Translate...

ગામમાં રોડ નથી, બેન્કથી પૈસા કાઢવામાં એક દિવસ લાગે છે, દર્દીને ખભે ઉઠાવીને લઈ જવા પડે છે

ગામમાં રોડ નથી, બેન્કથી પૈસા કાઢવામાં એક દિવસ લાગે છે, દર્દીને ખભે ઉઠાવીને લઈ જવા પડે છેછેલ્લા કેટલાક દિવસોથી ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાજેન્દ્રસિંહ ધામીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ પત્થરો તોડતા નજરે પડે છે. મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે પૂર્વ કેપ્ટનને પત્થરો તોડવાની ફરજ પડી છે. તેમની પાસે કોઈ કામ-ધંધો નથી. અમારી સાથે વાત કરતાં રાજેન્દ્રસિંહે કહ્યું કે સમસ્યા મારા રોજગારની નથી, પરંતુ મારા ગામની પરિસ્થિતિની છે. આ રિપોર્ટ વાંચો.

રાજેન્દ્રસિંહ ક્રિકેટમાં ઘણા એવોર્ડ જીત્યા, પરંતુ તેનાથી તેમની આર્થિક સ્થિતિ બદલાઈ નથી.

ગામમાં 50-60 લોકો રહે છે, સારવાર માટે ખભે લઈને જવા પડે છે

રાયકોટ ગામ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવે છે. તે ભારત-નેપાળ સરહદની ખૂબ નજીક છે. નદીની એક તરફ ભારત છે અને બીજી બાજુ નેપાળ છે. ગામમાં ફક્ત 10થી 12 પરિવારો છે, કુલ 50-60 લોકો છે, પણ કોઈની પાસે કામ નથી. ખેતી કરી શકતા નથી કારણ કે જંગલી પ્રાણીઓ મોટી સંખ્યામાં છે, તેઓ પાકનો વિનાશ કરે છે.એક નાનકડું ગામ છે અને રોજગારનો કોઈ સ્રોત નથી. રાજેન્દ્રસિંહ કહે છે, હું વર્ષોથી મજૂર તરીકે કામ કરું છું. હમણાં ફોટો છાપવામાં આવ્યો છે, પરંતુ મારા માટે તે નવી વાત નથી. મેં એમએ-બીએડ કર્યું છે. અગાઉ એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતો, પરંતુ ત્યારે પણ મજૂરી કરતો જ હતો કારણકે ઘરમાં એક નાનો ભાઈ, માતા-પિતા અને પત્ની છે. મારે પાંચનો પરિવાર ઉછેરવાનો છે. આ રાજેન્દ્રસિંહનું ઘર છે.

હું 2014માં ક્રિકેટ સાથે જોડાયો હતો. પરંતુ, અમને કોઈ ફિક્સ પૈસા મળતા ન હતા પરંતુ સ્પોન્સર્સ શોધવા પડતા હતા. સ્પોન્સર્સ મળી જાય તો થોડા ઘણા પૈસા મળી જતા હતા પરંતુ લોકડાઉન પછી તે કામ પૂરી રીતે બંધ થઈ ગયું હતું. દસ દિવસ પહેલા ગામમાં મનરેગાની કામગીરી શરૂ થઈ છે, તેથી હવે બધા છોકરાઓ તેમાં કામ કરી રહ્યા છે.

ક્યારેક ગામમાં ખાવા-પીવાની પણ સમસ્યા ઉભી થાય છે. સંજોગો એવા છે કે અમારે બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ખૂબ જ દૂર જવું પડે છે. મુસાફરી માટે એક દિવસમાં 200 રૂપિયા ખર્ચ થાય છે. અમારા ગામમાં એક કરિયાણાની દુકાન પણ નથી. કરિયાણુ લેવા નજીકના ગામમાં જવું પડે છે. ગામમાં કોઈની પાસે દુકાન ખોલવા માટે પૂરતા પૈસા નથી.

રાયકોટના દિપક સિંહે જણાવ્યું હતું કે અમારા ગામમાં એકપણ પાકો રસ્તો નથી. અહીં એક સરકારી શાળા છે, પરંતુ ત્યાં ન તો શિક્ષકો છે અને ન તો બેસવાની વ્યવસ્થા. ગામમાં શરદી-ઉધરસની દવા ઉપલબ્ધ છે, પરંતુ આ કરતાં વધારે માટે પિથોરાગઢ જવું પડે છે, જ્યાં પહોંચતા અમારા ગામથી ત્રણ-ચાર કલાકનો સમય લાગે છે.

કાર આપણા ગામમાં પહોંચી શકતી નથી, તેથી દર્દીને ખભા પર ઉઠાવીને નજીકના ગામમાં લઈ જઈએ છીએ, પછી કોઈક કાર મળે છે. જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું ન હતું ત્યારે નેપાળના લોકો અહીં આવી રહ્યા હતા. તેઓ પણ ધંધાની શોધમાં ભટકતા હોય છે. કંઈક મળી જાય તો અમે ઓછા પૈસા માટે પણ કરીએ છીએ. રાયકોટના મોટાભાગના છોકરાઓ બહાર કામ કરે છે.

કોઈ રાજસ્થાન, કોઈ મુંબઇ તો કોઈ ગુજરાતમાં કામ કરે છે, પરંતુ કોરોના પછી બધા છોકરાઓ ગામમાં જ છે અને હવે કરવા માટે કઈ નથી.

રાજેન્દ્રસિંહ 2 વર્ષ ઇન્ડિયન વ્હીલચેર ક્રિકેટના કેપ્ટન રહ્યા.

જ્યારે મીડિયામાં રાજેન્દ્રસિંહના સમાચાર પ્રકાશિત થયા ત્યારે ધારાસભ્યો પણ તેમને મળવા પહોંચ્યા હતા અને વહીવટી અધિકારીઓ પણ આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈ મોટી મદદ મળી નથી. ધારાસભ્યએ માર્ગ બનાવવાની ખાતરી આપી છે. વહીવટી તંત્ર દ્વારા 20 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે. સોનુ સૂદે 11 હજાર રૂપિયાની મદદ મોકલી છે. આ પૈસાથી ખૂબ મદદ મળી છે.

રાજેન્દ્ર કહે છે કે, જો મારા બહાને મારા ગામમાં રસ્તો બનશે તો અમને બહુ મોટો ટેકો મળશે. ઓછામાં ઓછુ ગાડીઓ આવવા-જવાનું શરૂ કરશે. હોસ્પિટલથી શાળાએ જવું સરળ રહેશે. ગામના લલિત સિંહે કહ્યું કે અમે હોટલની લાઇનમાં કામ કરતા હતા. હું માઉન્ટ આબુમાં એક હોટલમાં હતો, પરંતુ કોરોના પછી, અમે બધા માર્ચમાં ગામમાં પરત ફર્યા હતા.

અત્યારે મનરેગામાં રોજ 400 રૂપિયાની મજૂરી મળે છે, કેટલા દિવસ સુધી ચાલશે ખબર નથી.

રાજેન્દ્ર ઘણી મોટી ટૂર્નામેન્ટ્સમાં ઉત્તરાખંડને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. તેમને અફસોસ એ વાતનો છે કે તેમના ગામ પર કોઈએ ધ્યાન આપ્યું નથી.

2 વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર થયા હતા

રાજેન્દ્રસિંહ 2 વર્ષના હતા ત્યારે પોલિયોનો શિકાર થયા હતા. ત્યારથી તેમના બંને પગ કામ કરવાનું બંધ કરી દીધું. ઉપરનું શરીર બરાબર છે. જ્યારે તેમને ફેસબુકથી વ્હીલચેર ક્રિકેટ વિશે ખબર પડી ત્યારે તે 2014માં લખનઉમાં એક સ્પર્ધામાં ગયા હતા. ત્યારથી ફક્ત ક્રિકેટ જ રમે છે.બે વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દરમિયાન નેપાળ અને બાંગ્લાદેશની ટીમો સાથે મેચ થઈ હતી. હાલમાં તે ઉત્તરાખંડ વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે. એવું કહેવામાં આવે છે કે હું એક ઓલરાઉન્ડર છું. જો મને ભવિષ્યમાં તક મળશે તો હું વધુ રમવા માંગુ છું. જો મારા બહાને સરકાર ગામમાં રસ્તો બનાવે તો મોટી મદદ થશે.

આ ફોટો મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. રાજેન્દ્રસિંહ કહે છે- મજૂરી મારા માટે નવી વાત નથી. વર્ષોથી કરી રહ્યો છું.