Translate to...

ઘરમાં ખાવાના પૈસા નથી તો મોબાઇલ-ઇન્ટરનેટ કે TV ભણવા માટે ક્યાંથી લાવવું, આવા શિક્ષણથી બાળકોનું ભવિષ્ય ના બને

ઘરમાં ખાવાના પૈસા નથી તો મોબાઇલ-ઇન્ટરનેટ કે TV ભણવા માટે ક્યાંથી લાવવું, આવા શિક્ષણથી બાળકોનું ભવિષ્ય ના બને
ગુજરાતમાં કોરોનાના કારણે સ્કૂલો શરૂ કરી શકાય તેવી સ્થિતિ ના હોવાથી રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણનો નુસખો અપનાવ્યો છે. આવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓનું જે થવું હોય તે થાય પણ સ્કૂલ સંચાલકોને ફી ઉઘરાવવાનો રસ્તો સરળ કરી આપ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે શહેરોમાં તો ઠીક, પણ ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. આનું કારણ એ છે કે, ગામડામાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટની સુવિધા. આમછતાં જબરજસ્તીથી ભણાવવામાં આવે તો શિક્ષક પણ અસમંજસમાં મુકાઈ ગયા છે.

ગામડામાં ઓનલાઇન શિક્ષણ અંગે DivyaBhaskarની ટીમે ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમરેલી અને સુરત શહેરની નજીક આવેલા ગામોમાં જઇ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. DivyaBhaskarના રિપોર્ટર અનિરૂદ્ધસિંહ મકવાણા, શૈલેષ રાદડિયા, સુનિલ પાલડિયા, જીતુ પંડ્યા અને આશિષ મોદીએ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ગામડામાં રહેલા વાલીઓ કહે છે કે બાળકો મોબાઇલ કે ટીવીમાં ભણતા નથી. તેમને પણ એમની આંખો બગડે એની ચિંતા છે. ગામડામાં રહેતા ગરીબ કે સાધારણ સ્થિતિના વાલીઓની એવી પણ ફરિયાદ છે કે, અત્યારની સ્થિતિમાં ખાવાના પૈસા નથી ત્યાં આવા મોબાઈલ અને ઈન્ટરનેટના ખર્ચા કેવી રીતે પોષાય. આવી રીતે ભણાવવાથી કઈ બાળકોનું ભવિષ્ય બનવાનું નથી. બાળકો પણ કહે છે કે ઓનલાઇન શિક્ષણ ગમતું જ નથી.

ગાંધીનગરઃ લાઈટ જતી રહે ત્યારે ટેલિકાસ્ટ થયેલો વિષય છૂટી જાય છેગામડાઓમાં ઓનલાઇન શિક્ષણની સ્થિતિ શું છે તે જાણવા માટે DivyaBhaskar ગાંધીનગરના અમિયાપુર ગામે પહોંચ્યું હતું. અહી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને સ્કૂલ શિત્રણ વચ્ચે તેમને શું વધારે પસંદ છે તેમાં તેમણે ઓનલાઈન ભણવું ન ગમતું હોવાનો જવાબ આપ્યો હતો. ઓનલાઈન શિક્ષણમાં નેટનો પ્રોબ્લેમ વિક્ષેપ ઊભો કરે છે .તેમજ વાલીઓ પણ કહે છે કે ટીવી પર બાળક ભણે છે તે સમયે લાઈટ જતી રહે ત્યારે તે સમયે ટેલિકાસ્ટ થયેલો અભ્યાસક્રમ અને વિષય છૂટી જાય છે. ગાંધીનગર હાઇવે પર આવેલી માધુરી મનસુખ વસા સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી પ્રિયંકા ઠાકોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન તો ગમતું નથી પણ સ્કૂલમાં સારું ગમે છે. વધારે ભણવાનું પણ ઓનલાઈન નથી ગમતું. 8.15 અમે બેસી જઈએ છીએ અને 11.30 સુધી ક્લાસ ચાલુ હોય છે. અમુક વખત નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો બંધ જાય છે. સ્કૂલમાં જવાનું સારું ફાવે છે ઓનલાઈન નથી ફાવતું.

રાજકોટઃ પ્રતિદિન રૂ. 200 મજૂરી કમાતા વાલીને નેટનો ખર્ચ ઉઠાવવો શક્ય નથીશહેરોમાં તો નેટવર્ક કનેક્ટવિટી પૂરતી મળી રહે છે પરંતુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણની સ્થિતિ કથળેલી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ ડિજિટલ વિલેજ છે. પરંતુ ગામના બાળકો અને વાલીઓની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહીં નેટવર્કની કનેક્ટિવિટી પૂરતી છે પરંતુ મોટાભાગના વાલીઓ પાસે સ્માર્ટ ફોનનો અભાવ છે. આથી મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. તેઓને સ્કૂલ તરફથી આપાવામાં આવતા પાઠ્યપુસ્તકોને આધારે જાતે અભ્યાસ કરવો પડે છે. આવા સમયે દિનેશભાઇ વાલજીભાઇ ત્રાપસીયા નામના વાલીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 200 રૂપિયાની મજૂરી કરતા માણસને ઘરનું પણ પૂરૂ થતું નથી. આ પરિસ્થિતિમાં બાળકોને નેટ કરાવી દેવું અમારા માટે શક્ય નથી. જ્યારે અમરેલીના જસવંતગઢ અને ચિતલમાં નેટવર્કના અભાવે ફોન હોવા છતાં પણ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.

અમરેલીઃ જશવંતગઢ-ચિતલમાં ઓનલાઈન શિક્ષણ, સ્માર્ટ ફોન નથી, ફોન હોય તો ઈન્ટરનેટ નથીઅમરેલીની જિલ્લામાં અમરેલી સિટીથી 17 કિમી દૂર આવેલા જશવંતગઢ-ચિતલ ગામ આવેલું છે. આ આખું ગામ ખેતી પર આધારીત છે. જેમાં હાલ કોરોનાનો એક પણ કેસ ગામમાં નોધાયો નથી. જોકે, આ મહામારીને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણથી અળગા રહેવાનો વારો આવ્યો છે. ગામમાં ત્રણ જેટલી પ્રાઈવેટ, ગુરૂકુળ અને ત્રણ જેટલી સરકારી સ્કૂલમાં ધોરણ 1થી 8માં 3 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કોરોના મહામારીને લઈને ગામમાં ઓનલાઈન શિક્ષણ કહેવા માત્ર ચાલું છે. જેમાં પ્રાઈવેટ સ્કૂલમાં વાલીઓની રજૂઆતના પગલે માત્ર વોટ્સએપ પર થોડીઘણી પ્રવૃતિ અને પાછળના ધોરણનું રિવિઝન કરાવતું હોમવર્ક આપવામાં આવે છે.

સુરતઃ બાળકો ઓન લાઇન ભણતા નથી અને આંખો પણ ખરાબ થઈ રહી છેસુરતથી લગભગ 22 કિલો મીટર દૂર આવેલા દેલાડ ગામમાં ઓનલાઇન શિક્ષણનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે. આ ગામમાં ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન 3 દિવસ અને 2 રાત રોકાયા હતા. ગામની 4 હજારની વસ્તીમાં લગભગ 80 ટકા લોકો ટેક્સટાઈલ અને ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. 250 જેટલા બાળકો છે. જે એક ખાનગી અને બીજી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. ગામના ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ બાબતે પૂછવામાં આવ્યું તો કેટલાક જવાબ શુદ્ધા પણ આપી ન શક્યા અને કેટલાક બાળકો ફળિયામાં રમતા દેખાયા હતા. ધોરણ 6ની વિદ્યાર્થીનીએ કહ્યું, TV પર ભણવાની મજા આવે છે. જ્યારે વાલીઓ કહેતા હતા કે, બાળક ઓન લાઇન TV કે, મોબાઈલ પર ભણતા જ નથી અને તેમની આંખ ખરાબ થઈ રહી છે. એટલે ટ્યુશનમાં મોકલીને અભ્યાસ કરાવવા મજબૂર છે. જ્યારે એક વાલીએ કહ્યું કે, ઓનલાઈન શિક્ષણમાં અમને લઈ ખબર પડતી નથી. તો બાળકને શું ખબર પડતી હશે?

વડોદરાઃ મજૂર પિતાએ સ્માર્ટ ફોન લેવો પડ્યો, ઘણા વિદ્યાર્થીઓના ઘરમાં TV કે સ્માર્ટ ફોન પણ નથીસયાજીપુરા ગામની સયાજીપુરા પ્રાથમિક શાળામાં 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી જીગીશા સંગાડાએ જણાવ્યું કે, મારા પિતા રામુભાઇ છૂટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મારા ઘરમાં TV નથી. આથી હું TV ઉપર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભ્યાસનો લાભ લઇ શકતી નથી. મારા પરિવારમાં સ્માર્ટ મોબાઇલ ફોન પણ ન હતો. પરંતુ, સ્કૂલ દ્વારા મોબાઇલ ઉપર અભ્યાસક્રમ આપવાનું શરૂ કરવામાં આવતા મારા પિતાએ મને સ્માર્ટ ફોન લાવીને આપ્યો છે. ઓનલાઇન અભ્યાસ કરવાનું ગમતું નથી. પરંતુ, અભ્યાસ ન બગડે તે માટે મજબૂરીમાં અભ્યાસ કરવો પડે છે. ધોરણ-7માં અભ્યાસ કરતા પરેશ શૈલેષભાઇ વસાવાએ જણાવ્યું કે, મારા ઘરમાં TV પણ નથી અને સ્માર્ટ ફોન પણ નથી. ભણવા માટે ફળિયામાં રહેતા મિત્ર હાર્દિક વસાવાના ઘરે જવું પડે છે. મોબાઇલ ઉપર સ્કૂલમાંથી આવતો અભ્યાસક્રમ જોવા માટે પણ તેની મદદ લેવી પડે છે. ઓનલાઇન ભણવામાં સ્કૂલ જેવી મજા આવતી નથી.gujarat: don't have money for food where to bring mobile-internet or TV for online education