લેનમાં બેસી શકાશે. એરબસ એ330 પ્લેનમાં એટેન્ડન્ટ્સ લોકો સાથે વાતો કરે છે, તેમની મદદ પણ કરે છે. પ્લેનમાં જ બ્રેકફાસ્ટ પણ અપાય છે. પ્લેનમાં બેસવા માટે હેલ્થ સર્ટિફિકેટ જરૂરી છે.

7 હજાર લોકોએ એપ્લાય કર્યું, ડ્રોમાં સિલેક્ટ થનારા જ ફેક ટ્રાવેલ કરી શકશે
આ પ્રોગ્રામ જુલાઇ મહિના માટે જ શરૂ કરાયો છે. તે માટે સ્થાનિક અને કોરોનાના કારણે ફસાયેલા અંદાજે 7 હજાર પર્યટકે અરજી કરી છે. ડ્રોના આધારે જ લોકોને આ પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરી છે. 38 વર્ષના સિઆઓ ચુન વેઇએ જણાવ્યું કે અમે દેશ છોડીને તો જઇ શકીએ તેમ નથી પણ તેવો અહેસાસ કરી શકીએ છીએ. તેઓ તેમના દીકરાને લઇને આવ્યા હતા.

48 વર્ષીય સાઇના કહેવા મુજબ, મહામારી ખતમ થશે એટલે આપણે વાસ્તવમાં દુનિયા ફરવા જઇ શકીશું. આ તેની જ તૈયારી જેવું છે. આ પ્રોગ્રામ દ્વારા સોંગશાન એરપોર્ટ પર્યટકોને રિનોવેશન અને કોરોના સંક્રમણ રોકવા માટેના ઉપાય વિશે પણ જણાવે છે. આ એરપોર્ટ પરથી જાપાન અને ચીનની ફ્લાઇટ્સ ઓપરેટ થાય છે.









એરપોર્ટ પર ખુશી મનાવતા લોકો. ફ્લાઇટમાં પણ સેલ્ફીનો સિલસિલો ચાલ્યો.