ગુજરાતે એક જ વર્ષમાં રૂ.1600 કરોડનું પાણી વેચ્યું, 5 વર્ષમાં 7000 કરોડની કમાણી કરી

ગુજરાતે એક જ વર્ષમાં રૂ.1600 કરોડનું પાણી વેચ્યું, 5 વર્ષમાં 7000 કરોડની કમાણી કરી‘પાણીના ભાવે’, આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. સરકારે 2019-20માં પાણી વેચીને રૂપિયા 1620 કરોડની કમાણી કરી છે. રૂપિયા 1620ની આકારણી સામે રૂપિયા 1277 કરોડની વસૂલાત કરાઇ છે. 343 કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં 20 વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી 7 હજાર કરોડની કમાણી કરી છે.

સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ આપવામાં આવે છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરવામાં આવતી હોય છે. 1999-2000માં રૂપિયા 190 કરોડની આકારણી સામે રૂપિયા 100 કરોડની વસૂલાત થઇ હતી. રૂપિયા 90 કરોડની બાકી રહ્યા હતા. 10 વર્ષમાં એટલે કે 2009-10માં આકારણીની રકમ ત્રણ ગણી વધીને રૂપિયા 571 કરોડ થઇ ગઇ. પછીના પાંચ વર્ષના ગાળામાં 2014-15 સુધી આકારણીની રકમ રૂપિયા 1006 કરોડ થઇ ગઇ. આ પાંચ વર્ષમાં આકારણીની રકમમાં બમણો વધારો થયો. આ વર્ષે પણ રૂપિયા 1000 કરોડની વસૂલાત બાકી રહી.

સૌથી વધારે પાણી ઉઘોગો દ્વારા લેવામાં આવે છે. સિંચાઇના હેતુથી ખેડૂતો દ્વારા પણ ખરીદવામાં ‌આવે છે. પીવાના પાણી માટે ચોક્કસ દર નક્કી કરવામાં આવ્યા છે. 2019-2020ના આંકડાઓ મુજબ, ખેતી માટે લેવાયેલા પાણીની આકારણી રૂપિયા 32 કરોડ, પીવાના પાણી માટે 480 કરોડ, ઉઘોગોના પાણી માટે રૂપિયા 1109 કરોડ કરવામાં આ‌ી હતી જેમાંથી ખેતીના રૂપિયા 19 કરોડ, પીવાના પાણીના 219 કરોડ, ઉઘોગોના રૂપિયા 1040 કરોડની વસૂલાત કરાઇ હતી.

ખેડૂતોને પાણી વેચીને 20 વર્ષમાં 100 % કમાણીખેતી માટે પાણી વેચીને સરકાર આ વર્ષે 31.77 કરોડ રૂપિયા કમાઈ છે. ગત વર્ષે 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 1999-2000માં ખેડૂતોને પાણી વેચીને સરકાર માત્ર 16 કરોડ કમાઈ હતી. હવે આ આવક બમણી એટલે કે 100 % થઈ.

ઉદ્યોગોને 11 કરોડનું પાણી વેચ્યું, આવક 619 % વધીઉદ્યોગોના વપરાશ માટે ગુજરાતે આ વર્ષે 1108 કરોડ રૂપિયાનું પાણી વેચ્યું છે. ગત વર્ષે 1020 કરોડનું પાણી વેચ્યું હતું. વર્ષ 2000માં ઉદ્યોગોને 155 કરોડનું પાણી વેચ્યું હતું. એટલે કે ઉદ્યોગોને પાણી વેચીને 20 વર્ષમાં આવક 619 ટકા વધી છે.

ઘરેલુ પાણી સપ્લાયથી 20 વર્ષમાં 2400% આવક વધીઘરેલુ ઉપયોગ માટે આ વર્ષ સુધી સરકારે 480 કરોડનું પાણી વેચ્યું. તેમાં દર વરસે વધારો થતો રહ્યો. 1999-2000 દરમ્યાન ઘરેલુ વોટર સપ્લાયથી 16 કરોડની આવક થતી હતી જે 20 વર્ષમાં વધીને 480 કરોડ થઈ ગઈ છે. એટલે કે 2400 ટકાનો સીધો વધારો.

પાણીના ભાવમાં દર વરસે વધારોસરકારે 2007ના ઠરાવથી પાણીના દરો લાગુ કર્યા હતા. ખેતી માટે પ્રતિ હેક્ટર રૂ. 160 તથા બારમાસી પાકો માટે પ્રતિ હેક્ટર પ્રતિ પાણ રૂ. 300 દર છે. આ રકમમાં દર વર્ષે 7.5 ટકા વધારો કરવાનો હોય છે. પીવાના પાણી માટેના દર હાલમાં અંદાજે રૂપિયા 2 છે. ઔઘોગિક હેતું માટેનો દર વરસે 10 ટકા વધારવાની શરત હતી. હાલ પ્રતિ હજાર લિટરે અંદાજે રૂ. 25 છે.

15 જ દિવસમાં રાજ્યમાં 30% વરસાદ, 206માંથી 41 ડેમ 90-100% ભરાયાચોમાસામાં 15 દિવસમાં ગુજરાતમાં કુલ વરસાદનું 30 % પાણી પડી ચૂક્યું છે. સૌરાષ્ટ્રમાં 56 % તો કચ્છમાં સિઝનનો 70 % વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 35% અને કચ્છમાં 20%થી વધુ વરસાદ થયો નથી. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અપૂરતો વરસાદ છે. રાજ્યના 206 ડેમોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 41 ડેમમાં 90થી 100 % પાણી ભરાઈ ગયું છે. 22 બંધમાં 100 % ભરાઈ ગયા છે. 14 ડેમમાં 99 % પાણી છે. જ્યારે 5 ડેમમાં 90 %થી વધુ પાણી છે. સૌથી વધારે વરસાદ દ્વારકામાં થયો છે. જ્યાં અત્યાર સુધીમાં 582 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં જળસંગ્રહ

વિસ્તાર જળસંગ્રહ % ઉત્તર ગુજરાત 26.92 મધ્ય ગુજરાત 44.96 દક્ષિણ ગુજરાત 46.9 સૌરાષ્ટ્ર 51.74 કચ્છ 37.44 સરદાર સરોવર 55.38 ગુજરાત 48.74

નર્મદા ડેમની ફાઈલ તસવીર.